તાજેતરમાં આણંદના સામરખામાં એક હિંદુ યુવાન પર ત્રણ મુસ્લિમ યુવકોએ હુમલો કરી દીધો હતો. જેને લઈને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જેમાંથી એકનું નામ ફઝલ ઈલિયાસ મલેક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના શુક્રવારે (18 ઓગસ્ટ, 2023) રાત્રે બની હતી. યુવક પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સામરખાના ત્રણ મુસ્લિમ યુવાનોએ તેને ઉભો રાખીને બેટ વડે હુમલો કરી દીધો હતો. ઇજા પામેલા યુવકને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસની એક ટીમે હોસ્પિટલ પહોંચીને યુવકની ફરિયાદ મેળવી ગુનો દાખલ કર્યો હતો. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ફરિયાદમાં પીડિત યુવક કલ્પેશ ચૌહાણે (21) જણાવ્યું છે કે તે સામરખામાં તેના પરિવાર સાથે રહે છે અને નડિયાદ ખાતે ટોરેન્ટ કંપનીમાં નોકરી કરે છે. શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બાઈક લઈને સામરખા બસ સ્ટેન્ડ પાસે મિત્રોને મળવા મટે ગયો હતો. જ્યાંથી સાડા સાત-આઠ વાગ્યાના અરસામાં છૂટા પડીને ઘર તરફ પરત ફરતો હતો ત્યારે સામરખા અને ગોરખપુરા વચ્ચે તેના જ ગામના ફઝલ ઈલિયાસ મલેક અને અન્ય બે યુવકો બાઈક પર તેની પાછળ આવ્યા હતા.
તેમણે કલ્પેશને રોકીને ‘તું 15 ઓગસ્ટની રેલીમાં ડી.જે ઉપર ભગવા રંગનો ઝંડો કેમ લહેરાવતો હતો’ તેમ કહીને ફઝલ પોતાની પાસે રહેલું બેટ લઈને માર મારવા માંડ્યો હતો અને તેની સાથે આવેલા એકે હૉકી સ્ટિક વડે હુમલો કરી દીધો હતો. જેથી યુવક બાજુના ખેતરમાં પડી ગયો હતો. તે ઉભો થાય તેટલા સમયમાં હુમલો કરનારાઓ ભાગી ગયા હતા અને જતાં-જતાં મારી નાખવાની ધમકી આપતા ગયા હતા.
માર મારવાના કારણે યુવકને ઘૂંટણના ભાગે ઇજા પહોંચી હતી. છતાં તે ઉભો થઈને બાઈક પર પાછળ ગયો હતો પરંતુ તેઓ મળ્યા ન હતા. ત્યારબાદ તેણે ગામના જ એક પરિચિત વ્યક્તિને જાણ કરી હતી અને તેમણે તેના પરિજનોને જણાવ્યું હતું. જેઓ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
પોલીસે આ મામલે IPCની કલમ 323 (જાણીજોઈને ઇજા પહોંચાડવી), 506(2) (ગુનાહિત ધમકી) અને 114 (ગુના સમયે દુષ્પ્રેરક તરીકે હાજરી) હેઠળ ગુનો દાખલ કરીને ફઝલ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.