26 જુલાઇના રોજ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ‘2024 ઓલમ્પિક્સ’નો વિધિવત આરંભ થવા જઈ રહ્યો છે. તેના થોડા જ કલાક પહેલાં ફ્રાન્સમાં (France) અફરાતફરીનો માહોલ છે. અહીં હાઇસ્પીડ રેલવે લાઇન નેટવર્ક પર હુમલા (Attack on Railway Lines) કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સેંકડોની સંખ્યામાં ટ્રેન ડાઇવર્ટ અને રદ કરવી પડી છે અને લાખો લોકોને અસર પહોંચી છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પેરિસ ઓલમ્પિક્સની ઓપનિંગ સેરેમનીને થોડા જ કલાક રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે લાઇન પર ક્યાંક તોડફોડ કરવામાં આવી છે તો ક્યાંક આગચંપીની પણ ઘટના બની છે. જેના કારણે પેરિસ જતી અનેક ટ્રેનને અસર પહોંચી છે અને લાખો યાત્રીઓ અટવાયા છે.
ફ્રાન્સની સરકારી રેલવે ઓપરેટર કંપની SNCF દ્વારા X પર એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે, “ફ્રાન્સમાં પૂર્વનિયોજિત કાવતરા સાથે થયેલાં કૃત્યોના કારણે અનેક હાઇસ્પીડ લાઈનને સર થઈ છે અને અનેક ટ્રેન કાં તો રદ કરવામાં આવી રહી છે અથવા ડાયવર્ટ થઈ રહી છે. અમારી ટીમ સ્ટેશનો અને કૉલ સેન્ટરો પર સક્રિય છે તેમજ ઓનબોર્ડ પણ તમામ યાત્રીઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને ઇમેઇલ, SMS અને વેબસાઈટના માધ્યમથી જાણકારી આપવામાં આવી રહી છે. તેઓ યાત્રા રદ કરી શકે છે, જેનો સંપૂર્ણ શુલ્ક રિફંડ કરી દેવામાં આવશે.”
⚠️ Due to coordinated acts of malice in France, affecting several high speed lines, several high speed trains are being diverted or cancelled.
— SNCF Voyageurs (@SNCFVoyageurs) July 26, 2024
Our teams are fully mobilised in stations, in the call centers, and onboard to ensure that all passengers are informed and can reach… https://t.co/IRXQK6lCtu
સોશિયલ મીડિયા પર વિડીયો અને તસવીરો ફરી રહ્યાં છે, જેમાં રેલવે સ્ટેશનો ઉપર મોટી સંખ્યામાં યાત્રીઓ જોવા મળે છે. ટ્રેન રદ થવાના કારણે મોટી સંખ્યામાં યાત્રીઓને અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારિક આંકડા અનુસાર કુલ 8 લાખ જેટલા યાત્રીઓ ઉપર આ અવ્યવસ્થાની અસર થઈ છે.
🇫🇷 ALERTE INFO – À quelques heures de la cérémonie d’ouverture des JO, la #SNCF est victime d’une "attaque massive d'ampleur pour paralyser" son réseau de TGV, avec des incendies volontaires. Le trafic sera "très perturbé" au moins tout le week-end. ⚠️ Il est demandé "à tous les… pic.twitter.com/pMrxUN8Ka4
— Mediavenir (@Mediavenir) July 26, 2024
રેલવે કંપનીએ જણાવ્યું કે, મધ્ય રાત્રિએ ઉપદ્રવીઓએ તોડફોડ શરૂ કરી હતી અને અનેક સિગ્નલ બોક્સ અને ઇલેક્ટ્રિસિટી ઇન્સ્ટોલેશનને નુકસાન પહોંચાડ્યું હતું. અમુક ઠેકાણે આગ પણ લગાવી દેવામાં આવી હતી અને કેબલ સળગાવી દેવાયા હતા. હુમલા એવી રીતે કરવામાં આવ્યા છે, જેથી પેરિસ સાથે દેશનાં બાકીનાં શહેરોની રેલ કનેક્ટિવિટીને અસર થાય. અનેક ઠેકાણે આવા હુમલા થવાના કારણે ફ્રાન્સમાં રેલ નેટવર્ક પર અસર પડી છે.
બીજી તરફ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ આ કૃત્યને અંજામ આપનારાઓને પકડવામાં લાગ્યા છે. વડાપ્રધાને એક પોસ્ટ કરીને કહ્યું કે, આ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે અને એજન્સીઓ હાલ ગુનેગારોને શોધી રહી છે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, રેલવેનું કામ પણ ચાલી રહ્યું છે પરંતુ કહેવાય છે કે સંપૂર્ણ રીતે સિસ્ટમને ઠીક થતાં હજુ એક-બે દિવસ લાગશે.
ઓલમ્પિક્સમાં કોઇ અસર ન પહોંચે તે માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ફ્રાન્સના રમત મંત્રીએ કહ્યું કે, મુસાફરો અને ખેલાડીઓને કેટલી અસર પહોંચી છે તેનું આકલન કરવામાં આવી રહ્યું છે અને સ્થળ સુધી પહોંચવા માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ, સુરક્ષામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
હુમલા પાછળ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, ફ્રાન્સ24ના રિપોર્ટમાં સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હુમલા પાછળ વામપંથી ઉપદ્રવીઓ અથવા તો પર્યાવરણ એક્ટિવિસ્ટો હોય શકે છે.