દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલ્યા છે. ધરપકડ બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી હતી. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આદેશ પસાર કર્યો છે.
કેજરીવાલને શુક્રવારે (22 માર્ચ) બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ લગભગ 2 કલાક સુનાવણી ચાલી હતી. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હવે રિમાન્ડ મંજૂર કરતો આદેશ પસાર કરવામાં આવ્યો છે. તેઓ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેશે. 28 માર્ચે બપોરે 2 વાગ્યે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
#BREAKING
— Live Law (@LiveLawIndia) March 22, 2024
Delhi Court remands Delhi Chief Minister Arvind Kejriwal to ED custody till March 28 in alleged liquor policy scam.
ED had sought 10 days of custody for Kejriwal. #ArvindKejriwal #ED pic.twitter.com/lcCvHJhstA
હવે જ્યારે કોર્ટે દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના (AAP) કન્વીનરને EDના રિમાન્ડ પર મોકલી દીધા છે, ત્યારે આશા બંધાઈ રહી છે કે બહુચર્ચિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ઘણા મોટા ખુલાસાઓ થઈ શકે છે. ED કેજરીવાલને કસ્ટડીમાં લઇને આગળની પૂછપરછ અને તપાસ કરશે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડના કિંગપિન, બધું તેમની દેખરેખ હેઠળ જ થયું: ED
કેજરીવાલના રિમાન્ડ માંગતી વખતે એજન્સી ED તરફથી કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલે દલીલો મૂકી હતી. તેમણે જણાવ્યું કે, કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. તેઓ પોલિસીના અમલીકરણમાં સીધી રીતે સામેલ હતા અને સાઉથ ગ્રૂપ સાથે પણ સાંઠગાંઠ હતી. તેમણે આ કેસના અન્ય એક આરોપી વિજય નાયરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તે આમ આદમી પાર્ટીનો મીડિયા ઈન્ચાર્જ હતો અને સાઉથ ગ્રુપ અને AAP વચ્ચે વચેટિયા (મિડલ મેન)ની ભૂમિકા ભજવી હતી. તેનું ઘર કેજરીવાલના ઘર પાસે જ આવેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે, સાઉથ ગ્રુપને લાભ પહોંચાડવા માટે કેજરીવાલે પૈસા માગ્યા હતા. આ જ કેસમાં સરકારી ગવાહ બની ગયેલા શરત રેડ્ડીના નિવેદનને ટાંકીને એજન્સીના વકીલે જણાવ્યું કે ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી મળેલી રકમમાંથી ₹45 કરોડ રૂપિયા 2021-22માં યોજાયેલી ગોવાની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે વાપરવામાં આવ્યા હતા. આ પૈસા કુલ 4 ઠેકાણેથી આવ્યા હોવાનું ખુલ્યું હતું.
આ દલીલો બાદ EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. EDના વકીલની દલીલો બાદ કેજરીવાલ તરફે કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી અને અન્યોએ પણ દલીલો રાખી હતી. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આદેશ પસાર કર્યો.
નોંધવું જોઈએ કે કેજરીવાલની ધરપકડ ગુરુવારે (21 માર્ચ) થઈ હતી. તે જ દિવસે દિલ્હી હાઈકોર્ટે તેમને ધરપકડથી રક્ષણ આપવાની ના પાડી. ત્યારબાદ સાંજે એજન્સી તેમના ઘરે પહોંચી અને ઉઠાવી લાવી હતી. તેમની લગભગ 2 કલાક જેટલી પૂછપરછ થઈ પરંતુ EDનું કહેવું છે કે તેમણે તપાસમાં પૂરતો સહયોગ આપ્યો નથી.