બેંગ્લોર રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAને શુક્રવારે (12 એપ્રિલ) માસ્ટર માઇન્ડ અબ્દુલ મતીન અહેમદ તાહા અને આરોપી મુસાવીર હુસૈન શાઝીબની પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ધરપકડ કરી હતી. બંનેને એજન્સીએ કોલકાતાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ તેને બેંગ્લોર લાવવામાં આવીને તપાસ બાદ ફરી શનિવારે (13 એપ્રિલ) કોર્ટમાં રજૂ કરતાં બંને આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તપાસમાં બંને આરોપીઓ હિંદુ નામ ધારણ કરીને હોટેલોમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સાથે જ આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને તેમને વિસ્ફોટના સ્થળે પણ લઈ જઈને સ્થળ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓને બેંગ્લોર અને ચેન્નાઈમાં જ્યાં રોકાયા હતા ત્યાં પણ લઈ જવામાં આવશે. NIA 42 દિવસો સુધી બંને આરોપીઓને ટ્રેક કરી રહી હતી. બંને એવા ગેસ્ટહાઉસમાં રોકાતા હતા, જ્યાં ચકાસણી માટેના નિયમો સાધારણ હતા. કારણ કે, તેઓ હિંદુ નામ ધારણ કરીને ત્યાં રહી શકે તેમ હતા. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું છે કે, મુસાવીરે કાફેમાં LED પ્લાન્ટ કર્યો હતો અને તાહા બ્લાસ્ટ પ્લાનિંગ અને આખી ઘટનાને અંજામ આપનાર માસ્ટરમાઇન્ડ હતો. જ્યારે આ પહેલાં પકડાયેલા મુઝમ્મિલ શરીફે મદદ પૂરી પાડી હતી.
આરોપીઓ હિંદુ નામ રાખી હોટેલમાં રહ્યા હતા
અબ્દુલ અને મુસાવીરની ધરપકડ બાદ હવે તેના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. કોલકાતાના ઈકબાલપુરમાં બંને આરોપીઓને તપાસ કરતાં જોઈ શકાય છે. બંનેએ 25 માર્ચના રોજ આ ગેસ્ટહાઉસમાં તપાસ કરી હતી અને ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા. તે લોકોએ 28 માર્ચે ગેસ્ટહાઉસમાંથી ચેકઆઉટ કર્યું હતું. NIAના અધિકારીઓએ ત્યાં પહોંચીને એન્ટ્રી રજીસ્ટર ચેક કર્યું હતું અને તેના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
બેંગ્લોર કાફે બ્લાસ્ટના બંને આરોપીઓ ગેસ્ટહાઉસમાં રહેવા માટે હિંદુ નામોનો ઉપયોગ કરી રહ્યા હતા. ધરપકડ પહેલાં બંને બંગાળની એક હોટેલમાં પણ રહ્યા હતા. ત્યાં પણ તેમણે હિંદુ નામ જ રાખ્યાં હતાં. તેમણે બંગાળમાં જ અનેક ઠેકાણાં બદલ્યાં હતાં. શાઝીબે કોલકાતાની બે હોટેલોમાં મહારાષ્ટ્રના પાલઘરના યશા શાહનવાઝ પટેલના નકલી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તાહાએ એક હોટેલમાં કર્ણાટકના વિગ્નેશ બીડી અને બીજાએ અનમોલ કુલકર્ણી જેવાં નકલી નામોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ બીજી હોટેલમાં રહેવા માટે તેમણે ક્રમશઃ સંજય અગ્રવાલ અને ઉદય દાસના નામોનો ઉપયોગ કર્યો હતો.
વારંવાર લોકેશન બદલતા હતા આરોપીઓ
કાફે બ્લાસ્ટ કેસના બંને આરોપીઓ તાહા અને શાઝીબ 28 માર્ચ સુધી કોલકાતામાં જ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ કોલકાતામાં 4 હોટેલોમાં રોકાયા હતા. આરોપીઓએ 13 માર્ચે લેનિન સરનીમાં પેરેડાઈઝ હોટેલમાં ચેકઇન કર્યું હતું અને 14 માર્ચે ચેકઆઉટ કર્યું હતું. અગાઉ, 12મી માર્ચે પણ આરોપીઓએ અહીં ચેકઇન કર્યા બાદ 13 માર્ચે ચેકઆઉટ કર્યું હતું. આ પછી બંને પેરેડાઈઝ ઇનમાં ગયા હતા. ત્યારબાદ બંનેએ 21 અને 22 માર્ચે સુધી એક-એક દિવસ ઈકબાલપુર અને ખિદીરપુરમાં રોકાણ કર્યું હતું અને અંતે બંનેએ 25 માર્ચથી 28 માર્ચ સધી ખિદીરપુર-ઈકબાલપુરની અન્ય હોટેલમાં રોકાયા હતા. તે બાદ તેઓ અહીંથી દીધા તરફ ગયા હતા. તપાસકર્તા ટીમ અને પોલીસને એવી શંકા છે કે, આરોપીઓ અહીંથી જ વિદેશ ભાગવાની ફિરાકમાં હતા.
આ સાથે હાલ પોલીસ અને NIA આ મામલે વધુ તપાસ કરી રહી છે. સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, શું બંને આરોપીઓ બાંગ્લાદેશ ભાગી જવાના ફિરાકમાં હતા કે કેમ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ કાર્યવાહી બદલ NIA અને પોલીસનો આભાર પણ માન્યો હતો.