28 મેએ આયોજિત નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો મોટા ભાગના વિપક્ષી દળોએ બહિષ્કાર કર્યો છે ત્યાં કેટલીક પાર્ટીઓ એવી પણ છે જેણે સમારોહમાં આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ પણ પીએમ મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે બહિષ્કાર કરનારા દળોનું વલણ અયોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ, TMC સહિત કુલ 19 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના આમંત્રણને નકાર્યું છે. તેમનું કહેવું છે કે, ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. આ સમગ્ર મામલે માયાવતીએ ટ્વીટ કરી હતી કે, “કેન્દ્રમાં પહેલાં કોંગ્રેસની સરકાર રહી હોય કે વર્તમાનમાં ભાજપની, બસપાએ હંમેશા દેશ અને જનહિત સંબંધિત મુદ્દાઓ પર પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને તેમનું સમર્થન કર્યું છે અને 28 મેના થવા જઈ રહેલા સંસદના નવા ભવનના ઉદ્ઘાટનનું પણ પાર્ટી સ્વાગત કરે છે.”
માયાવતીએ આગળ લખ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન થવા પર બહિષ્કાર કરવો એ તદ્દન અયોગ્ય છે. સરકારે તેને બનાવ્યું છે એટલે તેનું ઉદ્ઘાટન કરવાનો તેમને અધિકાર છે. તેને આદિવાસી મહિલાના સન્માન સાથે જોડવું પણ યોગ્ય નથી.” માયાવતીએ એવું પણ જણાવ્યું હતું કે, વિપક્ષે રાષ્ટ્રપતિના સન્માનનો ત્યારે વિચાર કરવો જોઈતો હતો જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે દ્રૌપદી મુર્મૂ સામે પોતાની પાર્ટીના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
"…BSP welcomes the inauguration of #NewParliamentBuilding on 28th May…The boycott of the ceremony over the building not being inaugurated by President Droupadi Murmu is inappropriate…I thank for the invitation to the ceremony and extend my greetings but I will not be able… pic.twitter.com/m8sP28rjEg
— ANI (@ANI) May 25, 2023
માયાવતીએ ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારીને સરકારનો આભાર માન્યો છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. જોકે, પાર્ટીની સતત સમીક્ષા બેઠકોને કારણે તેઓ સમારોહમાં હાજર નહીં રહી શકે એવું તેમણે જણાવ્યું હતું.
યોગી આદિત્યનાથ, ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ વિપક્ષનો ઉધડો લીધો
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે પણ વિપક્ષ દ્વારા સંસદ ભવન ઉદ્ઘાટનના બહિષ્કારની ટીકા કરી હતી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, “સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 28 મેની તારીખ ગૌરવશાળી દિવસ તરીકે નોંધાશે. દેશના વડાપ્રધાન ભારતવાસીઓને લોકશાહીના પ્રતિક સમા નવા સંસદ ભવનની ભેટ આપશે. આ ઐતિહાસિક અવસરને ગરિમાપૂર્ણ અને ગૌરવશાળી બનાવવાને બદલે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો જે રીતે નિવેદનબાજી કરી રહ્યા છે તે અત્યંત દુઃખદ અને બેજવાબદારીભર્યું છે. આવા વલણને દેશ કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં.”
તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “19 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનના લોકાર્પણનો બહિષ્કાર કરવામાં આવ્યો તે નિંદનીય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ બહિષ્કાર દેશના 140 કરોડ ભારતીયોના અપમાન બરાબર છે. તે ક્યારેય નહીં ભૂલાય.”
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે વિપક્ષને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે પણ 28 મેના રોજ પીએમ મોદીના હસ્તે થનારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “દેશની સંસદનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નહીં કરે તો શું પાકિસ્તાનના વડાપ્રધાન કરશે? સંસદ, રાષ્ટ્રપતિ ભવન આ એવી ઇમારતો છે જે કોઈ પાર્ટીની નહીં, દેશની હોય છે. હું તમામ પાર્ટીઓને અપીલ કરું છું કે તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે.”