Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાત્ર 17 ધારાસભ્યો તો પણ કોંગ્રેસ હજુ નક્કી નથી કરી શકી વિપક્ષના...

    માત્ર 17 ધારાસભ્યો તો પણ કોંગ્રેસ હજુ નક્કી નથી કરી શકી વિપક્ષના નેતાનું નામ: ગેનીબેન ઠાકોર બાદ હવે ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

    ઈમરાન ખેડાવાલાએ ઉમેર્યું કે આગામી 2થી 3 દિવસમાં વિપક્ષ નેતાની નિમણૂક કરવામાં આવશે. વધુમાં ટકોર કરતા એમ પણ જણાવ્યું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી જોઈએ અને આ માટે કોંગ્રેસના દરેક નેતાઓએ મહેનત કરવાની જરૂર છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાને હવે દોઢ મહિનાથી ઉપરનો સમય થવા આવ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નહોતું, તે માત્ર 17 બેઠકો પર પોતાના ઉમેદવાર જીતાડી શકી હતી. ચૂંટણીઓ પતી ગયા બાદ પણ તેની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઇ રહી. છેલ્લા દોઢ મહિનામાં તે આ 17માંથી એકનું નામ વિરોધ પક્ષના નેતા તરીકે નક્કી નથી કરી શકી. ભાજપ બાદ હવે તેમના જ પક્ષના નેતાઓ આ બાબતે કોંગ્રેસને ઘેરતા જોવા મળ્યા છે.

    તાજેતરના દાખલામાં જમાલપુરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને 17માંથી એક એવા ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે પક્ષે હવે વિરોધ પક્ષના નેતા કોણ હશે એ નામ તાત્કાલિક જાહેર કરવું જોઈએ. વધુમાં ખેડાવાલાએ જણાવ્યું કે વિધાનસભામાં માત્ર 17 જ સભ્યો હોવા છતાં પસંદગીમાં વિલંબ થાય છે. જેથી હાઇકમાન્ડે તાત્કાલિક વિપક્ષ નેતા જાહેર કરવા જોઈએ. તેમણે કોંગ્રેસની સત્ય શોધક કમિટી (Fact Finding Committee) સમક્ષ વિરોધ પક્ષના નેતા ઝડપથી બનાવવા રજૂઆત કરી છે.

    કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીને પણ મળ્યા હતા, જ્યા વન ટુ વન બેઠકમાં તેઓએ પોતાના તારણો રજૂ કર્યા હતા. ઈમરાન ખેડાવાલાએ ઉમેર્યું કે આગામી 2થી 3 દિવસમાં વિપક્ષ નેતાની નિમણૂક કરવામાં આવશે. વધુમાં ટકોર કરતા એમ પણ જણાવ્યું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી જોઈએ અને આ માટે કોંગ્રેસના દરેક નેતાઓએ મહેનત કરવાની જરૂર છે.

    - Advertisement -

    ગેનીબેન ઠાકોરે પણ કોંગ્રેસને ટકોર કરી હતી

    ઇમરાન ખેડાવાલા પહેલા એવા નેતા નથી કે જેમણે કોંગ્રેસને આડે હાથે લીધી હોય. આ પહેલા વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આ જ બાબત માટે કોંગ્રેસની નિંદા કરી હતી અને સાથે જ ભાજપના વખાણ કર્યા હતા.

    ગેનીબેને ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કરતા કહ્યું હતું કે, “તમે ભાજપની સ્ટ્રેટેજી જોવો. એ આખી સરકાર બદલી નાંખે તો પણ કોઈ કાંઈ ના બોલે, મુખ્યમંત્રી બદલી નાંખે તોય કોઈ કંઈ ના બોલી શકે.” તેમણે આગળ ઉમેર્યું, “ટિકિટ જેની જેટલી કાપવી હોય તેટલી કાપી નાંખે. આપણે તો હવે હજુ કાંઈ વધ્યું જ નથી, તો હવે શેના ભાગ પાડવાના રહી ગયા એ જ ખબર પડતી નથી.”

    કોંગ્રેસના AMC કોર્પોરેટરો મળ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને

    હજુ વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનો મુદ્દો કોંગ્રેસ ઉકેલી નથી શકી ત્યાં જ એક બીજો મુદ્દો ઉભો થયો છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટરોનું એક જૂથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળ્યું હતું.

    નોંધનીય છે કે ગત વર્ષે કોંગ્રેસે AMCમાં શેહઝાદ ખાન પઠાણની વિપક્ષ નેતા તરીકે એક વર્ષ માટે નિમણૂંક કરી હતી. હવે તેમની ટર્મ પૂરી થઇ રહી હોવાનું કહીને પાર્ટીના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા બદલવાની માંગ કરી છે. 

    આ જ માંગને લઈને અમુક કોર્પોરેટરો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળ્યા પણ હતા. પાર્ટીએ ઉત્તરાયણ પછી આ પ્રશ્ન ઉકેલવા માટે કહ્યું હતું.

    હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ પોતાના જ નેતાઓ દ્વારા ઉભા કરવામાં આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવે છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે વિધાનસભા સચિવાલયે પણ અલ્ટીમેટમ આપીને પાર્ટીને 19મી સુધી વિપક્ષના નેતાનું પદ આપવા માટે કહ્યું છે. વિધાનસભા તરફથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખીને વિપક્ષ નેતાનું નામ આપવા માટે જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં