51 શક્તિપીઠોમાંના એક મહેસાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાના મંદિરનું (Bahucharaji Temple) પુન:નિર્માણ થવા જઈ રહ્યું છે. 23 ઑગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે બહુચરાજી મંદિરના પુન:નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લગભગ ₹80 કરોડના ખર્ચ સમગ્ર મંદિરનું નવેસરથી નિર્માણ કરવાની સરકારની યોજના છે.
23 ઓગસ્ટ, શુક્રવારે મંદિરના પુનઃનિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષપણે ઉપસ્થિત રહ્યા. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચારથી સમગ્ર પૂજાવિધિ કારવામાં આવી. મુખ્યમંત્રીએ મંદિરનું કામ સુપેરે પાર પડે અને જલદીથી માતાજીનું ભવ્ય મંદિર તૈયાર થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેચરાજી સ્થિત શ્રી બહુચરાજી માતાજીના નવીન મંદિરના શિલાન્યાસ અવસરે ઉપસ્થિતિ. https://t.co/Y8mztyR0NH
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 23, 2024
પૂજાવિધિ બાદ ગુજરાત પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિર પુનઃનિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમને તમામ જાણકારી આપવામાં આવી હતી. CMએ મંદિર પરિસર સહિત ત્રણેય તબક્કાની કામગીરીની બાબતોનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચના પણ આપી હતી.
કેવું હશે મંદિર?
ગુજરાત રાજ્ય સરકારે આ મંદિરના નિર્માણના પ્રથમ તબક્કા માટે ₹76.51 કરોડ ફાળવ્યા છે. હાલના મંદિરનું રિનોવેશન કરીને શિખરની ઊંચાઈ 86 ફિટ 1 ઇંચ કરવાની ગણતરી છે. પહેલા તબક્કાનું કામ પૂર્ણથયા બાદ ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કાનાં કામો શરૂ કરવામાં આવશે. જેમાં મંદિર સિવાય આસપાસનું પરિસર પણ અત્યાધુનિક ઢબે વિકસાવવામાં આવશે. પાવાગઢ, અંબાજી, સોમનાથ અને દ્વારકાની જેમ જ આ મંદિરનો પણ ભવ્ય વિકાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૂન 2022માં વડાપ્રધાન મોદીએ પાવાગઢ શક્તિપીઠના શિખર પર ધજા લહેરાવી ઇતિહાસ રચ્યો હતો. 500 વર્ષોમાં PM મોદી પ્રથમ વ્યક્તિ હતા જેમણે પાવાગઢ મહાકાળીના મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું. આ મંદિરના વિકાસમાં પણ લગભગ ₹125 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ દરમિયાન PM મોદીએ એમ પણ કહ્યું હતું કે, “સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે.” ગુજરાત સરકારે વીતેલાં વર્ષોમાં અનેક યાત્રાધામોની કાયાપલટ કરી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી શરૂ થયેલાં આ કામો હજુ પણ યથાવત છે.