લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે. ભાજપ સહિત દેશની દરેક પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. રાહુલ ગાંધી પણ ભારત જોડો ન્યાય યાત્રા લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે. તે જ અનુક્રમે તેમની ભારત જોડો ન્યાય યાત્રા હાલ મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ રહી છે. એમપીમાં આ યાત્રા શાજાપુર જિલ્લામાં પહોંચી તો એક અનોખી ઘટના બની હતી. શાજાપુર જિલ્લામાં રાહુલ ગાંધી યાત્રા દરમિયાન ખુલ્લી જીપમાં સવાર હતા. તે દરમિયાન રોડની નજીક ઉભેલા ભાજપ કાર્યકર્તાઓએ મોદી-મોદીના નારા લગાવવાના શરૂ કરી દીધા. રાહુલ ગાંધી જીપમાંથી ઉતરી તેમની પાસે ગયા તો ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને બટેટા પકડાવી દીધા અને સોનાની માંગણી કરી.
મંગળવારે (5 માર્ચે) રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા લઈને મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા. એમપી સ્થિત શાજાપુરમાં તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈને યાત્રા કાઢી રહ્યા હતા. તે દરમિયાન રોડની સાઈડ પર ઉભેલા ભાજપ કાર્યકર્તાઓએ મોદી-મોદીના નારા લગાવવાના શરૂ કરી દીધા. સાથે ‘જય-જય શ્રીરામ’ના નારા લગાવવાના પણ શરૂ થઈ ગયા. જે બાદ રાહુલ ગાંધીની જે આદત છે, તે અનુસાર તેઓ જીપમાંથી નીચે ઉતર્યા અને ભાજપ કાર્યકર્તાઓ પાસે જઈને બધાને હાથ મિલાવવા લાગ્યા. ભાજપ કાર્યકર્તાઓ સાથે બટેટા લઈને આવ્યા હતા. જેવા હાથ મિલાવવા રાહુલ ગાંધી આવ્યા કે, કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને બટેટા પકડાવી દીધા અને કહ્યું કે, “હવે અમને સોનું આપો.”
રાહુલ ગાંધી હસ્યાં અને ફ્લાઇંગ કિસ આપી ચાલતા થયા
ભાજપ કાર્યકર્તાઓની આવી માંગણી જોઈને રાહુલ ગાંધી પોતે પણ હસવા લાગ્યા અને ખાસ વાત તો એ કે તેઓએ બટેટા પણ લઈ લીધા. તેમણે ભાજપ કાર્યકર્તાઓને કહ્યું કે, “બટેટા આપતી વખતે ગભરાશો નહીં.” જે બાદ રાહુલ ગાંધી ભાજપ કાર્યકર્તાની આ માંગણી પર ફ્લાઇંગ કિસ આપીને ચાલતા થયા હતા. ત્યારબાદ તેઓ ફરી જીપ પર સવાર થઈ ગયા અને ત્યાંથી નીકળી ગયા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા X હેન્ડલ પરથી આ વિડીયો શેર પણ કરવામાં આવ્યો છે. ત્યાર પછી રાહુલ ગાંધી શાજાપુરથી સીધા ઉજ્જૈન ગયા હતા, જ્યાં તેમણે ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા.
मध्य प्रदेश की जनता ने राहुल गांधी से पूछा,
— BJP Madhya Pradesh (@BJP4MP) March 5, 2024
"आलू से सोना कब बनेगा?" pic.twitter.com/9h1kLwxPJT
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં તેઓ કહેતા હતા કે, “એક એવું મશીન બનાવીશ, એવું મશીન બનાવીશ કે, એક બાજુથી બટેટુ નાખો અને બીજી બાજુથી તે સોનું થઈને નીકળશે.” આ વિડીયો દેશભરમાં ખૂબ વાયરલ થયો હતો. જેના પર સોશિયલ મીડિયામાં મીમ પણ શેર કરવામાં આવી રહ્યા હતા. રાહુલ ગાંધીના તે વિડીયોને લઈને ભાજપ કાર્યકર્તા તેમની પાસે બટેટા લઈને ગયા હતા.