Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેપાળની યુવતીની બેંગ્લોરમાં નિર્મમ હત્યા, લાશના 28 ટુકડા ફ્રીઝમાંથી મળ્યા: પૂર્વ પતિનો...

    નેપાળની યુવતીની બેંગ્લોરમાં નિર્મમ હત્યા, લાશના 28 ટુકડા ફ્રીઝમાંથી મળ્યા: પૂર્વ પતિનો દાવો- ઉત્તરાખંડના અશરફ સાથે હતા અવૈધ સંબંધ, જાણો સમગ્ર ઘટના

    યુવતીના પૂર્વ પતિએ હત્યા પાછળ નેલમંગલના એક સલૂનમાં કામ કરતા અશરફ નામના વ્યક્તિનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી. હેમંતે જણાવ્યું હતું કે, મહાલક્ષ્મીના અશરફ સાથે અવૈધ સંબંધો હતા અને તેણે અશરફ વિરુદ્ધ બ્લેકમેલિંગનો કેસ પણ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    બેંગ્લોરના વ્યાલીકાવલ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. 29 વર્ષીય મહાલક્ષ્મીની નિર્દયતાપૂર્વક હત્યા કરી તેની લાશના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. મહાલક્ષ્મીના શરીરના ટુકડા તેના જ ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવ્યા હતા. પોલીસને મૃતદેહના 28 ટુકડા રેફ્રિજરેટરમાંથી મળી આવ્યા હતા. હત્યાની નિર્દયતાએ સૌને ચોંકાવી દીધા છે અને આ કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મૃતક મહાલક્ષ્મીના પૂર્વ પતિએ અશરફ નામના વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી છે. તેના પતિના કહેવા અનુસાર મહાલક્ષ્મીના અશરફ સાથે આડાસંબંધો હતા.

    અહેવાલો અનુસાર, બેંગ્લોરમાં રહેતા મીના રાણા અને તેના પતિ ચરણ સિંઘ મૂળ નેપાળના ટીકાપુરના છે. તથા 35 વર્ષ પહેલા બેંગ્લોર શિફ્ટ થયા હતા. મહાલક્ષ્મી સિવાય દંપતિને ત્રણ બાળકો છે – લક્ષ્મી, હુક્કમ સિંઘ અને નરેશ. આ મામલો બહાર આવ્યા બાદ બેંગ્લોર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) હેઠળ FIR નોંધી હતી. FIR અનુસાર, મહાલક્ષ્મીની માતા, મીના રાણાને હત્યાની ઘટના સામે આવ્યાના એક દિવસ પહેલાં પીડિતાના એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવવાની જાણ કરવામાં આવી હતી.

    મૃતકની માતાના જણાવ્યા અનુસાર, મહાલક્ષ્મીના લગ્ન નેલમંગલમાં રહેતા અને મોબાઈલ ફોન એસેસરીઝની દુકાન ચલાવતા હેમંત દાસ સાથે થયા હતા. ઓક્ટોબર 2023માં મહાલક્ષ્મીએ વ્યાલીકાવલમાં એપાર્ટમેન્ટ ભાડે લીધા બાદ દંપતી અલગ રહેવા ગયું હતું. મહાલક્ષ્મીના ભાઈ હુક્કુમ સિંઘ અને તેની પત્ની દીપિકા પણ આ જ ઘરમાં લગભગ 15 દિવસ રોકાયા હતા. મહાલક્ષ્મીએ હુક્કુમ સિંઘ સાથે ઝઘડો કર્યા બાદ હુક્કુમ સિંઘ પત્ની સાથે મરાઠાહલ્લીમાં શિફ્ટ થઈ ગયા.

    - Advertisement -

    પાડોશીઓએ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ કરી

    ઘટના ત્યારે બહાર આવી જયારે મહાલક્ષ્મીના પડોશીઓએ તેના ભાઈ હુક્કુમ સિંઘને મહાલક્ષ્મીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ કરી હતી. હુક્કુમ સિંઘે આ અંગે મહાલક્ષ્મીની માતા મીના રાણાને જાણ કરતાં, તે તેમની મોટી પુત્રી લક્ષ્મી સાથે મહાલક્ષ્મીના ઘરે પહોંચ્યા હતા. ત્યારે દરવાજો બહારથી બંધ હતો. તેમણે દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો તો ઘરમાંથી ખૂબ દુર્ગંધ આવતી હતી. ઘરનો સમાન વેરવિખેર પડ્યો હતો. તથા રસોડામાં જીવજંતુઓ ફરી રહ્યા હતા અને લોહીના ડાઘ પણ પડેલા હતા.

    ફ્રીઝમાંથી મળ્યા લાશના ટુકડા

    મીના રાણાએ રસોડામાં જઈને ફ્રીઝ ખોલ્યું તો તેમાં મહાલક્ષ્મીની લાશના ટુકડા પડેલા હતા. એ જોઇને તેઓ બહાર આવી ગયા હતા. આ બાદ તેમણે લક્ષ્મીના પતિ ઈમરાનને જાણ કરી હતી. ઈમરાને પોલીસને હત્યા અંગે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહાલક્ષ્મીની માતાના જણાવ્યા અનુસાર, તેણે છેલ્લે 2 સપ્ટેમ્બરે તેની પુત્રી સાથે ફોન પર વાત કરી હતી. ત્યારે મહાલક્ષ્મીએ કહ્યું હતું કે તે નજીકના સમયમાં તેના પતિને મળવા જવાની છે. પરંતુ આ બાદ માતા-પુત્રીનો સંપર્ક થઇ શક્યો નહોતો.

    અશરફ નામક વાળંદ સાથે અવૈધ સબંધ હોવાનો પૂર્વ પતિનો દાવો

    બીજી તરફ મહાલક્ષ્મીના પૂર્વ પતિ હેમંત દાસે કહ્યું હતું કે “અમે 6 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને મતભેદોને કારણે 9 મહિના પહેલાં અલગ થયા હતા. મહાલક્ષ્મીએ ડિસેમ્બરમાં મારા વિરુદ્ધ નેલમંગલા પોલીસ સ્ટેશનમાં વિવાદને લઈને કેસ દાખલ કર્યો હતો. અમે અલગ થયા પછી, તે વ્યાલીકાવલમાં એકલી રહેતી હતી.”

    હત્યામાં અશરફનો હાથ હોવાની શંકા

    આ સિવાય હેમંતે હત્યા પાછળ નેલમંગલના એક સલૂનમાં કામ કરતા અશરફ નામના વ્યક્તિનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી. હેમંતે જણાવ્યું હતું કે, મહાલક્ષ્મીના અશરફ સાથે અવૈધ સંબંધો હતા અને તેણે અશરફ વિરુદ્ધ બ્લેકમેલિંગનો કેસ પણ નોંધાવ્યો હતો. હેમંતનો દાવો છે કે અશરફ મહાલક્ષ્મીને ઘણી વખત બ્લેકમેલ કરીને હેરાન કરતો હતો. હેમંતે જણાવ્યું કે અશરફ ઉત્તરાખંડનો રહેવાસી છે.

    હેમંતે કહ્યું, “મને મહાલક્ષ્મી અને અશરફ વચ્ચેના સંબંધો વિશે એપ્રિલ-મે 2023 દરમિયાન ખબર પડી. આ પછી હું મહાલક્ષ્મીથી અલગ થઇ ગયો હતો. તથા 9-10 મહિના સુધી તેની સાથે કોઈ સંપર્ક નહોતો કર્યો. હેમંતે એ પણ જણાવ્યું કે મહાલક્ષ્મીએ અશરફ વિરુદ્ધ નેલમંગલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે પછી તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.

    પોલીસ કરી રહી છે ઝીણવટભરી તપાસ

    બેંગ્લોર સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર શેખર એચ. ટેક્કનવરે જણાવ્યું હતું કે, “અમે દરેક બાજુથી તપાસ કરી રહ્યા છીએ અને જ્યારે અમને કોઈ નક્કર સંકેત મળશે, અમે તેને જાહેર કરીશું. હાલમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસની રાહ જોવાઈ રહી છે જેથી હત્યાનો ચોક્કસ સમય અને કારણ જાણી શકાય.” પોલીસે તપાસ માટે 5 ટીમો બનાવી છે.

    પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરી અને 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. પોલીસ હજુ સુધી મહાલક્ષ્મીનો મોબાઈલ ફોન શોધી શકી નથી, જે હત્યારા દ્વારા લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત, હત્યા કરવા અને લાશના ટુકડા કરવા માટે વપરાયેલ હથિયાર હજુ મળ્યું નથી. પોલીસને શંકા છે કે હત્યા પખવાડિયા પહેલાં થઈ હોઈ શકે છે, કારણ કે શરીરના ભાગો ખૂબ જ સડી ગયા હતા અને તેમાં કીડા મળી આવ્યા હતા.

    હેમંત દાસના દાવા અને મહાલક્ષ્મીની બ્લેકમેઈલિંગની ફરિયાદે પોલીસ સમક્ષ નવા સવાલો ઉભા કર્યા છે. જોકે, હજુ સુધી પોલીસને આ કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. હેમંતે જણાવ્યું કે, મહાલક્ષ્મી ક્યારેક નેલમંગલામાં હેમંત સાથે રહેતી તેની ચાર વર્ષની દીકરીને મળવા તેની દુકાને આવતી.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં આવી જ હૃદયદ્રાવક ઘટના દિલ્હીથી સામે આવી હતી. દિલ્હીમાં રહેતી શ્રદ્ધાની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા દ્વારા હત્યા કરવામાં આવી હતી.આફતાબે પણ  શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને તેને ઘણા દિવસો સુધી ઘરના રેફ્રિજરેટરમાં રાખ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં