આખરે બે દાયકા બાદ બનાસકાંઠાના ડીસા ખાતે વાયુસેનાનું અત્યાધુનિક એરબેઝ બનવા જઈ રહ્યું છે. બુધવારે (19 ઓક્ટોબર 2022) પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ એરબેઝનો શિલાન્યાસ કર્યો હતો. 4500 એકરમાં નિર્માણ પામવા જઈ રહેલ આ એરબેઝ પશ્ચિમી સરહદ પર સેનાને વધુ મજબૂતી આપશે તેમજ ગુજરાતનાં અન્ય એરબેઝ વચ્ચેનું અંતર પણ ઘટાડશે.
ડીસા એરબેઝનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ડીસા એરફિલ્ડનું નિર્માણ દેશની સુરક્ષા અને આ ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદેથી માત્ર 130 કિલોમીટર દૂર છે. જો આપણી સેનાઓ અને ખાસ કરીને વાયુસેના ડીસામાં હશે તો પશ્ચિમી સરહદે કોઈ પણ દુઃસાહસનો વધુ સારી રીતે જવાબ આપી શકીશું.”
પીએમ મોદીએ આગળ કહ્યું, આ એરફિલ્ડના નિર્માણ માટે ગુજરાત તરફથી વર્ષ 2000માં જ ડીસાને આ જમીન આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, “હું ત્યારે મુખ્યમંત્રી હતો તો સતત તેના નિર્માણ માટે પ્રયાસ કર્યા હતા અને તત્કાલીન કેન્દ્ર સરકારને તેનું મહત્વ પણ સમજાવતો રહ્યો, પરંતુ 14 વર્ષ સુધી કંઈ ન થયું અને ફાઈલો પણ એવી બનાવવામાં આવી કે મને ત્યાં જઈને પણ બધું ઠીક કરી પ્રસ્થાપિત કરવામાં આટલો સમય લાગી ગયો.” તેમણે કહ્યું કે, સરકાર બન્યા બાદ ડીસામાં ઓપરેશનલ બેઝ બનાવવાનો નિર્ણય કર્યો અને આજે આપણી સેનાઓની અપેક્ષા પૂર્ણ થઇ રહી છે.
The airfield in Deesa will be a big boost for our security apparatus. pic.twitter.com/XMxDNFtZnT
— Narendra Modi (@narendramodi) October 19, 2022
તેમણે કહ્યું કે, આ વિસ્તાર હવે દેશની સુરક્ષાનું એક પ્રભાવી કેન્દ્ર બનશે અને જે રીતે બનાસકાંઠા સૂર્યશક્તિનું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે ત્યારે હવે આ ક્ષેત્ર દેશ માટે વાયુશક્તિનું પણ કેન્દ્ર બનશે.
દેશની વાયુસેનાની સરહદોને સુરક્ષા પૂરી પાડવા અને મજબૂત કરવા માટે ડીસા એરબેઝ રણનીતિક રીતે મહત્વનું કેન્દ્ર બની રહેશે. ખાસ કરીને પશ્ચિમ મોરચે હવાઈ સરહદની સુરક્ષા કરવામાં ડીસા એરફિલ્ડ અગત્યનો ભાગ ભજવશે.
પશ્ચિમ સરહદ પર હાલ બાડમેર પછી સીધું ગુજરાતના કચ્છમાં એરબેઝ આવેલું છે. ત્યારે ડીસામાં એરબેઝના નિર્માણથી હવાઈ સરહદનું અંતર ઘટશે. જાણવા મળ્યા અનુસાર, ગુજરાત અને આસપાસનાં ક્ષેત્રોમાં આવેલાં એરબેઝનું નાત્ર 355 કિલોમીટર જેટલું ઘટી જશે.
PM @NarendraModi Ji laid the foundation stone for @IAF_MCC's new airbase at Deesa in Gujarat.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 19, 2022
It will be a game-changer in strengthening India’s defence & national security. #DefExpo2022 pic.twitter.com/GsXXIRWwoq
આ ઉપરાંત, યુદ્ધની સ્થિતિમાં વિમાનની ઓપરેટિંગ રેન્જમાં વધારો જોવા મળશે તેમજ રિસ્પોન્સ ટાઈમમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. જેથી કોઈ પણ આક્રમણની સ્થિતિમાં વાયુસેના વધુ સારી રીતે જવાબ આપી શકશે. તેમજ એકસાથે ‘લેન્ડ ઓપરેશન’ અને ‘સી ઓપરેશન’ લૉન્ચ કરી શકાશે.
આ ઉપરાંત, ડીસા એરફિલ્ડના નિર્માણથી વડોદરા અને અમદાવાદ જેવાં મહાનગરોને મજબૂત એરડિફેન્સ પણ મળી રહેશે. તેમજ ડીસા અને કચ્છમાં આર્થિક વિકાસ માટેની અન્ય પણ તકો ખોલશે.
4519 એકરમાં બનનાર પામનાર આ એરબેઝના નિર્માણના પ્રથમ તબક્કામાં રન-વે, રસ્તો, સમાનાંતર ટેક્સી ટ્રેક અને હેંગરનું નિર્માણ કરવાની ગણતરી છે. આ કામ 21 મહિનામાં એટલે કે વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં અહીં લાઇટર કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત, ફાઈટર હેલિકોપ્ટર અને મિસાઈલ સિસ્ટમ પણ તહેનાત થશે. જે સરહદની સુરક્ષામાં નોંધનીય ભૂમિકા ભજવશે.