Sunday, May 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયાએ ઉપરાજ્યપાલ પર ભાજપનો પક્ષ લેવાનો લગાવ્યો હતો આરોપ, એલજીએ કેજરીવાલને...

  મનિષ સિસોદિયાએ ઉપરાજ્યપાલ પર ભાજપનો પક્ષ લેવાનો લગાવ્યો હતો આરોપ, એલજીએ કેજરીવાલને કહ્યું- તમારા મંત્રીને કાબૂમાં રાખો

  મનોજ તિવારીએ અસ્થાયી હોસ્પિટલોના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી. જે મામલે ઉપરાજ્યપાલે તપાસના આદેશ આપતા સિસોદિયાએ પત્ર લખીને ઉપરાજ્યપાલ પર જ ભાજપના દબાણ હેઠળ કામ કરતા હોવાનો આરોપ લગાવી દીધો હતો.

  - Advertisement -

  દિલ્હીના ઉપ રાજ્યપાલ (એલજી) વિનય કુમાર સક્સેનાએ મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ લગાવેલા આરોપોનું ખંડન કર્યું છે અને ઉપ રાજ્યપાલે કેજરીવાલને પોતાના મંત્રીઓને ગેરમાર્ગે દોરતાં નિવેદનો આપવાથી રોકવાનો આગ્રહ કર્યો છે.

  ભાજપ સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને જાહેર બાંધકામ વિભાગ તરફથી થયેલ અસ્થાયી હોસ્પિટલોના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી. જે મામલે ઉપરાજ્યપાલે તપાસના આદેશ આપતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પત્ર લખીને ઉપરાજ્યપાલ પર જ ભાજપના દબાણ હેઠળ કામ કરતા હોવાનો આરોપ લગાવી દીધો હતો.

  સિસોદિયાએ કોવિડ-19 મહામારી દરમિયાન સાત અસ્થાયી હોસ્પિટલોના નિર્માણમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા માટે એસીબીને મંજૂરી આપવાના સંદર્ભમાં એલજીને પત્ર લખીને તેમની ઉપર ભાજપની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ઉપરાજ્યપાલે પ્રતિક્રિયા આપી છે.

  - Advertisement -

  કેજરીવાલને પત્ર લખીને દિલ્હીના ઉપ રાજ્યપાલે કહ્યું કે, ઉપ-મુખ્યમંત્રીએ બિન-તથ્યાત્મક અને કાયદાકીય રીતે ખોટું નિવેદન કર્યું છે અને પ્રશાસનિક કાર્યવાહીને બિનજરૂરી રીતે રાજકીય રંગ આપ્યો છે. તેમણે મુખ્યમંત્રીને યાદ અપાવ્યું કે દર શુક્રવારે બંને વચ્ચે થતી બેઠકમાં તેમની ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા અંગે સહમતિ બની હતી.

  રાજ્યપાલે લખ્યું કે, “સુશાસનના હિતમાં હું આગ્રહ કરું છું કે તમારા મંત્રીઓને આવા ગેરમાર્ગે દોરતાં અને અવરોધ ઉભો કરતાં નિરર્થક નિવેદનો આપવાથી રોકવામાં આવે. આ ઉપરાંત તેમણે તેમના કાયદાકીય અધિકારો અંગે પણ જણાવ્યું હતું.

  ઉપરાજ્યપાલ પત્રમાં કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે 4 ઓગસ્ટ, 2016ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીના શાસનની બંધારણીય યોજના મુજબ સેવાનો વિષય દિલ્હી વિધાનસભાના કાર્યક્ષેત્રની બહાર છે.” એલજીએ જણાવ્યું કે નિર્ણય હજુ પણ માન્ય છે કારણ કે આ મુદ્દા પર ચૂંટાયેલી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં સુનાવણી થવાની બાકી છે.”

  તેમણે કહ્યું કે ફરિયાદની કાળજીપૂર્વક તપાસ કર્યા પછી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની જોગવાઈઓ અને અદાલતો દ્વારા નક્કી કરાયેલ કાયદા અનુસાર, PWDના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ પર તપાસની મંજૂરી આપવામાં આવી છે.

  સિસોદિયાએ ઉપરાજ્યપાલને લખેલા તેમના પત્રમાં પૂછ્યું હતું કે તેમણે કોના દબાણ હેઠળ એસીબીને વર્ષો જૂની ફરિયાદ પર તપાસ કરવાની મંજૂરી આપી હતી, જેને તેમના અગાઉના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાયાવિહોણી ગણાવીને રદ કરી ચૂક્યા હતા. 

  ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મનોજ તિવારીએ જાહેર બાંધકામ વિભાગ તરફથી થયેલ અસ્થાયી હોસ્પિટલોના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી. મનોજ તિવારી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, આ વિસ્તારોમાં પહેલેથી જ હેલ્થકેરની સુવિધાઓ ઉપલબ્ધ છે અને નવી હોસ્પિટલ બાંધવાનો કોઈ અર્થ નથી. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, કેજરીવાલ સરકારે મહામારીના સમયમાં પણ આ હોસ્પિટલોના કામ દ્વારા 1,256 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં