અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMCના) ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા એક ઉચ્ચ અધિકારી અને AMCની ટીમ પર હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ બુધવારે (25 ઓક્ટોબરે) મોડી સાંજે AMCની એસ્ટેટ વિભાગની ટીમ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે રોડ પરના દબાણ હટાવવા અને રખડતા ઢોરનો નિકાલ કરવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં એક સ્થાનિક નોનવેજની લારીવાળા સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ત્યાં સ્થાનિકોનો ટોળું પણ એકઠું થઈ ગયું હતું. બોલાચાલી ઉગ્ર બનતા નોનવેજની લારીવાળાએ લોકોના ટોળા સાથે ઉશ્કેરાઈ જઈને એસ્ટેડ વિભાગની ટીમ પર હુમલો કરી દીધો હતો. જેમાં ડેપ્યુટી કમિશનર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલા બાદ તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યારે આ ઘટનાને લઈને 2 વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો થયાની ઘટના બુધવારે (25 ઓક્ટોબરે) મોડી સાંજે બની હતી. અમદાવાદના શાહીબાગ વોર્ડમાં આવેલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા ગેટની બહારના ભાગે અનેક લારી-ગલ્લાઓનું ગેરકાયદેસર દબાણ થયું હતું. જેથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દબાણ દૂર કરવા અને રખડતા ઢોરનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ AMCની એસ્ટેટ વિભાગની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા.
Flash:
— Yuvraj Singh Mann (@yuvnique) October 25, 2023
Live visuals when the violence actually took place. Deputy #AMC Commissioner Ramya Bhatt suffered major injuries. #Gujarat #Ahmedabad https://t.co/vPEtRNRmCJ pic.twitter.com/8wKBjv13eo
જ્યાં એક નોનવેજની લારી હટાવવા બાબતે લારીવાળા સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિક ટોળા સાથે પણ ટીમનું ઘર્ષણ થયું હતું. જે બાદ નોનવેજની લારીવાળાએ સ્થાનિક ટોળા સાથે ડેપ્યુટી મ્યુનિસપલ કમિશનર રમ્ય ભટ્ટ અને તેમની ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં રમ્ય ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા
ઉગ્ર બોલાચાલી બાદ સ્થાનિક લોકોએ ડેપ્યુટી કમિશનર અને એસ્ટેડ વિભાગની ટીમના લોકોને ઘેરી લીધા હતા. ત્યારે સ્થાનિક નોનવેજની લારીવાળાએ ટોળા સાથે મળીને સીધો હુમલો કરી દીધો હતો. જેને લઈને ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા રમ્ય ભટ્ટને તાત્કાલિક ધોરણે અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક શાહીબાગ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
નોંધનીય છે કે રખડતા ઢોર અને વધતા દબાણની સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાસ રાત્રી ડ્રાઈવ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે ડેપ્યુટી કમિશનર એસ્ટેડ વિભાગની ટીમ સાથે ડ્રાઈવ પર નીકળ્યા હતા. જે બાદ આ ઘટના બનવા પામી હતી.
2 વ્યક્તિઓની થઈ ધરપકડ
આ ઘટના બન્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ શાહીબાગ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘરમાં ઘૂસીને બાતમીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ધરપકડ દરમિયાન બંને આરોપીઓ ભરપૂર નશાની હાલતમાં હતા. હાલ પોલીસે FIR નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ વિભાગ આ મામલે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.
જ્યારે બીજી તરફ હોસ્પિટલ ખસેડાયેલા ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમના ખબર-અંતર પૂછવા ગયા હતા. તેમણે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરી છે.