Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર હુમલાનો પ્રયાસ: ભાષણ દરમિયાન પાઇપ બૉમ્બ ફેંકાયો,...

    જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર હુમલાનો પ્રયાસ: ભાષણ દરમિયાન પાઇપ બૉમ્બ ફેંકાયો, એકની અટકાયત

    આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા લોકો પીએમ કિશિદાની તસ્વીર લેતાં જોવા મળે છે અને ધડાકો થતાં જ અફડાતફડી મચી જાય છે.

    - Advertisement -

    જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર એક સભામાં ભાષણ આપવા દરમિયાન જીવલેણ હુમલો થયો છે. જોકે, બૉમ્બ વિસ્ફોટ થાય ત્યાં સુધીમાં પીએમ કિશિદાને સુરક્ષિત બહાર ખસેડી લેવામાં આવ્યા હતા અને તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. મીડિયાના અહેવાલ અનુસાર, વાકાયામા શહેરમાં ભાષણ દરમિયાન જાપાનના પીએમ પર હુમલો થયો હતો. તેમની પાસે પાઈપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.

    જાપાનના પીએમ પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ વાકાયામામાં એક સભામાં ભાષણ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈએ તેમના પર સ્મોક બૉમ્બ ફેંક્યો હતો. કાર્યક્રમમાં જોરદાર બ્લાસ્ટ થતાં લોકો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા. જોકે, પીએમ કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે વાકાયામા બંદર પર એક વ્યક્તિની અટકાયત કરી છે.

    વિસ્ફોટ થતાં જ સભામાં અફડાતફડી મચી ગઈ

    રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટનો અવાજ એટલો વધારે હતો કે લોકો ભયભીત થઈ ગયા હતા અને આમથી તેમ ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા લોકો પીએમ કિશિદાની તસ્વીર લેતાં જોવા મળે છે અને ધડાકો થતાં જ અફડાતફડી મચી જાય છે. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ એક વ્યક્તિને જમીન પર દબોચતા જોઈ શકાય છે.

    - Advertisement -

    લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા પહોંચ્યા હતા પીએમ

    વડાપ્રધાન કિશિદા વાકાયામામાં સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા પહોંચ્યા હતા. તેઓ ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટની ઘટના બની હતી. કિશિદા પાસે પાઈપ જેવું કંઈક ફેંકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ કિશિદા વર્ષ 2021માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા.

    ગયા વર્ષે જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી હતી

    ઉલ્લેખનીય છે કે, ગત 8 જુલાઈ 2022ના રોજ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શિન્ઝો આબે પણ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેઓ જાહેર સભાને સંબોધિત કરી રહ્યા ત્યારે તેમને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. હુમલા બાદ તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. શિન્ઝો આબે જાપાનના સૌથી વધુ સમય સુધી સત્તા પર રહેનારા વડાપ્રધાન છે. વર્ષ 2020 માં તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની જે પક્ષનો પ્રચાર કરતી વખતે હત્યા થઈ, તે પક્ષે બાદમાં જાપાનની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી.

    પાઈપ બૉમ્બ શું છે?

    પાઇપ બૉમ્બ એ એક પ્રકારનું ઈમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) છે. આમાં એક પાઈપમાં વિસ્ફોટક પદાર્થોને ભરવામાં આવે છે અને પાઇપને બંને છેડાથી સીલ કરવામાં આવે છે. કેટલાક અહેવાલો અનુસાર, આ બૉમ્બનો ઉપયોગ દક્ષિણ એશિયામાં સક્રિય પાકિસ્તાની આતંકવાદી સંગઠનો કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં