Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘દીપોત્સવ’ દરમિયાન એકસાથે 15.76 લાખ દીવડા પ્રગટાવાયા, અયોધ્યામાં સ્થપાયો વિશ્વવિક્રમ: ‘ગિનિસ બુક...

  ‘દીપોત્સવ’ દરમિયાન એકસાથે 15.76 લાખ દીવડા પ્રગટાવાયા, અયોધ્યામાં સ્થપાયો વિશ્વવિક્રમ: ‘ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ અંકિત થયું 

  પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને મંત્રીઓની હાજરીમાં દીપોત્સવ યોજાયો, 'રામ કી પૈડી' પર એકસાથે 15.76 લાખ દીવડા પ્રગટાવાયા.

  - Advertisement -

  ગઈકાલે દિવાળીની પૂર્વસંધ્યાએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ગઈકાલે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામલલાના દર્શન કરી દીપોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ દીપોત્સવમાં અયોધ્યાએ ફરી એક વખત રેકોર્ડ તોડીને ‘ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ અંકિત કર્યું છે. 

  રવિવારે (23 ઓક્ટોબર 2022) અયોધ્યામાં ‘રામ કી પૈડી’ પર એકસાથે 15.76 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા બાદ અયોધ્યાએ પોતાનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. એકસાથે આટલી સંખ્યામાં તેલના દીવાનું પ્રદર્શન થયું હોય તેવી આ વિશ્વની પ્રથમ ઘટના હતી. 

  રામ કી પૈડી પ્રભુ શ્રીરામનું જન્મસ્થળ છે. અહીં 19 હજાર સ્વયંસેવકો, ભક્તો અને સ્થાનિક લોકોએ દીપ પ્રજ્વલિત કરવાનું કામ ઉપાડી લીધું હતું અને એકસાથે લાખો દીવડા પ્રગટાવીને ઇતિહાસ રચી દીધો હતો. 

  - Advertisement -

  દીપોત્સવ માટે અયોધ્યાનો સરયૂ ઘાટ તેમજ આસપાસના વિસ્તારને રંગબેરંગી લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો અને દીવડા પણ પ્રગટાવવામાં આવતાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. સ્થાનિકોએ કહ્યું કે, આ ક્ષણોના સાક્ષી બનીને તેઓ અભિભૂત થયા હતા. 

  અયોધ્યામાં દિવાળી પર્વે યોજાયેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત 21 ઓક્ટોબરના રોજ થઇ હતી અને 23 ઓક્ટોબરના રોજ દીપોત્સવના આયોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ અયોધ્યામાં દર વર્ષે દિવાળીએ આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે નગરી પોતાનો જ રેકોર્ડ તોડી દે છે.

  ગઈકાલે સરયૂ ઘાટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપ પ્રજ્વલિત કરી આ દીપોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તે પહેલાં તેમણે રામલલાના દર્શન કર્યા હતા તેમજ રાજા રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક પણ કર્યો હતો. ત્યારબાદ તેઓ સરયૂ નદીની આરતી કરવા પહોંચ્યા હતા. દીપોત્સવના શુભારંભ બાદ તેમણે લેઝર શૉ પણ નિહાળ્યો હતો. 

  પીએમ મોદીએ દીપોત્સવનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, જે ઝંઝાવાતોમાં મોટી-મોટી સભ્યતાઓના સૂર્ય અસ્ત થઇ ગયા ત્યાં આપણા દીપક સળગતા રહ્યા, પ્રકાશ આપતા રહ્યા અને એ તોફાનોને શાંત કરીને ફરી ઉદીપ્ત થઇ ઉઠ્યા. તેમણે કહ્યું કે, દિવાળીના દિપક આપણા માટે માત્ર એક વસ્તુ નથી પરંતુ ભારતના આદર્શો, મૂલ્યો અને દર્શનના જીવંત ઉર્જાપૂંજ છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં