આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ (Chandrababu Naidu) તાજેતરમાં એક સ્ફોટક દાવો કર્યો. તેમનું કહેવું છે કે અગાઉની જગન મોહન રેડ્ડીની સરકારે સુપ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં (Tirupati Temple) વહેંચવામાં આવતા પ્રસાદમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્વયં મુખ્યમંત્રીએ આ વાત કહેતાં મોટો વિવાદ સર્જાયો છે અને YSRCP અને જગન મોહન પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ વાયએસઆર કોંગ્રેસે આ આરોપો નકારી દીધા છે.
અમરાવતીમાં NDA ધારાસભ્યોની બેઠકમાં નાયડુએ આ વાત કહી હતી. તેમણે કહ્યું, “તિરુમાલા લાડુમાં પણ ઊતરતી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી હતી. તેમણે ઘીના સ્થાને પ્રાણીજ ચરબીનો ઉપયોગ કર્યો હતો.” તેમણે આગળ કહ્યું કે, હવે શુદ્ધ-ચોખ્ખા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને મંદિર પણ સ્વચ્છ કરી દેવામાં આવ્યું છે, જેથી ગુણવત્તામાં પણ ફેર પડ્યો છે.
CMના આ સંબોધનની ક્લિપ પછીથી આંધ્રના IT મંત્રી નારા લોકેશે પોતાના X અકાઉન્ટ પરથી અપલોડ કરી અને જગન મોહન રેડ્ડી સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, YSRCP સરકારે ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું હતું.
The lord venkateswara swamy temple at Tirumala is our most sacred temple. I am shocked to learn that the @ysjagan administration used animal fat instead of ghee in the tirupati Prasadam. Shame on @ysjagan and the @ysrcparty government that couldn’t respect the religious… pic.twitter.com/UDFC2WsoLP
— Lokesh Nara (@naralokesh) September 18, 2024
લોકેશે લખ્યું, “ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. જગન મોહન સરકારે તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીની ચરબી વાપરી હોવાનું જાણીને આઘાત લાગ્યો. જગન મોહન અને YSRCPએ શરમ કરવી જોઈએ. તેઓ કરોડો ભક્તોની લાગણીઓને માન પણ આપી શક્યા નહીં.”
બીજી તરફ, વાયએસઆર કોંગ્રેસે આ આરોપો નકારી દીધા છે અને ચંદ્રાબાબુ નાયડુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે. જગનની પાર્ટીના રાજ્યસભા સાંસદ વાયવી સુબ્બારેડ્ડીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડ્યું છે અને કરોડો હિંદુઓની આસ્થાને પણ ઠેસ પહોંચાડી છે. સાથે એમ પણ કહ્યું કે, રાજકીય લાભ મેળવવા માટે તેઓ ગમે તે સ્તર સુધી જઈ શકે છે.
VSRCP નેતાએ આગળ કહ્યું કે, “તિરુમાલા પ્રસાદ વિશે તેમની (CM નાયડુ) ટિપ્પણીઓ અત્યંત ઘૃણાજનક છે. શિષ્ટાચાર ધરાવતો કોઈ વ્યક્તિ આવાં નિવેદનો આપે નહીં કે આરોપો લગાવે નહીં. ફરી એક વખત સાબિત થયું છે કે ચંદ્રબાબુ રાજકીય લાભ મેળવવા માટે ગમે તે કરી શકે છે. ભક્તોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે હું મારા પરિવાર સાથે તિરુમાલા પ્રસાદ વિશે ભગવાન સમક્ષ શપથ લેવા માટે તૈયાર છીએ. શું ચંદ્રબાબુ તેમના પરિવાર સાથે આવું જ કરી શકે?”
નોંધનીય છે કે આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર વિશ્વનાં સૌથી પવિત્ર હિંદુ મંદિરો પૈકીનું એક છે, જ્યાં દર વર્ષે ભારતભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ નામના એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જે આંધ્ર સરકાર હેઠળ આવે છે. જે પ્રસાદની વાત થઈ રહી છે તે અહીં આવતા શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવે છે.