Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી મારામારીનો અખાડો બન્યું દિલ્હી MCD, નેતાઓ વચ્ચે લાત-મુક્કા ચાલ્યા: ભાજપનો આરોપ-...

    ફરી મારામારીનો અખાડો બન્યું દિલ્હી MCD, નેતાઓ વચ્ચે લાત-મુક્કા ચાલ્યા: ભાજપનો આરોપ- AAPનાં આતિશી માર્લેનાના નિર્દેશ પર શરૂ થઇ હિંસા

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એકબીજા સાથે મારપીટ કરતા, લાત-મુક્કા મારતા અને ધક્કામુક્કી કરતા જોઈ શકાય છે.

    - Advertisement -

    દિલ્હી MCD ગૃહ ફરી એક વખત મારામારીનો અખાડો બન્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને મતદાન કરવામાં આવ્યું હતું પરંતુ તેના પરિણામને લઈને ફરી એક વખત ધમાલ શરૂ થઇ ગઈ હતી. 

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એકબીજા સાથે મારપીટ કરતા, લાત-મુક્કા મારતા અને ધક્કામુક્કી કરતા જોઈ શકાય છે. જેમાં મહિલા કોર્પોરેટરો પણ સામેલ છે. વિડીયો જોઈને MCD ગૃહ યુદ્ધનું મેદાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે. 

    ભાજપનો આરોપ છે કે આ હિંસા આમ આદમી પાર્ટી નેતા આતિશી મારલેનાના આદેશ પર આચરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં આતિશી એક-બે મહિલા સાથે વાત કરતાં જોવા મળે છે અને ત્યારબાદ તરત આ મહિલાઓ મારામારી કરવા માંડે છે.

    - Advertisement -

    દિલ્હીનાં પૂર્વ મેયર આરતી મેહરાએ આ ધમાલને લઈને કહ્યું કે, “મેયરને પરિણામો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી, તેઓ માત્ર જાહેરાત કરી શકે છે. અમે કોર્ટમાં જઈશું અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરીશું.” તેમણે ઉમેર્યું, “હું વિડીયો પણ બતાવી શકું છું જ્યાં આતિશી હોબાળો મચાવવા માટે સૂચના આપી રહ્યાં છે. કડક પગલાં લેવાશે. અમે આ ગુંડાઓ સામે લડીશું.”

    ભાજપે ચૂંટણીનાં પરિણામો સાથે છેડછાડ કરવાનો અને ખોટી જાહેરાતો કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા વિજેન્દર ગુપ્તાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ દર્શાવી દીધું છે કે તેઓ ગુંડાઓની પાર્ટી છે. અમારા કેટલાક કોર્પોરેટરોને ઇજા પહોંચી છે અને આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી છે. 

    તેમણે આગળ જણાવ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં છ સભ્યોની ચૂંટણી થનાર હતી. 3 સભ્યો આમ આદમી પાર્ટીમાંથી અને 3 સભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. એક આમ આદમી પાર્ટીના સભ્યની હાર થઇ હતી. આ બધું તેને જીતાડવા માટે કરવામાં આવી રહ્યું છે. અમે CBI તપાસની માંગ કરીએ છીએ. આવા લોકોની ધરપકડ થવી જોઈએ અને પગલાં લેવામાં આવવાં જોઈએ.

    આ ધમાલમાં ભાજપ કોર્પોરેટર મીનાક્ષી શર્માને હાથમાં ઇજા પહોંચી હતી. તેમણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર આરોપ લગાવતાં કહ્યું કે, AAPમાંથી કોઈએ અણીદાર વસ્તુ મારી તરફ ફેંકી હતી. તેમણે મારું ગળું પણ પકડી લીધું હતું. પુરુષ કોર્પોરેટરોએ આ કર્યું હતું. મેયર શૈલી ઓબેરોયને લઈને તેમણે કહ્યું કે, એ ખબર નથી પડતી કે તેઓ દિલ્હીનાં મેયર છે કે આમ આદમી પાર્ટીનાં. તેઓ કેજરીવાલ અને અન્યોના આદેશ પર કામ કરી રહ્યાં છે. 

    ધમાલ બાદ મેયર શૈલી ઓબેરોયે જાહેરાત કરી કે અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે અને ત્યાં સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત રહેશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ દિલ્હી MCD ગૃહમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ધમાલ થઇ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં