છોટાઉદેપુરમાંથી બે દિવસ અગાઉ ગેરકાયદે કતલખાનાં ઝડપાયાં હતાં, જેમાં પોલીસને 16 જેટલી ગાયો કપાયેલી હાલતમાં મળી આવી હતી, તો 80 ગાયોને જીવતી બચાવવામાં આવી હતી. આ મામલે રિયાઝ અબ્દુલમજીદ ભીમલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે અન્ય ચાર આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ ગૌહત્યાના વિરોધમાં સમગ્ર શહેરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હિંદુઓએ રેલી આયોજિત કરી ગૌહત્યા, લવજેહાદ, લેન્ડ જેહાદ જેવા મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
છોટાઉદેપુરમાંથી કતલખાનાં ઝડપાયાં બાદ ગૌહત્યાના વિરોધમાં નગર સ્વયંભૂ બંધ રહ્યું હતું અને હિંદુ સમાજે શહેરમાં સ્થિત મહાકાળી માતાના મંદિર ખાતેથી મોટી રેલી કાઢીને કલેક્ટર કચેરી સુધી કૂચ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ મામલાની તપાસ કરી ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં હિંદુઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી તેમના સહયોગીઓ અને અન્ય શકમંદોની તપાસ કરી તેમના રહેઠાણો અને અન્ય સ્થળોએ દરોડા પાડી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવવું જોઈએ તેમજ કતલખાનાંના વીજ અને પાણીના જોડાણો કાપી નાંખવા જોઈએ. આ ઉપરાંત, આટલા મોટાપાયે ચાલતા કતલખાનાનું ગૌમાંસ ક્યાં સપ્લાય કરવામાં આવે છે તે મામલે પણ તપાસ કરવા માટે આવેદન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત 10 જુલાઈના રોજ છોટાઉદેપુર પોલીસને બાતમી મળતાં એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ફારૂક અબ્દુલ દડીના મકાનની બાજુમાં આવેલ પતરાંના શૅડમાં 14 જેટલી ગાયોનાં માથા કપાયેલી હાલતમાં મળ્યાં હતાં. તેમજ ક્રૂરતાપૂર્વક ઘાસચારા વગર બાંધી રાખેલી કેટલીકે ગાયો પણ મળી આવી હતી. આ ઉપરાંત થેલીઓમાંથી માંસ પણ મળી આવ્યું હતું.
આ ઉપરાંત, તેની સામે રહેતા ફરીદાબેન હોકલા, શાહનવાઝ હોકલા અને સોહેલ હોકલાના મકાનમાં રેડ પાડતાં પતરાંના શૅડમાંથી 2 ગાયો માથાં કપાયેલી હાલતમાં મળી આવી હતી, તેમજ મકાનના પાછળના ભાગે તપાસ કરતાં 25 ગાયો ક્રૂરતાપૂર્વક દોરડાંથી બાંધેલી હાલતમાં મળી આવી હતી.
જે બાદ અન્ય એક જગ્યાએ રેડ કરતાં કેટલાક ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે પકડાયેલા ઈસમ રિયાઝ અબ્દુલ માજિદ ભીમલાને સાથે રાખીને તપાસ કરતાં એક ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું અને પાંચ ગાય બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે પોલીસે ફરીદા હોકલા, શાહનવાઝ હોકલા, સોહેલ હોકલા તેમજ રિયાઝ અબ્દુલ મજીદ ભીમલાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ફારૂક અબ્દુલ, સમીમ, મહેબૂબ હોકલ અને મોશીન અબ્દુલ મજીદ ભીમલા ફરાર થઇ ગયા હતા.
પોલીસને કતલખાનાંમાંથી લાકડાના કુંડ, કુહાડીઓ, છરી, ગૌમાંસ, 80 જેટલી ગાયો અને 5,76,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.