Saturday, May 4, 2024
More
    હોમપેજમંતવ્ય10 કરોડ ઘરોમાં પહોંચ્યાં ગેસ સિલિન્ડર, મહિલાઓને મળી ધુમાડાથી મુક્તિ: જાણો પ્રધાનમંત્રી...

    10 કરોડ ઘરોમાં પહોંચ્યાં ગેસ સિલિન્ડર, મહિલાઓને મળી ધુમાડાથી મુક્તિ: જાણો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી દેશમાં કેટલું આવ્યું પરિવર્તન

    PM મોદીએ સત્તામાં આવતાની સાથે જ દેશની મૂળભૂત સમસ્યાઓને એક પછી એક ઉકેલવાનું શરૂ કર્યું. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, જન ધન યોજના અને સૌભાગ્ય જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ સાથે શરૂ થઈ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને બદલાયું દેશનું ચિત્ર.

    - Advertisement -

    આ વર્ષ 2014ની વાત છે, હું ગામમાં રહેતા એક સંબંધીના ઘરે બેઠો છું. આ પરિવારની આર્થિક સ્થિતિ અન્ય લાખો ભારતીય પરિવારોની જેમ બહુ સારી નથી. દેશમાં મળતા આતિથ્ય સન્માનને કારણે આ ઘરમાં એક સ્ત્રી ચા બનાવી રહી છે, આ સ્ત્રી મારા દૂરનાં માસી થાય છે. જોકે, ચામાંથી ઓછો અને ચૂલામાંથી વધુ ધુમાડો નીકળી રહ્યો છે. ખરેખર, આ ઘરમાં એક પણ LPG સિલિન્ડર નથી. મહિલા, જે મારાં માસી છે, તેઓ લાકડા અને કોલસાથી સળગતા ચૂલા પર ચા અને ખોરાક રાંધવા પર મજબૂર છે. આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પહેલાંનો સમયગાળો છે.

    વાસ્તવમાં આ વાર્તા આજથી 10 વર્ષ પહેલાંના દેશના કરોડો પરિવારની હતી. જ્યાં મહિલાઓ ધુમાડા વચ્ચે રસોઈ બનાવવા માટે મજબૂર હતી. તેનાથી એક તો ભોજન તૈયાર થવામાં વિલંબ થતો હતો અને બીજું તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પણ થતી હતી. જોકે, તે સમયે આ સમસ્યાનો ઉલેક સ્વચ્છ ઈંધણ એવા ગેસ સિલિન્ડરનું કનેક્શન મેળવવું મુશ્કેલ હતું. સામાન્ય મહેનત-મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો કોઈ વ્યક્તિ LPG કનેક્શન મેળવવા માટે પૈસા ભેગા કરી શકતો નહોતો. મેં જે પરિવારની વાત કહી છે, તે પણ તેમાંથી એક છે.

    પરંતુ આ ચિત્ર 2014 પછી બદલાવા લાગ્યું. 2014ની સામાન્ય ચૂંટણીમાં 30 વર્ષ પછી દેશમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર આવી. તેના નેતા નરેન્દ્ર મોદી હતા. PM મોદીએ સત્તામાં આવતાંની સાથે જ દેશની મૂળભૂત સમસ્યાઓને એક પછી એક ઉકેલવાનું શરૂ કર્યું. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, જન ધન યોજના અને સૌભાગ્ય જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ સાથે શરૂ થઈ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના.

    - Advertisement -

    ઉજ્જવલા યોજના પહેલાં માત્ર અડધા ઘરોમાં હતાં LPG સિલિન્ડર

    ઉજ્જવલા યોજનાની શરૂઆત પહેલાં દેશનાં લગભગ અડધાં ઘરોમાં જ ગેસ સિલિન્ડરની સુવિધા હતી. આમાં મોટી સંખ્યામાં કનેક્શન શહેરોમાં હતાં. ગ્રામીણ વિસ્તારોમાં LPG સિલિન્ડરની સુવિધા નહિવત હતી. આંકડા દર્શાવે છે કે 2014માં દેશમાં માત્ર 55% ઘરોમાં જ ગેસ સિલિન્ડરની પહોંચ હતી જ્યારે 2016માં જ્યારે ઉજ્જવલા યોજના હજુ શરૂ કરવામાં આવી ત્યારે પણ દેશના માત્ર 61% ઘરોમાં જ ગેસ સિલિન્ડરની સુવિધા પહોંચી હતી.

    2016માં દેશમાં લગભગ 16 કરોડ પરિવારો પાસે LPG કનેક્શન હતા. આ સિવાય LPG કનેક્શન આપવા માટે દેશમાં ગેસ એજન્સીઓ ઓછી હતી. 2016માં, દેશમાં ફક્ત 13896 LPG વિતરકો હતા, જેના દ્વારા ગેસ સિલિન્ડર ફક્ત મર્યાદિત વિસ્તારોમાં જ પહોંચી શકતાં હતાં. આ કારણોસર, મહિલાઓને લાકડાં અને કોલસાના ચૂલા પર ખોરાક રાંધવાની ફરજ પડતી હતી.

    ધુમાડાથી મુક્તિ મેળવવાનો સંઘર્ષ ઉજ્જવલા

    ઉજ્જવલા યોજના 1 મે, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનું લક્ષ્ય હતું કે દેશમાં ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવાર પાસે LPG કનેક્શન હોવું જોઈએ. ઉજ્જવલા યોજના હેઠળ, અગાઉ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું કે દેશના 5 કરોડ BPL પરિવારોને LPG કનેક્શન આપવામાં આવશે.

    ઉજ્જવલા યોજના હેઠળ, સરકારે પરિવારોને ગેસ સ્ટવ, રેગ્યુલેટર અને અન્ય સામગ્રી સાથે LPG કનેક્શન આપવાનો નિર્ણય કર્યો હતો. આ યોજના ક્રાંતિકારી સાબિત થવાની હતી. આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશના બલિયાથી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા બાદ માત્ર એક વર્ષમાં 2.2 કરોડથી વધુ LPG કનેક્શન આપવામાં આવ્યાં હતાં. આનો અર્થ એ થયો કે દેશના 2 કરોડથી વધુ પરિવારો સુધી સ્વચ્છ ઈંધણ પહોંચ્યું અને સાથે જ તેમને ધુમાડાવાળા ચૂલાથી મુક્તિ મળી.

    કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનામાં એટલી ઝડપી ગતિએ કામ કર્યું કે, પ્રથમ વર્ષમાં લક્ષ્યાંક કરતાં વધુ કનેક્શન આપવામાં આવ્યાં. વાસ્તવમાં, સરકારે પ્રથમ વર્ષમાં 1.5 કરોડ કનેક્શન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ સ્પષ્ટ નીતિ અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થાને કારણે આ આંકડો ઘણો આગળ પહોંચી ગયો. ઉજ્જવલાનો લાભ લેનારા લોકોની સંખ્યા બે વર્ષમાં 3.6 કરોડ પર પહોંચી ગઈ છે. તેનો અર્થ એ કે, લગભગ બે વર્ષમાં બે તૃતીયાંશ લક્ષ્યાંક પૂરો થયો. આ પછી આ સંખ્યામાં સતત વધારો થતો રહ્યો.

    સમયથી પહેલાં ધ્યેય પૂર્ણ

    કેન્દ્ર સરકારે સૌપ્રથમ 5 કરોડ પરિવારોને LPG કનેક્શન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે, એપ્રિલ 2018માં, આ યોજનાને વધુ વિસ્તૃત કરવામાં આવી હતી અને તેનો લક્ષ્યાંક વધારીને 8 કરોડ ઘરોનો કરવામાં આવ્યો હતો. હવે આ યોજના હેઠળ અન્ય વર્ગની મહિલા લાભાર્થીઓને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ 2020 સુધીમાં 8 કરોડ ઘરોને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાનું લક્ષ્ય હતું. જોકે, કામ ઝડપી ગતિએ કરવામાં આવતા ઓગસ્ટ 2019માં જ આ લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું હતું.

    આ પછી, ઉજ્જવલા 2.0 ઓગસ્ટ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાનો આ બીજો તબક્કો હતો. આ અંતર્ગત સરકારે આવા 1 કરોડ વધુ ઘરોને સ્વચ્છ ઈંધણ આપવાનો નિર્ણય લીધો હતો જે યોજનાના પ્રથમ તબક્કામાં રહી ગયા હતા. તેવી જ રીતે, આ ટાર્ગેટ પણ ઓગસ્ટ 2019માં સમય કરતાં વહેલો પૂર્ણ કરવામાં આવ્યો હતો અને દેશમાં ઉજ્જવલા લાભાર્થીઓની સંખ્યા વધીને 9 કરોડ થઈ ગઈ હતી. આ યોજનાનું વિસ્તરણ કરીને સરકારે તેમાં 60 લાખ વધુ લાભાર્થીઓને ઉમેર્યા છે.

    સમય અનુસાર યોજનાનો વિસ્તાર કરતા આ યોજનાનો ત્રીજો તબક્કો પણ સપ્ટેમ્બર 2023માં લાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત 75 લાખ વધારાના ઉજ્જવલા લાભાર્થી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. હાલમાં આ તબક્કો ચાલી રહ્યો છે. આ અંતર્ગત કુલ લાભાર્થીઓની સંખ્યા વધારીને 10.35 કરોડ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

    ઉત્તર પ્રદેશના તેરાઈ ક્ષેત્રમાં આવતા લખીમપુર ખીરી જિલ્લાના રહેવાસી સુનિતાને પણ ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. તેઓ આ વિશે કહે છે, “પહેલાં રસોઈની વ્યવસ્થા કરવા લાકડાં લેવા જવું પડતું. વરસાદની ઋતુમાં સૂકાં લાકડાં ન મળવાને કારણે મોટી સમસ્યા ઊભી થતી હતી. આ પછી પણ ધુમાડાવાળા ચૂલામાં ફૂંક મારવી પડતી હતી. ઉનાળામાં સમસ્યા વધી જતી હતી. ધુમાડાને કારણે આંખોમાં બળતરા થવા લાગતી હતી. જ્યારથી મને ઉજ્જવલાનો લાભ મળ્યો છે ત્યારથી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. ના તો હવે બહાર લાકડાં લેવા જવું પડે છે કે ના તો હવે વરસાદની ચિંતા રહે છે.”

    10 કરોડથી વધુ ઘરોમાં પહોંચી ઉજ્જવલા યોજના

    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એક એવી યોજના તરીકે ઉભરી આવી છે જેનો દેશના મોટાભાગના પરિવારોએ લાભ લીધો છે. આ યોજનાના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં દેશમાં 10.32 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને ધુમાડાવાળા ચૂલામાંથી મુક્તિ મેળવી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં પરિવારોની સંખ્યા અંદાજે 25 કરોડ છે. ઉજ્જવલાના આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે દેશની લગભગ 50% વસ્તીને આ યોજનાનો લાભ મળ્યો છે.

    ઉજ્જવલા દ્વારા માત્ર મહિલાઓને રસોઈમાંથી સ્વતંત્રતા મળી એટલું જ નથી, પરંતુ તે સરકાર માટે યોગ્ય લાભાર્થીઓને સહાય પૂરી પાડવાનું કાર્ય સરળ બનાવી રહી છે. મોદી સરકાર ઉજ્જવલાના લાભાર્થીઓને વધુ રાહત દરે સતત LPG સિલિન્ડર આપી રહી છે. તાજેતરમાં, મોદી સરકારે નિર્ણય લીધો છે કે, તે ઉજ્જવલાના લાભાર્થીઓને દરેક સિલિન્ડર પર ₹300ની સબસિડી આપશે. મોદી સરકારે નિર્ણય કર્યો છે કે તે આ લાભ ઉજ્જવલાના લાભાર્થીઓને દર વર્ષે 12 સિલિન્ડર પર આપશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં