2024ની લોકસભા ચૂંટણીને આમ તો એકાદ વર્ષ જેટલો સમય બાકી છે પરંતુ તજવીજ અત્યારથી શરૂ થઇ ગઈ છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ એક થવા મથી રહી છે તો બીજી તરફ ભાજપે NDAનો વિસ્તાર કરવાનું અને જૂના સાથીઓને ફરી જોડવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં આજે ઉત્તર પ્રદેશની પ્રાદેશિક પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી NDAમાં સામેલ થઇ ગઈ છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમપ્રકાશ રાજભરે શુક્રવારે (14 જુલાઈ, 2023) ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આજે અધિકારીક રીતે તેઓ NDAમાં સામેલ થયા હતા. ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપતું ટ્વિટ કરીને લખ્યું કે, ઓમપ્રકાશ રાજભરે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને તેમનું હું NDA પરિવારમાં સ્વાગત કરું છું. રાજભરના આવવાથી યુપીમાં NDAને મજબૂતી મળશે અને મોદીના નેતૃત્વમાં NDA દ્વારા ગરીબો અને વંચિતોના કલ્યાણ માટે થતા પ્રયાસોને બળ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
VIDEO | "I want to thank Union Home Minister Amit Shah, BJP chief JP Nadda, UP CM Yogi Adityanath for inducting me into the NDA. We will fight (2024 Lok Sabha elections) together," says Suheldev Bharatiya Samaj Party (SBSP) chief Om Prakash Rajbhar after joining the NDA earlier… pic.twitter.com/Ap9myyly2o
— Press Trust of India (@PTI_News) July 16, 2023
NDAમાં સામેલ થયા બાદ ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, “NDAમાં સામેલ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કરું છું. જે લડાઈ ભારતીય જનતા પાર્ટી લડી રહી છે એ જ લડાઈ અમે પણ લડી રહ્યા છીએ. આ લડાઈ આગળ વધારવા માટે સૌ મળીને ગરીબો, વંચિતો, શોષિતોને અધિકારો અપાવવા માટે આગળ કામ કરતા રહીશું.”
અહીં ઉલ્લેખનીય છે કે ઓપી રાજભર અગાઉ NDAનો જ એક ભાગ હતા પરંતુ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં છૂટા પડી ગયા હતા અને સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, ચૂંટણી બાદ બંને પાર્ટીઓ વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા હતા જેનું પરિણામ આખરે એ આવ્યું કે રાજભરે ઘરવાપસી કરી લીધી.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે NDA મજબૂત કરવા માંડ્યું છે. જેને લઈને 18 જુલાઈ, 2023ના રોજ રાજધાની દિલ્હીમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ બેઠકમાં NDAની સહયોગી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત, એવી અમુક પાર્ટીઓ જેઓ અત્યાર સુધી NDAનો ભાગ ન હતી કે અગાઉ ગઠબંધન છોડી દીધું હતું તેઓ પણ આ બેઠકનો ભાગ બનશે અને ફરી જોડાશે.
શનિવારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને એક નિવેદન આપીને કહ્યું હતું કે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને કાર્યકરો સાથે ચર્ચા કરીને NDA બેઠકમાં જોડાવા કે અધિકારીક રીતે ગઠબંધનમાં જોડાવા અંગે નિર્ણય કરશે. તે પહેલાં તેમણે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય સાથે એક બેઠક કરી હતી, જેના કારણે ચર્ચા ચાલી હતી કે તેઓ ફરી NDAમાં આવી શકે છે. લોક જનશક્તિ પાર્ટી અગાઉ NDAનો ભાગ હતી પરંતુ 2021ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાને છેડો ફાડી દીધો હતો. તેઓ નીતીશ કુમારની જેડીયુની વિરુદ્ધમાં છે પરંતુ ભાજપને સમર્થન કરે છે. જોકે, જેડીયુ હવે અલગ થઇ ગઈ છે જેથી તેમના NDA પ્રવેશનો રસ્તો મોકળો બન્યો છે.
ભાજપે બોલાવેલી બેઠકમાં કુલ 19 પાર્ટીઓ ભાગ લેવા જઈ રહી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ વિવિધ પાર્ટીઓના નેતાઓને પત્ર લખીને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં મહારાષ્ટ્રની NCPના અજિત પવાર જૂથનો પણ સમાવેશ થાય છે. આ સિવાય પણ અન્ય સહયોગી પાર્ટીઓ ભાગ લેશે.
NDA- નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલતું એક રાજકીય ગઠબંધન છે. વર્ષ 1998ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે તેની રચના કરી હતી. ભાજપ સિવાય શિવસેના, NPP, AIADMK, JJP, UDP, નિશાદ પાર્ટી વગેરે પાર્ટીઓ તેની સભ્ય છે. જોકે, સમયે-સમયે પાર્ટીઓ ગઠબંધનમાંથી છૂટી પડતી અને ફરી જોડાતી રહી છે.