ગઈકાલે (21 જુલાઈ 2022) રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું તેની સાથે ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસમાં બળવો થશે તેવી ચર્ચાઓએ જોર પડ્યું છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાંથી એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 10 મતો વધુ મળ્યા હતા. જેથી 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જેમાંથી સાત ધારાસભ્યો કોંગ્રેસના હતા. જેમાં લલિત વસોયા, કિરીટ પટેલ, હર્ષદ રીબડીયા વગેરે નામોની ચર્ચા ચાલે છે.
આમ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન યોજાતું હોવાના કારણે કયા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તે તેઓ જ્યાં સુધી પુષ્ટિ ન કરે ત્યાં સુધી કહી શકાય નહીં, પરંતુ મીડિયામાં સૂત્રો મારફતે કેટલાંક નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં એક નામ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનું પણ છે.
કોંગ્રેસના લલિત વસોયાને આ મામલે પૂછવામાં આવતા તેઓ નારાજ જણાયા હતા અને હાર્દિક પટેલનું નામ આવતાં ભડકી ઉઠીને હાર્દિક પટેલ અંગે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તેમને હાર્દિક સાથે કોઈ લેવાદેવા નથી.
હાર્દિક પટેલ જાય તેલ લેવા… જાણો કયા ધારાસભ્યએ આવુ કહીને ચોંકાવ્યા, જુઓ વીડિયો#hardikpatel #BJP #Congress #ZEE24Kalak #Gujarat #Politics pic.twitter.com/FL8Pz6VFDA
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2022
ઝી 24 કલાકના એક રિપોર્ટ અનુસાર, લલિત વસોયાને ક્રોસ વોટિંગ અંગે પ્રશ્ન કરીને એન્કરે પૂછ્યું હતું કે, જેમણે ક્રોસ વોટિંગ કર્યું હતું તેવા ધારાસભ્યોમાં તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જેના જવાબમાં લલિત વસોયાએ કહ્યું હતું કે, “રાજ્યસભા ચૂંટણી હોય કે આવા અન્ય મુદ્દાઓ, કોઈ પણ કારણ વગર અમારાં નામો ઢસડીને અમારા વિસ્તારમાં અમને શંકાના દાયરામાં મૂકવાનું કામ કરવામાં આવે છે.” હાર્દિક પટેલ અંગે પ્રશ્ન કરવામાં આવતાં તેમણે કહ્યું કે, હાર્દિક પટેલ ગયો તેલ લેવા. અમારે હાર્દિક સાથે કોઈ લેવાદેવા જ નથી. જો હાર્દિક સાથે જોડાયેલા હોત તો તે દિવસે જ જતા રહ્યા હોત. આનાથી કારણ વગર અમારા વિસ્તારના લોકો અમને શંકાની નજરે જુએ છે.
કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા અંગે અગાઉ પણ ઘણી વખત ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઇ ચૂકી છે. ગત જૂન મહિનામાં પણ લલિત વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની વાતો વહેતી થઇ હતી. આ ઉપરાંત, મીડિયામાં તેઓ કોંગ્રેસના તમામ વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના સમાચારો પણ ફરતા થયા હતા. જોકે, પછીથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને પાર્ટી સાથે કોઈ નારાજગી નથી.
ખાસ કરીને હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયો ખેસ પહેરી લેતાં એક સમયે તેમના સાથીદાર રહેલા લલિત વસોયા પણ હાર્દિકના રસ્તે જ ભાજપમાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું હતું. તે અંગે પૂછવામાં આવતા કોંગ્રેસ નેતા વસોયાએ કહ્યું હતું કે, “કોંગ્રેસનો કોઈ પણ પાટાદાર હાર્દિક પટેલ સાથે જવાનું વિચારી પણ ન શકે. તે ભાજપમાં જોડાયો તે બાદ સૌથી પહેલી ટીકા અમે કરી હતી. હાર્દિક પટેલ અમારો ગોડફાધર નથી.”