ગુજરાતના જાણીતા અખબાર ‘સંદેશ’ સામે પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા દ્વારા કરવામાં આવેલ બદનક્ષીના દાવા મામલે અમદાવાદની કોર્ટે ચુકાદો આપ્યો છે. ગઈકાલે અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે દૈનિક ‘સંદેશ’માં છપાયેલા કેટલાક લેખોના કારણે પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી વણઝારાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું અને જે બાદ કોર્ટે ‘સંદેશ’ને બદનક્ષીના વળતર પેટે આગામી એક મહિનામાં પૂર્વ આઈપીએસ અધિકારીને રૂ. 15 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
શું છે કેસ?
ફરિયાદ અનુસાર, નિવૃત્ત પોલીસ અધિકારી ડી. જી વણઝારા ડિસેમ્બર 1996 થી મે 1998 દરમિયાન જૂનાગઢમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન સપ્ટેમ્બર 1997 માં અખબાર ‘સંદેશ’ની રાજકોટ આવૃત્તિમાં છપાયેલા એક લેખમાં તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જે બાદ ડી. જી વણઝારાએ જૂનાગઢ ખાતે સંદેશના તંત્રી અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આઈપીસી અને પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ હેઠળ કેસ પણ દાખલ થયો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કેસ નોંધાયા બાદ આરોપીઓ દ્વારા ફરીયાદીની કારકિર્દી ખતમ કરી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમણે કેસ પરત ખેંચ્યો ન હતો કે સમાધાન કર્યું ન હતું.
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મામલો થાળે પાડવાના અનેક પ્રયાસો કરવા છતાં સમાધાન ન થતાં અખબારે અન્ય એક કેસમાં વણઝારા વિરુદ્ધ કથિત અપમાનજનક સામગ્રી પ્રકાશિત કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા.
જે બાદ ડી. જી વણઝારાના સબંધીઓના પારિવારિક મામલાને લઈને છપાયેલા એક લેખમાં તેમની વિરુદ્ધ લેખ છપાયા હતા અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વણઝારાએ તેમની સાળીના પતિને પાઠ ભણાવવા માટે મુંડન કરીને માર માર્યો હતો. પરંતુ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આક્ષેપો બાદ થયેલી પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે ઉક્ત ઘટનામાં પૂર્વ આઈપીએસની કોઈ સંડોવણી ન હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ લેખ છપાયા બાદ આરોપીઓએ ફરીયાદીને તેમની સામેનો કેસ પરત ખેંચી લેવા માટે કહ્યું હતું અને તેમ ન કરવા પર આ જ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. તેમજ તે બાદ પણ કેટલાક લેખો છપાયા હતા, જેમાં ડી. જી વણઝારા અંગે અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી.
પૂર્વ આઈપીએસ ડી. જી વણઝારાએ ફરિયાદમાં કહ્યું છે કે, પ્રેસની સ્વતંત્રતા વ્યક્તિગત સ્વાતંત્ર્યથી ઉપર હોય શકે નહીં. તેમણે ફરિયાદમાં કહ્યું કે, આ અપમાનજનક શબ્દોનો ઉપયોગ જાણીજોઈને તેમને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો અને જેનાથી તેમની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન પહોંચ્યું હતું, જેની ભરપાઈ પૈસાથી થઇ શકે નહીં.
બીજી તરફ, બચાવમાં આરોપીઓએ ફરિયાદીએ કરેલા આરોપો નકારી દીધા હતા અને લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રકાશિત થયેલા સમાચાર લેખો તેમના પત્રકારો કે રિપોર્ટરો દ્વારા ભેગી કરવામાં આવેલ માહિતી આધારિત હતા અને જેને જે-તે જિલ્લાના નિવાસી તંત્રી દ્વારા સંપાદિત કરવામાં આવ્યા હતા. તેમણે જૂનાગઢમાં નોંધાયેલા કેસ અંગે સ્વીકાર કર્યો હતો પરંતુ બીજી તરફ જણાવ્યું હતું કે તે કેસને વર્તમાન કેસ સાથે કોઈ સબંધ નથી.
વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીએ લીગલ નોટીસ પાઠવીને પૂરતો સમય આપ્યો હતો અને પ્રયત્નો કર્યા હતા, તેમ છતાં કોઈ સંતોષકારક કે ઠોસ કદમ ઉઠાવવામાં આવ્યા ન હતા અને પ્રકાશિત થયેલા લેખોના કારણે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. જે બાદ કોર્ટે ચુકાદો આપી વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ચૂકાદો આવ્યા બાદ ડીજી વણઝારાનું નિવેદન