દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે (Delhi Police) શનિવારે (30 નવેમ્બર) રાત્રે ઉત્તમનગરના આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય નરેશ બાલિયાનની (Naresh Baliyan) ધરપકડ કરી લીધી હતી. આ કાર્યવાહી 2023માં દિલ્હીના એક બિલ્ડર પાસે ખંડણી માંગવાના કેસમાં કરવામાં આવી છે. AAP ધારાસભ્યનો કુખ્યાત ફરાર ગેંગસ્ટર સાથેની વાતચીતનો એક ઑડિયો પણ વાયરલ થયો હતો, જે મામલે પૂછપરછ કરવા માટે પોલીસે તેમને તેડું મોકલ્યું હતું. પૂછપરછમાં તેઓ સંતોષકારક જવાબ ન આપી શકતાં અંતે ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ સાથે નરેશ બાલિયાનની વાતચીતના ઑડિયો ક્લિપના પરીક્ષણ બાદ તેમની ધરપકડ કરી છે. આ ધરપકડ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ આ જ ઑડિયો ક્લિપ જાહેર કરીને આમ આદમી પાર્ટીની નીતિઓ અને અરવિંદ કેજરીવાલ પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે AAPને ગેંગસ્ટર અને વસૂલીની પાર્ટી ગણાવી હતી.
Delhi Police's @CrimeBranchDP has arrested Sh. Naresh Balyan, MLA of Delhi Legislative Assembly in connection with an extortion case.
— Delhi Police (@DelhiPolice) November 30, 2024
The arrest was made after examination of audio clip having conversation between MLA and notorious gangster Kapil Sangwan @ Nandu.
ગેંગસ્ટર સાથે મળીને ખંડણીનું રેકેટ ચલાવતા હોવાના આરોપ
મીડિયા અહેવાલો અનુસાર, AAP ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ પહેલાં નજફગઢના ફરાર કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ સાથેની તેમની વાતચીતનો એક ઑડિયો ફરતો થયો હતો. નંદુ હાલ UKમાં રહે છે અને તે ત્યાંથી જ ખંડણી રેકેટ ચલાવે છે. તેણે ત્યાં બેસીને દિલ્હીના એક બિલ્ડરને ધમકાવીને ખંડણી માંગી હતી. નરેશે આ મામલે મધ્યસ્થતા કરી હતી. ખંડણીના જે રૂપિયા આવ્યા તેમાંથી પોતાનો ભાગ કાઢીને બાકીના નંદુને પહોંચાડી દેતા હોવાનો તેમની ઉપર આરોપ છે.
ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુને જાણ થઈ હતી કે ધારાસભ્ય નરેશ ખંડણીના રૂપિયામાંથી પોતે વધારે મોટો હિસ્સો લઈને તેને થોડા જ પૈસા પહોંચાડતા. આથી બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને તેણે નરેશ બાલિયાનને ફોન કરીને ધમકીઓ આપી દીધી હતી. વિવાદ વધતાં નરેશ બાલિયાને પોતે ગેંગસ્ટર તેમને ધમકી આપી રહ્યો છે તેમ કરીને પોતાનો ઑડિયો વાયરલ કરી દીધો હતો. હવે આ જ ઑડિયો ક્લિપ તેમના માટે આફત બનીને આવી છે.
આ ઓડિયો ક્લિપના આધારે ભાજપે AAPને ઘેર્યું
બીજી તરફ ભાજપ આ સમગ્ર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી પણ ઘોડો થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પત્રકાર પરિષદ યોજીને આરોપ લગાવ્યા છે કે ધારાસભ્ય નરેશ બાલિયાન અરવિંદ કેજરીવાલની સહમતીથી આ પ્રકારના ગુનાઓમાં સંલિપ્ત છે. તેમણે કહ્યું હતું કે કટ્ટર બેઈમાન પાપી AAP કટ્ટર ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. તેમણે પૂછ્યું હતું કે શું પાર્ટી નરેશ બાલિયાનને પાર્ટીમાંથી કાઢી મૂકશે? સાથે જ ભાટિયાએ વાયરલ ઑડિયો ક્લિપ પણ પત્રકારો સામે રજૂ કરી હતી.
LIVE: Delhi BJP State President Shri @Virend_Sachdeva & BJP National Spokesperson Shri @gauravbhatiabjp jointly address a press conference at party headquarters in New Delhi. https://t.co/MT8vuiaXPq
— BJP (@BJP4India) November 30, 2024
ગૌરવ ભાટિયાએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે આમ આદમી પાર્ટીને કુખ્યાત ગેંગસ્ટરો સાથે જાડાજાડી છે અને પાર્ટીના નેતાઓ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પરવાનગીથી ગુનાહિત ગતિવિધિઓમાં સંલિપ્ત છે. તેમણે કહ્યું હતું કે, નરેશ બાલિયાને ઓડિયોમાં ગેંગસ્ટરને ‘ભાઈ’ કહીને સંબોધન કર્યું અને એક બિલ્ડરને ધમકાવી-ડરાવીને રૂપિયા પડાવ્યા. સાથે જ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે પણ ઑડિયોને લઈને નિવેદન આપ્યું હતું કે, જો ક્લિપ જૂની હોય અને હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધિત હોય તો નરેશ બાલિયાને તેને યુટ્યુબ પરથી હટાવવા કાર્યવાહી કેમ ન કરી? તેમણે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, પ્રકાશ જારવાલ, શરદ ચૌહાણ, અખિલેશ ત્રિપાઠી, સંજીવ ઝા, સુરેન્દ્ર કુમાર, જય ભગવાન, દિનેશ મોહનિયા, સોમનાથ ભારતી અને તાહિર હુસેન જેવા નેતાઓના નામ લઈને પણ આમ આદમી પાર્ટીને ઘેરી હતી.
બીજી તરફ, દર વખતની જેમ આ વખતે પણ આમ આદમી પાર્ટી પોતાના નેતાની કરતૂતો પર ઢાંકપિછોડો કરીને તેને ભાજપનું ષડ્યંત્ર ગણાવીને દિવસો કાઢી રહી છે.