Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મતદાન ઓછું થાય તે માટે ઇરાદાપૂર્વક મતદાનનો સમય ખોટો દર્શાવ્યો’: કોંગ્રેસ ઉમેદવાર...

    ‘મતદાન ઓછું થાય તે માટે ઇરાદાપૂર્વક મતદાનનો સમય ખોટો દર્શાવ્યો’: કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, તપાસ શરૂ

    ગ્યાસુદ્દીન શેખે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિસ્તારમાં પત્રિકા વહેંચી હતી. જેમાં મતદાનનો સમય સવારે 8 થી સાંજે 6 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે વહેંચેલી પત્રિકામાં મતદાનનો સમય ખોટો દર્શાવવા બદલ તેમની સામે આઇપીસી અને પિપલ્સ રિ-પ્રેઝેન્ટેટિવ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ગ્યાસુદ્દીન શેખે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિસ્તારમાં પત્રિકા વહેંચી હતી. જેમાં મતદાનનો સમય સવારે 8 થી સાંજે 6 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો હતો. ઉપરાંત, પત્રિકામાં મુરાદરકનું નામ, સરનામું તેમજ સંખ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 

    આ મામલે અમદાવાદના માધવપુરા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી હતી, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જે અનુસાર, ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી દરિયાપુર વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ઇરાદાપૂર્વક મતદાન ઓછું થાય તેવા ઈરાદા સાથે પત્રિકામાં મતદાનનો સમય ખોટો દર્શાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉપરાંત, પત્રિકામાં મુદ્રકનું નામ સરનામું તથા પત્રિકાની સંખ્યા ન દર્શાવવાનો પણ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    ચૂંટણી અધિકારી સમક્ષ આ મામલાની ફરિયાદ કરવામાં આવ્યા બાદ તેમણે ગ્યાસુદ્દીન શેખને નોટીસ પાઠવી મામલાનો ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવારે જવાબમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચના નિયમની જાણકારી વિના તેમના કાર્યકર્તાઓએ આ પત્રિકા છપાવી દીધી હતી અને મતદાનનો સમય ખોટો છાપવાને લઈને કહ્યું હતું કે, તે સરતચૂકથી થઇ ગયું હતું. 

    ઉપરોક્ત મામલો અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ હોઈ ચૂંટણી અધિકારીએ પોલીસ મથકે ગ્યાસુદ્દીન શેખ તેમજ પત્રિકાના મુદ્રક, પ્રકાશક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 127A(4) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના જ વધુ એક ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે પણ આજે ભાજપે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બે દિવસ પહેલાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપીને કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાં અલ્લાહ બેઠા છે. 

    રાજકોટમાં એક જનસભા સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “હું સોમનાથ જાઉં ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાઉં ત્યારે પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં મહાદેવ બેઠા છે અને સોમનાથમાં અલ્લાહ બેઠા છે.” આ વિડીયો વાયરલ થયા બાદ તેમનો ભારે વિરોધ થયો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં