સોશિયલ મીડિયાના ઈતિહાસમાં 20 એપ્રિલનો દિવસ હંમેશા માટે યાદ રાખવામાં આવશે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે પોતાની જાહેરાત પ્રમાણે લેગસી અકાઉન્ટ પરથી ફ્રી બ્લૂ ટિક હટાવી નાખી છે. પર્સનલ અકાઉન્ટ પર ફ્રી બ્લૂ ટિકનો સમયગાળો 20 એપ્રિલ સુધીનો જ હતો. એટલે 21 એપ્રિલ થતાં જ મોટી-મોટી હસ્તીઓના અકાઉન્ટ પરથી બ્લૂ ટિક ગાયબ થઈ ગઈ છે. ટ્વિટર પર બ્લૂ ટિક વેરિફિકેશન મેળવવું હોય તો આ માટે માસિક પેમેન્ટ કરવાનું રહેશે.
ભારતમાં પણ ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટિક ગાયબ થઈ ગયું છે જેમાં અભિનેતા અમિતાભ બચ્ચનથી લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ છે. આ હસ્તીઓના બ્લૂ ટિક જ તેમને ફેક અકાઉન્ટથી અલગ પાડવામાં મદદ કરતા હતા. જો તેમને ટ્વિટર પર બ્લૂ ટિક પાછું મેળવવું હોય તો ટ્વિટરે નિર્ધારિત કરેલી માસિક ફી ચૂકવવી પડશે.
અમિતાભ બચ્ચનથી લઈને યોગી આદિત્યનાથના બ્લૂ ટિક ગાયબ
એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે તેના વચન પ્રમાણે જે અકાઉન્ટ માસિક ફી નથી ચૂકવતા તેમના અકાઉન્ટ પરથી બ્લૂ ટિકને દૂર કર્યું હતું. બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ સહિતના સ્ટાર્સને બ્લૂ ટિક ગુમાવવી પડી છે. તો સીએમ યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા રાજકારણીઓ, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ક્રિકેટરોના અકાઉન્ટ પરથી પણ વેરિફાઈડ બ્લૂ ટિક હટાવી નાખવામાં આવી છે.
તો ટ્વિટર પરથી બ્લૂ ટિક ગુમાવનારી અન્ય હસ્તીઓમાં સિંગર બિયોન્સે, પોપ ફ્રાન્સિસ, ઓપ્રાહ વિન્ફ્રે, પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વગેરેનો સમાવેશ થાય છે. હાલ માત્ર કેન્દ્રીય મંત્રી, સાંસદ અને ગ્રે ટિક વાળા અકાઉન્ટ જ વેરિફાઈડ છે.
એક અહેવાલ મુજબ, ઓરિજનલ બ્લુ-ચેક સિસ્ટમ હેઠળ ટ્વિટર પર આશરે 3,00,000 વેરિફાઈડ યુઝર્સ હતા જેમાં ઘણાં પત્રકારો, એથ્લીટ્સ અને પબ્લિક ફિગરનો સમાવેશ થાય છે.
ટ્વિટર પર બ્લૂ ટિક મેળવવા ભરવો પડશે માસિક ચાર્જ
એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટર પર એક પછી એક ધરખમ ફેરફારો કર્યા હતા, જેમાં વેરિફાઈડ અકાઉન્ટ એટલે કે બ્લૂ ટિક મેળવવા માસિક પેમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. આના કારણે જેમના બ્લૂ ટિક થઈ ગયા હતા તેમને જોરદાર આંચકો લાગ્યો છે. હવે ટ્વિટર પર માત્ર કોઈ હસ્તી જ નહીં, પેમેન્ટ કરનાર દરેક વ્યક્તિને બ્લૂ ટિક આપવામાં આવશે. ટ્વિટર બ્લૂ માટે વેબથી પેમેન્ટ કરો તો તેની ફી 8 ડોલર (650 રૂપિયા) પ્રતિ મહિનો છે. iOS અને એન્ડ્રોઇડથી ઇન-એપ પેમેન્ટ કરનારાને દર મહિને 11 ડોલર (900 રૂપિયા) ભરવાના રહેશે.