Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીકને આઠ, અશરફને પાંચ ગોળીઓ વાગી હતી: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું, બંનેને...

    અતીકને આઠ, અશરફને પાંચ ગોળીઓ વાગી હતી: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું, બંનેને પ્રયાગરાજના કબ્રસ્તાનમાં દફનાવાયા

    અતીકના ભાઈ અશરફને કુલ પાંચ ગોળીઓ વાગી હતી. જેમાંથી એક ગોળી ગળામાં, એક પીઠ પર વચ્ચે, એક કાંડા પર, એક પેટમાં અને એક કમરમાં વાગી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના માફિયા-ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ આજે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં બંનેનાં મોત ગોળી વાગવાના કારણે થયાં હોવાની પુષ્ટિ થઇ છે. અતીકને 8 ગોળી વાગી હતી જ્યારે અશરફને 5 ગોળીઓ વાગી હતી. 

    શનિવારે રાત્રે હત્યા બાદ રવિવારે બપોરે અતીક અહમદ અને અશરફના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે અતીક અહમદને કુલ 8 ગોળીઓ વાગી હતી. જેમાંથી માથામાં, ગરદનમાં, છાતીમાં અને કમરમાં ગોળીઓ વાગી હતી. તેને પહેલી ગોળી કપાળના ભાગે વાગી હતી, જે વિડીયોમાં પણ જોવા મળે છે. 

    અતીકના ભાઈ અશરફને કુલ પાંચ ગોળીઓ વાગી હતી. જેમાંથી એક ગોળી ગળામાં, એક પીઠ પર વચ્ચે, એક કાંડા પર, એક પેટમાં અને એક કમરમાં વાગી હતી. કુલ પાંચમાંથી ત્રણ ગોળીઓ અશરફના શરીરમાંથી મળી હતી, જ્યારે બે આરપાર થઇ ગઈ હતી. 

    - Advertisement -

    પ્રયાગરાજના કબ્રસ્તાનમાં દફનાવાયા, પત્ની-સગીર પુત્રો આવ્યા હતા 

    પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહો તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જેને પ્રયાગરાજ સ્થિત કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં બંનેને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. આ જ કબ્રસ્તાનમાં શનિવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીક અહમદના પુત્ર અસદને પણ દફનાવવામાં આવ્યો હતો. 

    અંતિમવિધિ દરમિયાન અતીકના બે સગીર પુત્રો તેમજ અશરફની પુત્રીઓ પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે અતીક અહમદના કુલ પાંચ પુત્રો છે. જેમાંથી બે જેલમાં છે, બે બાળ સુધાર ગૃહમાં જ્યારે એક અસદ તાજેતરમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. 

    અતીક અહમદની પત્ની શાઇસ્તા પણ ઘણા દિવસથી ફરાર ચાલી રહી હતી અને તે આજે કબ્રસ્તાન આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ તે આવી ન હતી. 

    શનિવારે કેમેરા સામે બંનેને ગોળી મરાઈ હતી 

    ઉલ્લેખનીય છે કે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે પ્રયાગરાજમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. બંનેને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા હતા અને તેઓ મીડિયા સાથે વાતચીત પણ કરી રહ્યા હતા ત્યારે અચાનક હત્યારાઓએ આવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો અને બંનેને સ્થળ પર જ મારી નાંખવામાં આવ્યા હતા. 

    અતીક-અશરફની ઉમેશ પાલ હત્યાકાંડ મામલે પૂછપરછ ચાલી રહી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં પ્રયાગરાજમાં ઉમેશ પાલની ધોળા દહાડે હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે અતીક, અશરફ અને અતીકના પુત્ર અસદ તેમજ તેમના સાગરીતોનાં નામ સામે આવ્યાં હતાં. આ કેસના કુલ પાંચ આરોપીઓ માર્યા ગયા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં