તાજેતરમાં દેશભરમાં શ્વાનોના કરડવાની કે હુમલાઓની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે ચર્ચાઓ શરૂ થઈ છે. હકીકતમાં એક કેસની સુનાવણી દરમિયાન વકીલ કૃણાલ ચેટર્જી ઘાયલ અવસ્થામાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ત્યારે તેમના હાથ પર ઘાવ જોઈને મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે તેમને થયેલ ઇજા બાબતે પૂછ્યું હતું. ત્યારે વકીલ કૃણાલે તેમને એકસાથે 5 કુતરાઓ દ્વારા થયેલ હુમલા બાબતે જણાવ્યું હતું.
આ બાબતે CJI ચંદ્રચુડે તેમને કોઈ મેડિકલ સહાયની જરૂર જણાય તો રજિસ્ટ્રારને કહેવા અંગે જણાવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર રહેલ જસ્ટિસ PS નરસિમ્હાએ દિવસે-દિવસે વધી રહેલ શ્વાનોના કરડવાની ઘટનાને એક ગંભીર બાબત હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ બાબતે આ મહિનાની ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદની એક ઘટનાનું ઉદાહરણ આપ્યું હતું. જ્યાં વિજયનગર પોલીસ મથક વિસ્તારની ચરણસિંહ કોલોનીમાં આશરે દોઢેક મહિના પહેલાં એક શ્વાને 14 વર્ષના બાળકને કરડવાથી તે તેના પિતાના ખોળામાં જ મૃત્યુ પામ્યો હતો.
બીજી બાજુ બાળકે ઠપકો મળવાના ડરથી આ ઘટનાને છુપાવી હતી. પરંતુ પછીથી તેને હડકવા (rabies) થવાની હકીકત સામે આવી હતી. આ મામલે તેના પાડોશી મહિલા અને પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. રિપોર્ટ અનુસાર ગાઝિયાબાદ-નોઈડામાં સવા લાખ કુતરાઓ છે. ત્યારબાદ આ અંગે જયારે સુપ્રીમ કોર્ટમાં ચર્ચાઓ શરુ થઇ ત્યારે CJIએ જણાવ્યું કે, જયારે તેમના લૉ ક્લાર્ક ગાડી પાર્ક કરી રહ્યા તે દરમિયાન તેમના પર શ્વાનોએ હુમલો કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટમાં SGએ પણ એક નાના બાળકને શ્વાનોના કરડવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
[DOG ATTACK CONCERN IN SUPREME COURT]
— Bar & Bench (@barandbench) September 11, 2023
Adv Kunal Chatterjee appears with an injured hand
CJI: What happened?
Chatterjee: 5 dogs pounced on me..
CJI: If you need medical attention I can ask the registry to look into this
Justice PS Narasimha: this is becoming a menace
SG:…
નોંધનીય છે કે, આ દરમિયાન વકીલે આ અંગે સુપ્રીમ કોર્ટને પગલાં લેવાની અપીલ કરી હતી. જો કે, આ બાબતે હજુ કંઈ કહેવામાં આવ્યું નથી. ઉત્તરપ્રદેશના અમરોહાથી પણ CCTV વિડીયો સામે આવ્યો હતો. જેમાં શ્વાનોએ એક બાળકને દોડાવીને તેના પર હુમલો કર્યો હોવાનું નજરે પડે છે.
મહત્વનું છે કે, હાલમાં પણ એક કેસ પેન્ડિંગ છે, જે લોકો પર શ્વાનોના હુમલા સાથે સંલગ્ન છે. ત્યારે હવે વકીલના હાથમાં ઇજા પહોંચતા ફરી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગુંજ્યો છે. આ દરમિયાન જસ્ટિસ મનોજ મિશ્રા પણ હાજર હતા.