Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકાનો દાવો: “અફઘાનિસ્તાનમાં કરેલી ડ્રોન સ્ટ્રાઈકમાં અલ-ઝવાહિરી હણાયો છે”; અગાઉ પણ આ...

    અમેરિકાનો દાવો: “અફઘાનિસ્તાનમાં કરેલી ડ્રોન સ્ટ્રાઈકમાં અલ-ઝવાહિરી હણાયો છે”; અગાઉ પણ આ પ્રકારના દાવાઓ થઇ ચૂક્યા છે

    અલ-કાયદાનો સહુથી મોટો નેતા અયમાન અલ-ઝવાહિરી અમેરિકા દ્વારા માર્યો ગયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓ કરી રહ્યા છે, પરંતુ અગાઉ પણ આવા દાવાઓ થઇ ચૂક્યા છે.

    - Advertisement -

    અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો છે કે ગત રવિવારે CIA દ્વારા કરવામાં આવેલી ડ્રોન સ્ટ્રાઈકમાં અલ-કાયદાના ટોચના આગેવાન અયમાન અલ-ઝવાહિરી મૃત્યુ પામ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના એબટાબાદમાં 2011માં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ અલ-ઝવાહિરીનું મૃત્યુ આ આતંકવાદી સંસ્થા માટે સહુથી મોટો ઝટકો છે.

    અમેરિકાના ન્યૂયોર્ક ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર પ્લેન દ્વારા તોડી પાડવા જેવા આંતકવાદી હુમલાની યોજનામાં પણ અલ-ઝવાહિરીની મોટી ભૂમિકા હતી. અલ-ઝવાહિરી ઈજીપ્તમાં સર્જન હતો અને તેના માથા પર 25 મિલિયન ડોલર્સનું ઇનામ પણ અમેરિકાએ રાખ્યું હતું.

    એક અમેરિકન અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં નોંધપાત્ર હાજરી ધરાવતા આ આતંકવાદી સંગઠનના આગેવાન વિરુદ્ધ ગત રવિવારે સવારે અમેરિકાએ ઓપરેશન હાથ ધર્યું હતું, જે સફળ રહ્યું હતું.

    - Advertisement -

    આ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઓપરેશન કરતા અગાઉ કાયદાકીય બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલુંજ નહીં પરંતુ ઘણા લાંબા સમયના વિચાર તેમજ યોજના બાદ તેના પર અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને અમેરિકાના ચીફ ઓફ મીલીટરી સ્ટાફ અને રાષ્ટ્રપતિ જો બાઇડને મંજૂરી આપી હતી.

    આ અધિકારીએ આગળ જણાવ્યું હતું કે આ એક પ્રિસિઝન સ્ટ્રાઈક હતી જેમાં અફઘાનિસ્તાનના એ સેફ હાઉસમાં રહેતા અલ-ઝવાહિરીના પરિવારને બિલકુલ પણ ઈજા નથી થઇ. અલ-ઝવાહિરી જ્યારે એ ઘરની બાલ્કનીમાં આવ્યો હતો ત્યારેજ તેના પર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. અધિકારીએ બાદમાં ઉમેર્યું હતું કે હજારો અમેરિકન નાગરીકો વિરુદ્ધ હિંસા આચરનાર તેમજ તેમનાં ખૂન કરનારને હણવામાં આવ્યો હોવાથી ન્યાય તોળાઈ ગયો છે.

    જો કે એ બાબતની પુષ્ટિ હજી સુધી થઇ નથી કે અમેરિકન સેના ગત વર્ષે સંપૂર્ણપણે અફઘાનિસ્તાનથી હટી ગઈ હતી તો આ ડ્રોન સ્ટ્રાઈક કેવી રીતે શક્ય બનાવવામાં આવી હતી. આ અગાઉ પણ અલ-ઝવાહિરીને મારી નાખવાના દાવાઓ અમેરિકાની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ તેના થોડા સમય બાદ અલ-ઝવાહિરી નવા વિડીયો સાથે વિશ્વભરના મિડિયામાં દેખા દેતો હતો.

    જો કે આ વખતે તાલીબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એ બાબતનો સ્વીકાર કર્યો છે કે ડ્રોન સ્ટ્રાઈક થઇ છે અને તાલીબાન આ બાબતની આકરા શબ્દોમાં ટીકા કરે છે. તેમણે આ સ્ટ્રાઈકને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે.

    તો તાલીબાનના આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યું હતું કે કાબુલમાં રવિવારે સવારે એક મોટો ધડાકો સંભળાયો હતો. શેરપુરમાં આવેલા એક આવાસ પર રોકેટે હુમલો કર્યો હતો, પરંતુ આ ઘર ખાલી હતું તેમ તેમણે જણાવ્યું હતું.

    અલ-ઝવાહિરી દ્વારા ભારતના આંતરિક મામલાઓમાં પણ દખલ દેવામાં આવી હતી. તેણે એક વિડીયો દ્વારા કર્ણાટકમાં થયેલા હિજાબ વિવાદમાં મુસ્કાન ખાનના વખાણ કર્યા હતા. ત્યારબાદ અલ-કાયદાએ ભારત વિરુદ્ધ યુદ્ધ શરુ કરવાની પણ ધમકી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં