વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણી 2024ને લઈને દેશભરમાં ભ્રમણ કરીને સભાઓ કરી રહ્યા છે. રવિવારે (12 મે) તેઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, જ્યાં સભાઓ સંબોધી. હૂગલીમાં તેમણે એક સભા સંબોધતાં કોંગ્રેસ અને TMC પર પ્રહાર કર્યા. અહીં તેમણે કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને તેના શહેજાદાની ઉંમર કરતાં પણ ઓછી બેઠકો મળશે.
#WATCH | West Bengal | While addressing a public meeting in Hooghly, PM Narendra Modi says, "…Keep it in writing, Congress will get fewer seats than the age of Congress' 'Shehzada'." pic.twitter.com/EgHJo9iR1I
— ANI (@ANI) May 12, 2024
વડાપ્રધાને સભા સંબોધતાં કહ્યું, “ભાજપ અને NDAને તો તમે 400 પાર કરાવીને જ રહેશો. પણ લખીને રાખો, આ કોંગ્રેસના શહેજાદા છે, તેમની જેટલી ઉંમર છે, કોંગ્રેસને તેનાથી પણ ઓછી બેઠકો મળવા જઈ રહી છે.” તેમણે જોકે કોઈનું નામ લીધું ન હતું પરંતુ સ્પષ્ટ સંકેત રાહુલ ગાંધી તરફ છે. રાહુલ ગાંધી માટે મોદી કાયમ આ સંબોધન વાપરતા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં કોંગ્રેસને ઇતિહાસની સૌથી ઓછી બેઠકો મળી હતી. કોંગ્રેસ ત્યારે માત્ર 44 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે 2019માં આ બેઠકો વધીને 52 પર પહોંચી. રાહુલ ગાંધીની હાલ ઉંમર 53 વર્ષ જેટલી છે. એટલે આડકતરી રીતે પીએમ મોદીનું કહેવું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ 2019 કરતાં પણ ઓછી બેઠકો મેળવશે.
આ પહેલાં શનિવારે (11 મે) પીએમ મોદી પ્રચાર માટે ઝારખંડના રાંચી પહોંચ્યા હતા, જ્યાં પણ તેમણે આ વાત કહી હતી અને કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ શહેજાદાની ઉંમર કરતાં પણ ઓછી બેઠકો મેળવવા જઈ રહી છે.
TMC સંદેશખાલીમાં તમામ પ્રયાસ કરી રહી છે, પણ હું ગેરેન્ટી આપું છું કે કોઇ અત્યાચારી નહીં બચે
અહીં પીએમ મોદીએ બંગાળની સત્તાધારી પાર્ટી TMC પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વિકાસ માટે ભાજપના પ્રયાસો વચ્ચે TMC પોતાનાં કામોમાં વ્યસ્ત છે. અહીં માફિયાઓનું રાજ ચાલે છે. મોદી કહે છે કે હર ઘર જલ. TMC કહે છે, હર ઘર બૉમ્બ. થોડા દિવસ પહેલાં જ એક બૉમ્બ ફૂટ્યો અને બાળકોનું જીવન ગયું. માતાઓ, બહેનો અને દીકરીઓનું તો અહીં જીવન મુશ્કેલ થઈ ગયું છે. સંદેશખાલીમાં તેઓ શું કરી રહ્યા છે, તે આખો દેશ જોઈ રહ્યો છે. TMC સંદેશખાલીમાં દરેક પ્રયાસ કરી રહી છે, પણ હું તમને સૌને ગેરેન્ટી આપું છું કે TMCનો કોઈ પણ અત્યાચારી બચી નહીં શકે.