Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિશાળ ડોમ સુધી પહોંચવા રસ્તા બનાવાયા, હજારો સ્વયંસેવકો ખડેપગે રહેશે: અમદાવાદમાં બાગેશ્વર...

    વિશાળ ડોમ સુધી પહોંચવા રસ્તા બનાવાયા, હજારો સ્વયંસેવકો ખડેપગે રહેશે: અમદાવાદમાં બાગેશ્વર ધામ સરકારના દરબાર માટે તડામાર તૈયારીઓ, સુરતમાં અઢી લાખ લોકો આવશે 

    પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ઉતારા માટે જે બંગલો તૈયાર થઈ રહ્યો છે ત્યાંથી કથા મેદાન માત્ર 100 મીટરના અંતરે છે. 22 રૂમના આ નવાનક્કોર આ વિશાળ બંગલામાં બાગેશ્વર ધામના મહંત પોતાના સેવકો સાથે રોકાશે.

    - Advertisement -

    જાણીતા હિંદુ સંત અને બાગેશ્વર ધામના પીઠાધીશ મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી દિવસોમાં ગુજરાત આવનાર છે. અહીં અમદાવાદ, સુરત અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ ખાતે યોજાનાર બાગેશ્વર ધામ સરકારના આ દરબાર માટેની વ્યવસ્થા માટે વિશાળ ડોમ અને રસ્તાનું કામ ચાલુ છે તો બીજી તરફ સુરત અને રાજકોટમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

    અગામી તારીખ 29 અને 30 મેના રોજ અમદાવાદ ખાતે યોજાનાર બાગેશ્વર ધામના દિવ્ય દરબારની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે. દરબારના વિશાળ ડોમ સુધી પહોંચવામાં ભક્તોને અડચણ ન થાય તે માટે રસ્તાઓ પણ બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ બાગેશ્વર ધામના દરબારની તૈયારીઓમાં પાર્કિંગ, પાણી તેમજ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા માટે AMC મદદરૂપ થઈ રહ્યું છે.

    અમદાવાદ ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાય તે પહેલાં કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના વ્યાસપીઠ માટે ઍર કન્ડિશન ડોમ બનાવવાની કામગીરી તેના અંતિમ તબક્કામાં છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ઉતારા માટે જે બંગલો તૈયાર થઈ રહ્યો છે ત્યાંથી કથા મેદાન માત્ર 100 મીટરના અંતરે છે. 22 રૂમના આ નવાનક્કોર આ વિશાળ બંગલામાં બાગેશ્વર ધામના મહંત પોતાના સેવકો સાથે રોકાશે.

    - Advertisement -

    આ ઉપરાંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની તેમજ કથાસ્થળે આવનાર ભક્તગણોની સુરક્ષાને ધ્યાને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અંતર્ગત ચાણક્યપુરી મેદાન પર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે, ઉપરાંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ ઉપરાંત 500 ખાનગી બોડીગાર્ડ પણ મૂકવામાં આવશે. આ સિવાય અંદાજે 1500થી વધુ સ્વયંસેવકો સેવામાં હાજર રહેશે. સુરક્ષાને ધ્યાને રાખી બાબા બાગેશ્વરના મંચ પર માત્ર પોલીસ તેમજ સેવકો જ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

    CR પાટીલે લીધી રાજકોટના બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત

    ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાદ 1 અને 2 જૂનના રોજ રાજકોટ ખાતે પણ બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે. જેના માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા આપી હતી.

    ભાજપના પ્રમુખ પાટીલ સાથે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓએ પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેના બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને બાગેશ્વર ધામના દેવેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારના આગામી કાર્યક્રમની વિગતો મેળવી હતી.

    સુરત ખાતે યોજાનાર દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા

    નોંધનીય છે કે અગામી સમયમાં ગુજરાતના મુખ્ય શહેરોમાં બાગેશ્વર ધામના દિવ્ય દરબારો યોજવાના છે, જે અંતર્ગત અમદાવાદ પહેલા સુરતના લિંબાયતના નીલગીરી મેદાન ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે. ત્યારે 26 અને 27 મેના રોજ યોજવાના આ કાર્યક્રમમાં 6 રાજ્યોમાંથી 2.5 લાખ ભક્તો કથાશ્રવણ માટે હાજરી આપશે તેવી શક્યતા આયોજક સમિતિ દ્વારા દર્શાવવામાં આવી છે. આ કાર્યક્રમ માટે 10થી વધુ ગેટ બનાવાઈ રહ્યા છે. મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા તમામ ગેટ પર એમ્બ્યુલન્સ ઉભી કરવામાં આવશે, ઉપરાંત દર્શનાર્થીઓ માટે પાણી, કુલર અને પંખાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે. આ દરબારમાં 1000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. જેમાં DCP, ACP, પીઆઇ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓનો સમાવેશ કરાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં