યુએસ ફેડરલ એપીલ્સ કોર્ટે 30 ઑગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા મોટાભાગના આંતરરાષ્ટ્રીય ટેરિફ ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા છે. યુએસ કોર્ટ ઑફ અપીલ્સે કહ્યું છે કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
કોર્ટની ટિપ્પણીઓ
અમેરિકાની અદાલત યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે 7-4ની બહુમતીથી ચુકાદો આપ્યો કે IEEPA, 1977ના કાયદા હેઠળ રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સત્તા નાણાકીય વ્યવહારો અને સંપત્તિ ફ્રીઝ કરવા માટે છે, પરંતુ તેમાં ટેરિફ લાદવાની સ્પષ્ટ સત્તા નથી. કોર્ટે કહ્યું, “કોંગ્રેસે IEEPA દ્વારા રાષ્ટ્રપતિને અમર્યાદિત ટેરિફ સત્તા આપવાનો ઇરાદો નથી રાખ્યો.”
યુએસ બંધારણ અનુસાર, ટેરિફ અને ટેક્સ લાદવાની સત્તા કોંગ્રેસ પાસે છે. ટ્રમ્પે આ સત્તાને બાયપાસ કરીને IEEPAનો ઉપયોગ કર્યો, જેને કોર્ટે અધિકારનો દુરુપયોગ ગણાવ્યો. કોર્ટે આ નિર્ણયને 14 ઑક્ટોબર સુધી મુલતવી રાખ્યો છે, જેથી ટ્રમ્પ વહીવટને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય મળે.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પની ટેરિફ નીતિ તેમની સત્તાઓનું અતિક્રમણ હતું. આનો અર્થ એ થયો કે તેમણે તે અધિકારનો ઉપયોગ કર્યો જે તેમની પાસે નહોતો. જોકે, અમેરિકન અર્થતંત્રને ધ્યાનમાં રાખીને કોર્ટે ટેરિફ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો ન હતો. તેના બદલે ટ્રમ્પ વહીવટીતંત્રને ઑક્ટોબર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે. અગાઉ, ન્યૂ યોર્કની ફેડરલ ટ્રેડ કોર્ટે પણ આવો જ નિર્ણય આપ્યો હતો, જેને હવે આ અપીલ કોર્ટે માન્ય રાખ્યો છે.
નોંધનીય છે કે ટ્રમ્પે એપ્રિલમાં ‘પારસ્પરિક’ ટેરિફ લાદ્યા હતા, જેમાં અમેરિકાની આયાત-નિકાસની ખાધને સંતુલિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય ચીન, કેનેડા અને મેક્સિકો સામે ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ડ્રગ્સના પ્રવાહને રોકવાના નામે લાદવામાં આવ્યા હતા.
ટ્રમ્પે આ ચુકાદાને ગણાવી આફત
ચુકાદા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ચુકાદાને ‘દેશ માટે સંપૂર્ણ આફત’ ગણાવી અને એપીલ્સ કોર્ટને ‘અત્યંત પક્ષપાતી’ ગણાવી. ટ્રમ્પે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ આ નિર્ણયને ઉલટાવી દેશે. તેમણે લખ્યું, “જો આ ટેરિફ હટાવવામાં આવશે તો તે દેશ માટે આર્થિક આફત હશે.”
ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટના આ નિર્ણયથી ભડકી ગયા છે. તેમણે તેને પક્ષપાતી અને ખોટો ગણાવ્યો. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, “બધા ટેરિફ હજુ પણ લાગુ છે. એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટો નિર્ણય લીધો, પરંતુ અમને ખાતરી છે કે અમેરિકા અંતે જીતશે. જો આ ટેરિફ દૂર કરવામાં આવે તો તે અમેરિકા માટે વિનાશક બનશે. તે આપણને આર્થિક રીતે નબળા પાડશે.”
ટ્રમ્પનું કહેવુ છે કે ટેરિફ અમેરિકન કામદારો અને કંપનીઓનું રક્ષણ કરે છે. તેમના મતે, અન્ય દેશોએ વર્ષોથી અમેરિકા સામે ટેરિફ અને વેપાર અવરોધોનો ઉપયોગ કર્યો છે, જેના કારણે અમેરિકન ઉત્પાદકો અને ખેડૂતો નબળા પડ્યા છે. હવે તેઓ ટેરિફ દ્વારા અમેરિકાને ફરીથી મજબૂત અને સમૃદ્ધ બનાવવા માંગે છે. ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો કોર્ટનો નિર્ણય લાગુ કરવામાં આવશે તો અમેરિકાને ભારે વેપાર ખાધનો સામનો કરવો પડશે, જે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડશે.
આ ચુકાદાની પૃષ્ઠભૂમિ
પાંચ નાના યુએસ વ્યવસાયો અને 12 ડેમોક્રેટિક-આગેવાનીવાળા રાજ્યોના ગઠબંધન દ્વારા દાખલ કરવામાં આવેલા દાવાઓમાં દલીલ કરવામાં આવી હતી કે ટેરિફ લાદવાની સત્તા કોંગ્રેસ પાસે છે અને રાષ્ટ્રપતિ દ્વારા તેનો દુરુપયોગ થયો છે. મે 28, 2025ના રોજ યુએસ કોર્ટ ઑફ ઇન્ટરનેશનલ ટ્રેડે ટ્રમ્પની ટેરિફ નીતિઓને ગેરકાયદે ગણાવી હતી, જેમાં એક ટ્રમ્પ નિયુક્ત ન્યાયાધીશ પણ સામેલ હતા. ટ્રમ્પના ટેરિફે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી, ફુગાવાનું જોખમ વધાર્યું અને આર્થિક વૃદ્ધિને અસર કરી. જોકે, કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે તેની એકંદર અસર મર્યાદિત રહી છે.
આ ચુકાદાથી ચીન, ભારત, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા દેશો સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર અસર પડી શકે છે. ભારતના ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના (GTRI) સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે ભારતે ગેરકાયદે ટેરિફના દબાણ હેઠળ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. આ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં જવાની શક્યતા છે, જે ટ્રમ્પની વેપાર નીતિઓ અને રાષ્ટ્રપતિની સત્તાની મર્યાદાઓ પર નિર્ણાયક ચુકાદો આપી શકે છે.
યુએસ ફેડરલ એપીલ્સ કોર્ટના ચુકાદાએ ટ્રમ્પની ટેરિફ અને વેપાર નીતિઓને એક મોટો ફટકો આપ્યો છે, જે તેમની આર્થિક એજન્ડા અને રાષ્ટ્રપતિની સત્તાની મર્યાદાઓ પર પ્રશ્નો ઉભા કરે છે. ટ્રમ્પે આ ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને સમર્થન આપ્યું તો આ નિર્ણયની વૈશ્વિક વેપાર અને ભારત જેવા દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો પર લાંબા ગાળાની અસર રહેશે.


