Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપારિવારિક વિવાદને પગલે રાજકારણમાંથી 'બ્રેક' લેવાની જાહેરાત કરી ચૂકેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ...

    પારિવારિક વિવાદને પગલે રાજકારણમાંથી ‘બ્રેક’ લેવાની જાહેરાત કરી ચૂકેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય થવાના સંકેત આપ્યા

    પત્ની સાથેના વિવાદ બાદ એક વિડીયો વાયરલ થતાં રાજકારણમાંથી વિરામ લેવાની જાહેરાત કરી ચૂકેલા ભરતસિંહ ફરીથી રાજકારણમાં આવશે.

    - Advertisement -

    પારિવારિક વિવાદોના કારણે રાજકારણમાંથી વિરામ લેવાની જાહેરાત કરી ચૂકેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણી પહેલાં ફરી સક્રિય થયા છે. પિતા માધવસિંહ સોલંકીની જન્મજયંતિ નિમિત્તે બોરસદમાં આયોજિત એક કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ ફરી રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી. 

    બોરસદમાં આયોજિત કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, આજના દિવસે તેમના (માધવસિંહ) વિચારોને આગળ ધપાવવા માટે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ અને તેના આધારે આવનાર દિવસોમાં તે દિશામાં આગળ વધીએ. આ કાર્યક્રમમાં પાર્ટીના આગેવાનો, નેતાઓ વગેરે હાજર હતા. 

    ભરતસિંહ સોલંકીની જાહેરાત બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ તેમના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, ભરતસિંહ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમણે જાતે જ રાજકારણમાંથી બ્રેક લીધો હતો. પાર્ટીએ ક્યારેય તેમને રાજકારણથી દૂર થવા માટે કહ્યું ન હતું. તેઓ રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે. 

    - Advertisement -

    ભરતસિંહ સોલંકી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. શંકરસિંહ પણ હાલ થોડા દિવસોથી ચર્ચામાં છે. તેઓ પણ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓ ભૂતકાળમાં પણ અનેક વખત ચાલી છે. બીજી તરફ, હાલમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો પહેલી શરત એ હશે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવે. 

    ભરતસિંહ સોલંકી આમ તો રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી ચૂક્યા હતા પરંતુ હવે ફરીથી તેમણે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. બીજી તરફ આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાની હાજરી પણ સૂચક હોવાનું માનવામાં આવે છે. આ બંને નેતાઓ એકબીજાના નજીકના માનવામાં આવે છે અને વર્ષો સુધી સાથે કામ પણ કર્યું છે. આ અંગે વધુ વિગતો મેળવવા માટે ભરતસિંહ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમનાં પત્ની રેશ્મા પટેલ વચ્ચે ચાલતા વિવાદને પગલે તેઓ અવારનવાર ચર્ચામાં રહેતા હતા ત્યારે ગત જૂન મહિનામાં જ તેમનો એક વિડીયો વાયરલ થતાં મામલાએ વધુ વેગ પકડ્યો હતો. ભરતસિંહ સોલંકી અન્ય એક યુવતી સાથે જોવા મળતાં તેમનાં પત્ની રેશ્મા પટેલે ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો મીડિયા-સોશિયલ મીડિયા પર ફરતો થઇ ગયો હતો. 

    આ સમગ્ર વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મામલા અંગે વિગતે સ્પષ્ટતા કરી હતી તો રાજકારણમાંથી અચોક્કસ મુદત સુધી બ્રેક લેવા માટે પણ જાહેર કરી ચૂક્યા હતા. જોકે, ત્યારે તેમણે કહ્યું ન હતું કે આ બ્રેક કેટલો લાંબો ચાલશે. પરંતુ હવે તેઓ ફરી ચૂંટણી અગાઉ રાજકારણમાં સક્રિય થઇ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં