Thursday, April 25, 2024
More
  હોમપેજદેશકેરળ બ્લાસ્ટ કેસ: હુમલાની જવાબદારી લઈને સરેન્ડર કરનાર ડોમિનિક માર્ટિનની ધરપકડ, અહેવાલોમાં...

  કેરળ બ્લાસ્ટ કેસ: હુમલાની જવાબદારી લઈને સરેન્ડર કરનાર ડોમિનિક માર્ટિનની ધરપકડ, અહેવાલોમાં દાવો- 15 વર્ષ સુધી દુબઈમાં રહ્યો, 2 મહિના પહેલાં જ પરત ફર્યો હતો

  રવિવારે (29 ઓક્ટોબર) સરેન્ડર કર્યા બાદથી તે પોલીસ કસ્ટડીમાં હતો. પોલીસ તેના દાવામાં કેટલું સત્ય છે તેની તપાસ કરી રહી હતી, આખરે સોમવારે તેની ધરપકડ દર્શાવવામાં આવી. 

  - Advertisement -

  કેરળના એર્નાકુલમના કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટ બાદ એક શખ્સે પોલીસ સમક્ષ સરેન્ડર કરીને હુમલાની જવાબદારી લીધી હતી. આ ડોમિનિક માર્ટિનની આખરે ધરપકડ કરવામાં આવી છે. 

  રિપોર્ટ્સ અનુસાર, માર્ટિન સામે UAPA, એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ તેમજ IPCની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની સામે હત્યાના પ્રયાસ અને હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. રવિવારે (29 ઓક્ટોબર) સરેન્ડર કર્યા બાદથી ડોમિનિક પોલીસ કસ્ટડીમાં હતો. પોલીસ તેના દાવામાં કેટલું સત્ય છે તેની તપાસ કરી રહી હતી, આખરે સોમવારે માર્ટિનની ધરપકડ દર્શાવવામાં આવી. 

  સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, માર્ટિનને હાલ કલામાસેરી સ્થિત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં રાખવામાં આવ્યો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. કેરળ પોલીસ મામલાની તપાસ કરી રહી છે તેમજ NIA વગેરે એજન્સીઓ પણ સહયોગ આપી રહી છે. 

  - Advertisement -

  29 ઑક્ટોબરે થયો હતો બ્લાસ્ટ

  આ બ્લાસ્ટ રવિવારે (29 ઓક્ટોબર) કેરાના એર્નાકુલમ સ્થિત એક કન્વેન્શન હોલમાં થયો હતો. અહીં ખ્રિસ્તી જૂથ યહોવાહ વિટનેસિસની એક સભા ચાલી રહી હતી, જેમાં હજારો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમનો અંતિમ દિવસ હતો ત્યારે અચાનક હોલમાં બ્લાસ્ટ થયા હતા. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે, થોડી સેકન્ડોના અંતરે કુલ ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 3 મૃત્યુ થયાં છે. એક મહિલાનું સ્થળ પર મોત થયું હતું, જ્યારે 2 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 

  ઘટના બાદ એક શખસ પોલીસ પાસે પહોંચી ગયો અને જવાબદારી લઈને સરેન્ડર કર્યું હતું. તેનો દાવો હતો કે બૉમ્બ તેણે જ પ્લાન્ટ કર્યા હતા. પછીથી તેની ઓળખ ડોમિનિક માર્ટિન તરીકે થઈ. આ જ વાત તેણે એક ફેસબુક વીડિયોમાં પણ કહી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેણે કહ્યું કે, તે ઘણાં વર્ષો સુધી યહોવાહ વિટનેસિસનો સભ્ય રહ્યો હતો, પરંતુ તેઓ અમુક એવા વિચારોને પ્રોત્સાહન આપતા હતા જે રાષ્ટ્રવિરોધી હતા. જેના કારણે થોડાં વર્ષો પહેલાં તે અલગ થઈ ગયો હતો.

  ઈન્ટરનેટ પરથી બૉમ્બ બનાવતાં શીખ્યો હતો

  તેના દાવાની તપાસ કર્યા બાદ પોલીસને તેમાં સત્યતા જણાતા આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ રિમોટથી કરવામાં આવ્યો હતો અને તેમણે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે જેમાં માર્ટિન મોબાઈલથી રિમોટ કંટ્રોલ કરી રહ્યો છે. વિસ્ફોટક ડિવાઇસ પેટ્રોલ ભરેલી બોટલથી બનાવવામાં આવ્યુ હતું. માર્ટિને પોલીસને એ પણ જણાવ્યું કે તે આ સમાન ક્યાંથી લાવ્યો હતો અને બૉમ્બ કઈ રીતે બનાવતાં શીખ્યો. પ્રાથમિક જાણકારી અનુસાર, તે ઈન્ટરનેટ પરથી આ કારસ્તાન કરતાં શીખ્યો હતો. 

  અન્ય કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો તેમાં જણાવવામાં આવ્યું છે કે તે 15 વર્ષ માટે દુબઈમાં રહ્યો છે અને 2 મહિના પહેલાં જ ભારત પરત ફર્યો છે. તે ત્યાં ઇલેક્ટ્રિક મેન તરીકે કામ કરતો હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેને ઇલેક્ટ્રિક સર્કિટ વિશે પૂરેપૂરી જાણકારી હતી. તપાસ એજન્સીઓએ હાલ એ દિશામાં તપાસ હાથ ધરી છે કે ત્યાં તે કોના સંપર્કમાં હતો. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં