Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસેંકડોની સંખ્યામાં ચર્ચ, મંદિરોમાં ધજાની જગ્યાએ ક્રોસ લગાવી દેવાયાં: તાપીમાં હજારો હિંદુઓને...

    સેંકડોની સંખ્યામાં ચર્ચ, મંદિરોમાં ધજાની જગ્યાએ ક્રોસ લગાવી દેવાયાં: તાપીમાં હજારો હિંદુઓને વટલાવાયા, પણ સરકારી ચોપડે એકેય ધર્માંતરણ નહીં- રિપોર્ટ

    તાપીમાં નેવુંના દાયકાથી ધર્માંતરણ પ્રવૃત્તિ શરૂ થઇ ગઈ હતી અને આજ સુધી અનેક હિંદુ આદિવાસીઓ તેનો ભોગ બની ચૂક્યા છે.

    - Advertisement -

    દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી સળગતો રહ્યો છે. અનેક કિસ્સાઓમાં ગરીબ હિંદુ આદિવાસીઓને લોભ-લાલચ આપીને ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે હવે તાપીમાં બે દાયકાથી ધર્માંતરણ ચાલતું હોવા છતાં અને હજારો લોકો ખ્રિસ્તી બની ગયા હોવા છતાં સરકારી ચોપડે એક પણ વ્યક્તિએ ધર્મ બદલ્યો ન હોવાનું અને સેંકડોની સંખ્યામાં ચર્ચ બની ગયાં હોવાનું સામે આવ્યું છે. 

    દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, તાપીમાં નેવુંના દાયકાથી ધર્માંતરણ પ્રવૃત્તિ શરૂ થઇ ગઈ હતી અને આજ સુધી અનેક હિંદુ આદિવાસીઓ તેનો ભોગ બની ચૂક્યા છે. ઉપરાંત, સુરતના માંડવીથી લઈને તાપીના સોનગઢ અને વ્યારા વિસ્તારોમાં સેંકડોની સંખ્યામાં ચર્ચ બન્યાં હોવાનું તેમજ ક્યાંક મંદિરોમાં જ ધજાની જગ્યાએ ક્રોસ લગાવી દેવામાં આવ્યાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

    અખબારે એક RTIમાં મળેલા જવાબના આધારે જણાવ્યું છે કે કલેકટર કચેરીએ આપેલા જવાબ અનુસાર છેલ્લાં દસ વર્ષમાં તાપી જિલ્લામાં એક પણ વ્યક્તિએ સત્તાવાર ધર્માંતરણ કર્યું નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે અનેક ગામનાં ગામ એવાં છે જ્યાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકોની સંખ્યા ભરપૂર વધી છે અને હિંદુઓ લઘુમતીમાં આવી ગયા છે. 

    - Advertisement -

    અનેક ગામોમાં હિંદુઓ લઘુમતીમાં આવી ગયા

    રિપોર્ટ અનુસાર, કેટલાંક ગામોમાં ખ્રિસ્તીઓની વસ્તીની સરખામણીએ હિંદુઓની વસ્તી માત્ર 2થી 5 ટકા જેટલી જ રહી ગઈ છે. જેના કારણે તેઓ અવાજ પણ ઉઠાવી શકતા નથી. ધર્માંતરણ વધવાના કારણે અને હિંદુઓ ઓછા થવાના કારણે હવે આ વિસ્તારોમાં જેઓ હિંદુઓ છે તેઓ પણ પૂજા કરવા જતા નથી. 

    રિપોર્ટમાં એક દેવલી માડી મંદિરના પૂજારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે, આ મંદિર એક સમયે આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર હતું પરંતુ હવે લોકો મંદિરમાં પૂજા કરવા આવતા બંધ થઇ ગયા છે. પહેલાં ભીડ થઇ જતી અને હવે કોઈ આવતું નથી. તેમણે ધર્માંતરણને કારણભૂત ગણાવતાં કહ્યું કે, આદિવાસીઓ ભોળા હોય છે અને તેમને લોભ-લલહ આપીને ધર્માંતરણ કરાવી દેવામાં આવે છે. 

    અન્ય એક સ્થાનિકે અખબારને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારોમાં ખ્રિસ્તી પાસ્ટરો આવીને આદિવાસીઓને કુળદેવીની પૂજા કરવાને બદલે તેમની પ્રેયર કરાવવા માટે લઇ જાય છે અને લોકો પણ તેમની વાતમાં આવી જાય છે. તેમણે ઉમેર્યું કે, તેમના મગજમાં એવું ઠસાવવામાં આવે છે કે કુળદેવી જેવું કશું હોતું જ નથી અને મરિયમ માતાની પ્રાર્થના કરવી જોઈએ. 

    ‘સરકારી લાભો મેળવવા માટે હિંદુ જ લખાવે છે’

    અહીં ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકોની સંખ્યા પ્રતિદિન વધતી હોવા છતાં સરકારી દફ્તરે એકેય વ્યક્તિ ન નોંધાયો હોવાનું કારણ એ છે કે ધર્માંતરણ કર્યા બાદ પણ આ લોકો સરકારી ચોપડે જરૂરી કાર્યવાહી કરતા નથી અને હિંદુ આદિવાસી જ લખાવે છે. સરકારી લાભો મેળવવા માટે આમ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું. 

    રિપોર્ટ અનુસાર, તાપીના સોનગઢ અને આસપાસના વિસ્તારોમાં એક-એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર માટેનાં સ્થળો ઊભાં કરી દેવામાં આવ્યાં છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધુ ચર્ચ જ્યારે વ્યારામાં 200થી વધારે અને ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100-100થી વધારે ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

    ‘પાસ્ટરો મહિલાઓને જ ટાર્ગેટ કરે છે’

    આ ઉપરાંત, પ્રચાર-પ્રસાર માટે આવતા પાસ્ટરો ગરીબ અને આદિવાસી મહિલાઓ પર નજર બગાડતા હોવાનો અને તેમની સાથે શારીરિક સબંધો બાંધતા હોવાના પણ આરોપ લાગ્યા છે. રિપોર્ટમાં હિંદુમાંથી પાસ્ટર બનેલા અને ફરી ઘરવાપસી કરીને હિંદુ બનેલા એક વ્યક્તિને ટાંકીને જણાવવામાં આવ્યું કે, પ્રચાર-પ્રસાર માટે જતી વખતે તેઓ શરૂઆત મહિલાથી કરતા હતા અને તેમને જ નિશાન બનાવતા હતા. તેમને મફત સાડી આપવાથી તેઓ ખુશ થઇ જતાં અને તેમનાં બાળકોને વિનામૂલ્યે પુસ્તકો અને કપડાં આપવામાં આવતાં અને પછી ખ્રિસ્તી બનવા માટે સમજાવવામાં આવતાં. 

    અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તાપીના નાના બંધારપાડાના એક ગામમાં પ્રાચીન હિંદુ સ્થાનકની જગ્યાએ મરિયમ માતાનું મંદિર નામે ચર્ચ બનાવી દેવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. હિંદુઓ પૂજા કરવા જતાં ખ્રિસ્તી ટોળાએ તેમને રોક્યા હતા અને ઉપર જવા દીધા ન હતા. પછીથી પોલીસની હાજરીમાં સમાધાન થયા બાદ હિંદુઓને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ પછી પણ ખ્રિસ્તીઓએ ધમકી આપવાની ચાલુ રાખી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં