Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરાયું, સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં...

    ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરાયું, સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં ઘૂસી જઈને મચાવ્યું હતું હુડદંડ

    તેનું અકાઉન્ટ ખોલતાં ‘આપના વિસ્તારમાં આ પ્રોફાઈલ ઉપલબ્ધ નથી’નો અંગ્રેજી મેસેજ લખેલો જોવા મળે છે. 

    - Advertisement -

    ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંઘનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બૅન કરી દેવામાં આવ્યું છે. બે દિવસ પહેલાં તેના સમર્થકોએ અમૃતસરના એક પોલીસ મથકે ઘૂસી જઈને હુડદંગ મચાવ્યું હતું, ત્યારથી તે ચર્ચામાં છે. 

    ઇન્સ્ટાગ્રામ ઉપર અમૃતપાલ સિંઘનાં નામથી અનેક અકાઉન્ટ્સ હતાં, જેમાંથી તેના અધિકારીક અકાઉન્ટ sandhuamrit1984 પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેનું અકાઉન્ટ ખોલતાં ‘આપના વિસ્તારમાં આ પ્રોફાઈલ ઉપલબ્ધ નથી’નો અંગ્રેજી મેસેજ લખેલો જોવા મળે છે. 

    ઇન્સ્ટાગ્રામ પર અમૃતપાલ સિંઘનું અકાઉન્ટ ભારતમાં બૅન

    રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે પણ તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રતિબંધિત થયું હતું પરંતુ પછીથી બહાલ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે તેના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ્સ પર પહેલેથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

    - Advertisement -

    પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રતિબંધિત થયા બાદ અમૃતપાલ સિંઘની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે સરકાર પર ફાસીવાદ અપનાવવાનો આરોપ લગાવીને ધમકી ઉચ્ચારી છે. તેણે કહ્યું કે એક તરફ તેઓ અમને શાંતિપૂર્વક અને લોકતાંત્રિક રીતે અવાજ ઉઠાવવા માટે કહે છે અને બીજી તરફ અમારાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બૅન કરવામાં આવી રહ્યાં છે. તેણે કહ્યું કે, આ સ્થિતિમાં અમારે અવાજ ઉઠાવવા માટે બીજા રસ્તા શોધવા પડશે. જો તેઓ અમને દબાવવાના પ્રયાસ કરશે તો પરિણામો સારાં નહીં આવે. હું શીખ એક્ટિવિસ્ટો અને અન્ય લઘુમતી એક્ટિવિસ્ટોને આહવાન કરું છું.

    29 વર્ષીય અમૃતપાલ સિંઘ છેલ્લાં 10 વર્ષથી દુબઇ રહેતો હતો અને સપ્ટેમ્બરમાં જ ભારત આવ્યો છે. અહીં આવીને તેણે પોતાને દીપ સિદ્ધુએ સ્થાપેલા ‘વારિસ પંજાબ દે’ સંગઠનનો પ્રમુખ ઘોષિત કરી દીધો હતો. દીપ સિદ્ધુ એ જ વ્યક્તિ છે જેનું નામ ખેડૂત આંદોલન અને ખાસ કરીને લાલ કિલ્લા પર થયેલી હિંસામાં સામે આવ્યું હતું. 

    અમૃતપાલ સિંઘ ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંઘ ભિંડરાંવાલેનો સમર્થક છે અને અનેક વખત ખુલીને તેનું સમર્થન કરી ચૂક્યો છે તો ખાલિસ્તાનની પણ માંગણી કરતો રહ્યો છે. તેને સતત ભિંડરાંવાલેના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. 

    તાજેતરમાં એક યુવકના અપહરણ અને મારપીટનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે અમૃતપાલ સિંઘ અને તેના સાથી લવપ્રીત સિંઘ ઉર્ફે તૂફાન સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ તૂફાન સિંઘની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ અમૃતપાલે તેના સમર્થકોને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા અને ત્યારબાદ ટોળું ઘૂસી ગયું હતું. ટોળાની ધમાલ બાદ અને અમૃતપાલ સિંઘની ધમકી બાદ પોલીસે લવપ્રીતને છોડી પણ મૂક્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં