દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આ વિષયને લઈને કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. તેમણે કેજરીવાલનું નામ લીધા વગર કહ્યું કે, કેટલાક લોકો IITમાંથી ડિગ્રી મેળવ્યા બાદ પણ અભણ રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, સીએમ કેજરીવાલનું શિક્ષણ IITમાંથી થયું છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ રવિવારે વઝીરાબાદની મુલાકાત લીધી હતી. તેઓ અહીં ડ્રેનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે યમુનામાં સફાઈ કાર્યનું નિરીક્ષણ કરતા કહ્યું કે, હાલ યમુનાની સફાઈનું કામ મિશન મોડમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં દિલ્હીના લોકો યમુનાનું બદલાયેલું સ્વરૂપ જોશે. 30 જૂન સુધી 22 કિમીના વિસ્તારની સફાઈ થઈ જશે.
દિલ્હીના ઉપરાજ્યપાલે ડિગ્રી કોન્ટ્રોવર્સી અંગે શું કહ્યું?
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ઘણાં સમયથી વડાપ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ અંગે ઉપરાજ્યપાલ સક્સેનાએ કહ્યું કે, ડિગ્રી પર કોઈએ ઘમંડ ન કરવો જોઈએ.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું કે, “હા, મેં પણ સાંભળ્યું છે કે વિધાનસભામાં કેટલીક વાતો કહેવામાં આવી છે, પરંતુ કોઈએ પોતાની ડિગ્રી પર ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ. ડિગ્રી તો ભણતરના ખર્ચની રસીદ હોય છે. શિક્ષણ એ છે, જે વ્યક્તિનું જ્ઞાન દર્શાવે છે. આટલા દિવસોમાં આપણે જે વ્યવહાર જોયો છે, એનાથી એક વાત સાબિત થાય છે કે કેટલાક લોકો IITની ડિગ્રી લીધા પછી પણ અભણ રહી જાય છે.”
#WATCH | One should not boast about their degree… It is now proved that some people remain illiterate even after studying at IIT: LG Vinai Kumar Saxena on CM Arvind Kejriwal’s statement on PM Modi’s degree pic.twitter.com/xTFF8PAmtn
— ANI (@ANI) April 9, 2023
PM મોદીની ડિગ્રીઓના મામલે રાજકારણ રમવાને લઈને ફટકાર લગાવી ચૂકી છે ગુજરાત હાઇકોર્ટ
અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓને લઈને સતત સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આ મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદો આપ્યો હતો. વાસ્તવમાં, કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અરજી કરીને વડાપ્રધાન મોદીની અરજીઓ અંગે વિગતો માંગી હતી. ત્યારબાદ કમિશને ગુજરાત યુનિવર્સીટી, દિલ્હી યુનિવર્સીટી અને PMOને આ વિગતો આપવા માટે જણાવ્યું હતું. જેને લઈને ગુજરાત યુનિવર્સીટી હાઇકોર્ટ પહોંચી હતી અને CICના આ આદેશને પડકાર્યો હતો.
આ મામલે ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે CICનો આ આદેશ રદ કરી દીધો હતો અને કેજરીવાલને 25 હજારનો દંડ ફટકારી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, પીએમ મોદીની ડિગ્રીઓ જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ જ છે, તેમ છતાં RTI દ્વારા માહિતી માંગવામાં આવી. ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, આ કેસમાં RTIની જોગવાઈઓનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે અને કાયદાના ઉદ્દેશ્ય અને આશયની મજાક ઉડાવીને આ પ્રકારની વિનંતીઓ કરી શકાય નહીં. આ સિવાય, હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે ડિગ્રી જેવી બાબતો વ્યક્તિની અંગત માહિતી હોય છે અને જ્યાં સુધી કોઈ જાહેરહિત ન જોડાયેલું હોય ત્યાં સુધી તેની માહિતી માંગી શકાય નહીં અને આ કેસમાં મોદીની ડિગ્રીઓ સાથે શું જાહેરહિત જોડાયેલું છે તે કેજરીવાલ સાબિત કરી શક્યા નથી.