દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આફત વધતી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDને કેજરીવાલના ઘરેથી અમુક દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં અમુક ટોચના અધિકારીઓ વિશે અગત્યની જાણકારી એકઠી કરવામાં આવી રહી હતી. એજન્સીને આશંકા છે કે તેમના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી રહી હતી.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ગુરુવારે કેજરીવાલની ધરપકડ પહેલાં અધિકારીઓએ તેમના ઘરે કરેલી તપાસમાં લગભગ 150 પાનાનો દસ્તાવેજ મળી આવ્યો હતો, જેમાં EDના 2 ટોચના અધિકારીઓ વિશે ગુપ્ત અને અગત્યની વિગતો હોવાનું જાણવા મળ્યું છે. એજન્સીને શંકા છે કે કેજરીવાલ આ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા.
Big India Today Exclusive newsbreak!
— IndiaToday (@IndiaToday) March 22, 2024
Kejriwal was snooping on ED officials: Sources.
(@Sreya_Chattrjee)#ArvindKejriwal #ArvindKejriwalarrested #ED #AAP #ITVideo | @PoulomiMsaha pic.twitter.com/Fr6Y2g69VN
ગોપનીયતા અને સુરક્ષાના કારણે આ બંને અધિકારીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી, પરંતુ બંને એજન્સીના ટોચના અધિકારીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાંથી એક સ્પેશિયલ ડાયરેક્ટર રેન્કના તો બીજા એક જોઇન્ટ-ડાયરેક્ટર રેન્કના અધિકારી છે. જેમાંથી જોઇન્ટ ડાયરેક્ટર રેન્કના અધિકારી ગુરુવારની તપાસમાં સામેલ હતા.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, સર્ચ ઑપરેશન દરમિયાન આ ડોક્યુમેન્ટ જોઈને અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા. જે જોઇન્ટ ડાયરેક્ટર વિશેની વિગતો મળી આવી છે તેઓ હાલ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની તપાસ જોઈ રહ્યા છે તેમ પણ જાણવા મળ્યું છે. આ ડોક્યુમેન્ટમાં અધિકારીઓને લગતી વિગતો હોવાનું કહેવાય રહ્યું છે.
અધિકારીઓએ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચાડ્યો હોવાનું કહેવાય છે અને આગળ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્સ શું કામ બનાવવામાં આવ્યા અને કેજરીવાલ સુધી કઈ રીતે પહોંચ્યાં તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે. જોકે, તપાસની સંવેદનશીલતાને જોતાં હાલ અધિકારીઓ સત્તાવાર રીતે આ વિશે કશું કહેવાથી બચી રહ્યા છે.
કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે ED
ગુરુવારે ધરપકડ કર્યા બાદ કેજરીવાલને હવે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બીજી તરફ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પરત ખેંચી લીધી છે અને ટ્રાયલ કોર્ટમાં જ જવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં 9 વખત સમન્સ પાઠવ્યા બાદ કેજરીવાલ હાજર ન થતાં એજન્સી ગુરુવારે (21 માર્ચ) તેમના ઘરે પહોંચી ગઈ હતી અને ઉઠાવી લાવી હતી. 2 કલાકની પૂછપરછ બાદ રાત્રે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.