પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખ પર લાગેલા જાતીય સતામણીના ગંભીર આરોપો અને ED અધિકારીઓ પર હુમલો કરવાના મામલે ધરપકડ બાદ તૃણમૂલ કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે CBI દ્વારા શેખની કસ્ટડી મેળવી લેવામાં આવી છે. તેવામાં હવે સંદેશખાલીની પીડિતાઓએ કલકત્તા હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની પરવાનગી માંગી છે. સંદેશખાલીની પીડિતાઓ કલકત્તા હાઈકોર્ટ સમક્ષ પોતાની સાથે થયેલા અત્યાચારની આપવીતી મુકવા માંગે છે.
આ મામલે પીડિત મહિલાઓ તરફે અરજી કરનાર પ્રિયંકા ટિબરેવાલાએ હાઈકોર્ટ સમક્ષ કહ્યું હતું કે સંદેશખાલીની 80 એવી મહિલાઓ છે જે પોતાની પીડા કોર્ટ સમક્ષ ઠાલવવા માંગે છે. આ વાત પર મુખ્ય ન્યાયાધીશ દ્વારા પરવાનગી આપતા કહેવામાં આવ્યું હતું કે જો પીડિતાઓ ઈચ્છે તો તેઓ તેમની ફરિયાદ અરજી મારફતે અથવાતો એફિડેવિટ મારફતે પોતાની વાત મૂકી શકે છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મામલે ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સુનાવણી કરી રહી છે. આ દરમિયાન પીઠનું માનવું હતું કે તમામ 80 પીડિત ફરીયાદી મહિલાઓને કોર્ટ સુધી પહોંચાડવી થોડી અઘરી છે. જેના સમાધાનમાં જણાવવામાં આવ્યું હતું કે અરજદાર એફિડેવિટ કે અરજી કરીને પોતાનું નિવેદન કોર્ટમાં ઓન રેકોર્ડ નોંધાવી શકે છે.
કોર્ટે પરવાનગી આપતા કેટલીક શરતો પણ મૂકી હતી, કોર્ટના જણાવ્યા અનુસાર પીડિત મહિલાઓએ પોતાના નિવેદનો યોગ્ય રીતે સાબિત કરવાના રહેશે. સાથે જ કોર્ટે તેમ પણ જણાવ્યું હતું કે જે પણ મહિલાઓ આ મામલે નિવેદન નોંધાવે તે મહિલાની ઓળખ સ્પષ્ટ આપવાની રહેશે. મહિલાઓ જો સ્થાનિક ભાષામાં નિવેદન આપે તો તેની ભાષાંતરિત કોપી પણ ઉપલબ્ધ કરાવીને તેમની સમક્ષ રાખવાનું પણ કોર્ટે જણાવ્યું હતું. બીજી તરફ ઘટનાની સંવેદનશીલતા જોઈ હાઈકોર્ટે મહિલાઓને સુરક્ષા આપવાની પરવાનગી પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ(TMC) નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ પહેલા જયારે એક કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના(ED) અધિકારીઓની ટીમ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પહોંચી ત્યારે સ્થાનિક લોકોના હિંસક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ ગંભીરરૂપે ઘાયલ થયા હતા.