કોલકાતામાં RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આ મામલે કેન્દ્રીય એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરી રહી છે. આ કેસમાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ પૂછપરછ ચાલી રહી છે. પરંતુ પૂછપરછ સંતોષકારક ન રહેતાં CBIએ આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના (RG kar Medical College and Hospital) પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ અને અન્ય ચાર ટ્રેની ડૉક્ટરોનો પોલિગ્રાફ ટેસ્ટ કરવાની પરવાનગી માંગી હતી, જે સ્પેશિયલ કોર્ટે મંજૂર રાખી છે. ગુરુવારે (22 ઑગસ્ટ) આ આદેશ આપવામાં આવ્યો.
#BREAKING A Kolkata Court has allowed the CBI to conduct a polygraph test on Former RG Kar Principal Sandip Ghosh.
— Live Law (@LiveLawIndia) August 22, 2024
Five other accused students who were colleagues of the victim will also be subject to the lie-detector test. #RGKar #RGKarCollege #RGKarHospital… pic.twitter.com/CLugpDczE1
આ મામલે CBIના અધિકારીના જણાવ્યા અનુસાર, કેસને લઈને પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય 4 ડોકટર્સની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ પૂછપરછ દરમિયાન તમામનાં નિવેદનોમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી એજન્સીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ સંદીપ ઘોષ અને 4 ડૉક્ટરોના પોલિગ્રાફ ટેસ્ટ માટે પરવાનગી માંગી હતી. જે મળી ગયા બાદ આ મામલે સંદીપ ઘોષ અને અન્યોનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, કોર્ટે પોલિગ્રાફ ટેસ્ટની પરવાનગી આપી દીધી છે, પરંતુ હજુ સુધી કઈ તારીખે ટેસ્ટ કરવા તે નક્કી થયું નથી
વધુમાં જાણવા મળ્યું છે કે પોલિગ્રાફ ટેસ્ટ ઘોષના નિવેદનોને ચકાસવામાં તથા પુરાવાઓને સમર્થન આપવામાં મદદ કરશે. એક અધિકારીને ટાંકીને PTIએ જણાવ્યું હતું કે, “અમે ઘોષના જવાબોની ખરાઈ કરવા માંગીએ છીએ, કારણ કે અમુક પ્રશ્નોના જવાબમાં વિસંગતતા જોવા મળી છે. જેના કારણે અમારે ટેસ્ટનો વિકલ્પ અપનાવવાની જરૂર પડી.”
જાણવા મળ્યા અનુસાર, એજન્સી ઘોષને પ્રશ્ન કરી ચૂકી છે કે ડૉક્ટરના મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેમની શું ભૂમિકા હતી અને મૃતકના વાલીઓને મૃતદેહ જોવા મળે તે પહેલાં ત્રણ કલાક રાહ શું કામ જોવડાવવામાં આવી હતી. આ સિવાય જે સેમિનાર રૂમમાં મૃતદેહ મળી આવ્યો હતો તેની આસપાસ આવેલા રૂમમાં ઘટના બન્યાના થોડા જ સમયમાં રિનોવેશન શા માટે કરવું પડ્યું, તે પણ પૂછવામાં આવ્યું હતું. નોંધવું જોઈએ કે ઘોષ વિરુદ્ધ આ પહેલાં પણ ઘણા આરોપ લાગી ચૂક્યા છે.
વધુ માહિતી ટેસ્ટ બાદ જ સામે આવશે. જોકે, હજુ સુધી સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી નથી. હાલ આ કેસમાં બંગાળ પોલીસે આરોપી સંજય રોયની જ ધરપકડ કરી છે, જેની ઉપર રેપ અને હત્યાનો આરોપ છે. એજન્સી તેનો પણ પોલિગ્રાફ ટેસ્ટ કરશે, જે માટે પરવાનગી પહેલેથી જ મળી ચૂકી છે.