Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆંકડાઓમાં ગોલમાલ, ખોટી રીતે સરખામણી….: રાહુલ ગાંધીને PM મોદી કરતાં વધુ લોકપ્રિય...

  આંકડાઓમાં ગોલમાલ, ખોટી રીતે સરખામણી….: રાહુલ ગાંધીને PM મોદી કરતાં વધુ લોકપ્રિય સાબિત કરવા કોંગ્રેસનું નવું ગતકડું

  સંસદમાં આપેલા ભાષણ દરમિયાન રાહુલ ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં કે ન ભાજપે તેમને ગંભીરતાથી લીધા. કોંગ્રેસ ફરી એક વખત રાહુલ v/s મોદી કરવા ગઈ, પણ સફળ ન થઇ. એટલે રહી-રહીને પાર્ટીએ નવું ગતકડું શોધી કાઢ્યું!

  - Advertisement -

  હમણાં સંસદનું સત્ર પૂર્ણ થવા પહેલાં ત્રણ દિવસ માટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ. આ પ્રસ્તાવનો અર્થ એવો થાય કે મંત્રી પરિષદ ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે જેથી સરકાર બહુમત સાબિત કરે. પ્રસ્તાવ રજૂ થયા બાદ સ્પીકર સ્વીકારે તો તેની ઉપર તમામ પાર્ટીઓના સંસદ સભ્યો ચર્ચા કરે અને અંતે મતદાન થાય છે. હાલ સરકાર અલ્પમતમાં હોય તેવું તો હતું નહીં કારણ કે એકલી ભારતીય જનતા પાર્ટી પાસે જ લોકસભામાં 301 સાંસદો છે. વિપક્ષી પાર્ટીઓને પણ એ સ્વભાવિક રીતે ખબર જ હતી, પણ તેમણે આ પ્રસ્તાવ મણિપુર હિંસા મુદ્દે સરકારને ઘેરવા માટે રજૂ કર્યો હતો. 

  વિપક્ષને હતું કે સરકાર બેકફૂટ પર આવી જશે અને તમામ પાર્ટીઓ મળીને મણિપુર મુદ્દે ઘેરી લેશે. પણ થયું અવળું. મોદી-શાહની જોડીએ તક ઝડપી લઈને પરિસ્થિતિ પોતાની તરફ કરી લીધી અને વિપક્ષની પીચ પરથી ચોગ્ગા-છગ્ગા માર્યા. ગૃહમંત્રી શાહે સંસદમાં વિસ્તૃતપણે મણિપુર પર જવાબ આપ્યો અને સરકારે કરેલાં કામો રજૂ કર્યાં. પીએમ મોદીએ પણ 2 કલાકના ભાષણમાં અનેક બાબતો આવરી લીધી. વિપક્ષો પર પ્રહારો કર્યા અને કોંગ્રેસની સરકારોનાં અવળાં કામો ગણાવીને પોતાની સરકારની સારી બાજુ મૂકી. સામે પક્ષે વિપક્ષી પાર્ટીઓ સરકાર પર કોઈ પણ રીતે દબાણ લાવી શકી નહીં.

  ખાસ કરીને પ્રસ્તાવ પર ચર્ચા પહેલાં કોંગ્રેસે રાહુલ ગાંધીને લઈને બહુ ઘોંઘાટ કર્યો હતો અને તેમના સંબોધન પહેલાં માહોલ બનાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા. પણ રાહુલ ગાંધી આમ પણ ભાષણ આપતી વખતે પાર્ટી અને સમર્થકોની આશાઓ પર પાણી ફેરવી મૂકવા માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે એમ જ કર્યું. સંસદમાં આપેલા ભાષણ દરમિયાન તેઓ ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં કે ન ભાજપે તેમને ગંભીરતાથી લીધા. કોંગ્રેસ ફરી એક વખત રાહુલ v/s મોદી કરવા ગઈ, પણ સફળ ન થઇ. એટલે રહી-રહીને પાર્ટીએ નવું ગતકડું શોધી કાઢ્યું!

  - Advertisement -

  કોંગ્રેસ પાર્ટીએ રવિવારે (13 ઓગસ્ટ, 2023) એક ટ્વિટ કરીને રાહુલ ગાંધીને મોદી કરતાં વધુ લોકપ્રિય ગણાવવાના પ્રયત્નો કર્યા. કોંગ્રેસના અધિકારીક X (ટ્વિટર) હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું, જેમાં એક પોસ્ટર છે અને સાથે લખવામાં આવ્યું છે- ‘તેઓ બંને સંસદમાં બોલ્યા. પરંતુ દેશે કોને સાંભળ્યા એ આ પ્રમાણે છે.’ પોસ્ટરમાં મોદી અને રાહુલ ગાંધીના ફોટા છે અને સાથે બંને નેતાઓનાં જુદાં-જુદાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર કોના ભાષણને કેટલા વ્યૂ મળ્યા તેની સરખામણી કરવામાં આવી છે. 

  કોંગ્રેસ દ્વારા શૅર કરવામાં આવેલા પોસ્ટરમાં ચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના આંકડા આપવામાં આવ્યા. સંસદ ટીવી, યુ-ટ્યુબ, X (ટ્વિટર) અને ફેસબુક. પાર્ટીનો દાવો એવો છે કે આ ચારેય માધ્યમો પર રાહુલ ગાંધીના સંસદના ભાષણને વધારે લોકોએ જોયું, જ્યારે તેની સરખામણીએ PM મોદીના ભાષણને ઓછા વ્યૂઝ મળ્યા. કોંગ્રેસનું માનીએ તો, સંસદ ટીવી પર રાહુલ ગાંધીના ભાષણને 3.5 લાખ લોકો જ્યારે PM મોદીના ભાષણને 2.3 લાખ લોકોએ નિહાળ્યું, યુ-ટ્યુબ પર રાહુલના ભાષણને 26 લાખ જ્યારે વડાપ્રધાનના ભાષણને 6.5 લાખ વ્યૂઝ, ટ્વિટર પર રાહુલના ભાષણને 23,000, જ્યારે મોદીના ભાષણને 22,000 વ્યૂઝ અને ફેસબુક પર રાહુલ ગાંધીના ભાષણને 73 લાખ, જ્યારે PM મોદીના ભાષણને 11 હજાર વ્યૂઝ મળ્યા. 

  પ્રથમ દ્રષ્ટિએ જ શંકા જાય તેવા આ આંકડાઓ સદંતર ખોટા છે. કોંગ્રેસે સંસદ ટીવી અને યુ-ટ્યુબનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો છે, પણ સંસદ ટીવી લાઈવ પ્રસારણ કરવા માટે યુ-ટ્યુબનો જ ઉપયોગ કરે છે. તેમની વેબસાઈટ ઉપર જે વિડીયો અપલોડ કરવામાં આવે છે તે સીધા યુ-ટ્યુબ વિડીયો જ એમ્બેડ થાય છે. અહીં સંસદ ટીવીની યુ-ટ્યુબ ચેનલ જોઈએ તો રાહુલ ગાંધીના ભાષણને 3.55 લાખ વ્યૂ મળ્યા, જ્યારે પીએમ મોદીનું સંબોધન 2.66 લાખ વખત જોવાયું. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે રાહુલ ગાંધીએ 9 ઓગસ્ટની સવારે ભાષણ આપ્યું હતું, જ્યારે PM મોદીએ 10 ઓગસ્ટની સાંજે સંબોધન કર્યું. સ્વભાવિક રીતે રાહુલ ગાંધીનો વિડીયો પહેલાં અપલોડ કરવામાં આવ્યો હોય તો તેના વ્યૂઝ વધારે જ હોવાના. 

  આ બંને નેતાઓની પોતાની યુ-ટ્યુબ ચેનલો પણ છે. આ ચેનલો પર પોતપોતાનાં ભાષણોના વિડીયો ઉપલબ્ધ છે. રાહુલ ગાંધીની યુ-ટ્યુબ ચેનલ પર તેમના ભાષણના લાઈવ-સ્ટ્રીમના વિડીયો પર 6.7 લાખ વ્યૂ છે. જ્યારે PM મોદીની ચેનલ પર તેમના ભાષણના જીવંત પ્રસારણના વિડીયો પર 18 લાખ વ્યૂઝ છે. દેખીતી રીતે વડાપ્રધાનનું ભાષણ વધારે વખત જોવાયું છે. કોંગ્રેસનો દાવો અહીં ખોટો ઠરે છે કે ન ક્યાંય આંકડાઓ મેળ ખાય છે. 

  અહીં નોંધવા જેવું એ પણ છે કે રાહુલ ગાંધીની ચેનલ પર ભાષણનું જીવંત પ્રસારણ તો થયું જ હતું પણ તેમણે તેનો વિડીયો પણ અપલોડ કર્યો હતો. આ વિડીયોને 21 લાખ વ્યૂઝ મળ્યા છે. પરંતુ તેનું કારણ એ હોય શકે કે કોંગ્રેસે આઇટી સેલની મદદથી તેને પાર્ટી કાર્યકર્તાઓમાં ભરપૂર ફેરવ્યો હોય અને પ્રચાર કર્યો હોય. જ્યારે વડાપ્રધાનની ચેનલ પર કોઈ અલગથી વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો નથી. જેથી પછીથી અપલોડ થયેલા અલાયદા વિડીયોની સરખામણી લાઈવ સ્ટ્રીમિંગ સાથે ન કરી શકાય. અને બંને ચેનલોનાં લાઈવ સ્ટ્રીમ જોઈએ તો પીએમ મોદીનું ભાષણ વધારે વખત જોવાયું છે. 

  આગળ કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટરને લઈને દાવો કર્યો. અહીં રાહુલ ગાંધીનું ભાષણ 23,000 વખત અને મોદીનું ભાષણ 22,000 વખત જોવાયું હોવાનું કહ્યું. પરંતુ ટ્વિટર વેબસાઈટ પર આ આંકડાઓ ક્યાંય મેળ ખાતા નથી. ત્યાં PM મોદીના વીડિયોને 25 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે રાહુલ ગાંધીના વીડિયોને માત્ર 14 લાખ. અહીં પણ વડાપ્રધાન મોદી રાહુલ ગાંધી કરતાં આગળ છે. 

  ફેસબુકને લઈને કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીનું ભાષણ 73 લાખ વખત જોવાયું, જ્યારે પીએમ મોદીની સ્પીચને માત્ર 11 હજાર વ્યૂઝ મળ્યા. આ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો છે, કારણ કે સાબિતી ક્યાંયથી મળી શકે તેમ નથી. ફેસબુક પર PM મોદીના ભાષણના જીવંત પ્રસારણને 64 લાખ વખત જ્યારે રાહુલ ગાંધીના ભાષણને 80 લાખ વખત જોવામાં આવ્યું છે. કોંગ્રેસે 73 લાખ લખ્યું છે કારણ કે તેમણે આંકડાઓ નોંધ્યા હશે ત્યારે તે એટલા હશે. પણ PM મોદી માટે જે 11 હજારનો આંકડો લખવામાં આવ્યો છે એ સદંતર ખોટો છે. 

  કોંગ્રેસ પાર્ટીએ આ બધું કર્યું માત્ર એટલું સાબિત કરવા માટે કે રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધુ લોકપ્રિય છે. પરંતુ માત્ર ભાષણના વિડીયો કેટલી વખત જોવાયા તેના આંકડા પરથી આવા નિષ્કર્ષ પર પહોંચી જવું બાલિશતા છે. બીજું, રાહુલ ગાંધીના કિસ્સામાં એવું છે કે તેમનાં ભાષણો ઘણી વખત લોકોને મનોરંજન પૂરું પાડતાં હોય છે. એટલે ભાજપ કે મોદી સમર્થકો પણ તેમનાં ભાષણો જોતા હોય છે. વધુમાં આગલા દિવસે જ તેમને સંસદ સભ્ય પરત મળ્યું હતું, એટલે તેઓ શું બોલશે એ જિજ્ઞાસા પણ રાજકારણના રસિયાઓમાં હતી. પ્લસ, આ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા હતી, જેથી લોકોને સંસદની સામાન્ય પ્રક્રિયા કરતાં તેમાં વધુ રસ પડે, જેથી એ કારણોસર પણ તેઓ જોતા હોય છે.

  સોશિયલ મીડિયા પરની રીચની જ વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીની રીચ અનેક રીતે વધારે છે અને એ પણ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર. એક ક્ષણ માટે માની પણ લઈએ કે રાહુલ ગાંધીના ભાષણના વિડીયો વધારે વખત જોવાયા, છતાં પણ ધરાતલની વાસ્તવિકતા તો એ જ છે કે મોદી બે વખત ચૂંટાઈને વડાપ્રધાન બન્યા છે અને ભાજપે બંને ચૂંટણીઓ તેમના જ ચહેરા પર લડી હતી અને જીતી હતી. સોશિયલ મીડિયા પર તો ઠીક, પણ દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને મળવા પહોંચી જતા હોય છે. એ તેમની લોકપ્રિયતા દર્શાવે છે. 

  લગભગ ડઝન વખત લૉન્ચ કર્યા પછી પણ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી v/s નરેન્દ્ર મોદીનો નરેટિવ ઘડવામાં સફળ થઇ નથી, એ જ કારણ છે કે હવે ખોટા આંકડાઓના જોરે આવાં બધાં ગતકડાં કરતી રહે છે. 

  (પૂરક માહિતી સાભાર- ઑપઇન્ડિયા ઇંગ્લિશ)

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં