કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલ તેમના ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસ (Rahul Gandhi US Visit) દરમિયાન દર વખતની જેમ વિદેશની ધરતી પર જઈને ભારતના મુદ્દાઓ વિશે વિવાદાસ્પદ નિવેદનો કર્યાં હતાં. અહીં તેમણે અમુક વિવાદિત વ્યક્તિઓ સાથે પણ મુલાકાત કરી, જેમાં ભારતવિરોધી અને હિંદુવિરોધી અમેરિકી મહિલા સાંસદ ઈલ્હાન ઉમરનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીનાં શીખો, જાતિગત જનગણના અને અનામત મુદ્દેનાં નિવેદનોનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે ત્યાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ પણ રાહુલને આડેહાથ લીધા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) અને રક્ષામંત્રી રાજનાથ સિંઘ (Rajnath Singh) સહિતના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધી પર દેશની સુરક્ષા અને લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો અને તેમના યુએસમાં આપેલા ભાષણોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યાં હતાં.
‘રાહુલ ગાંધીએ દેશની સુરક્ષાને ઠેસ પહોંચાડી છે…’
X પર પોસ્ટ કરતાં ગૃહમંત્રી શાહે લખ્યું હતું કે, “રાષ્ટ્રવિરોધી વાતો કરવી અને દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલી શક્તિઓ સાથે ઊભા રહેવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં JKNCના રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને સમર્થન આપવાની બાબત હોય કે, વિદેશી મંચો પર ભારત વિરોધી નિવેદનો આપવાની બાબત હોય, રાહુલ ગાંધીએ હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.”
देशविरोधी बातें करना और देश को तोड़ने वाली ताकतों के साथ खड़े होना राहुल गाँधी और कांग्रेस पार्टी की आदत सी बन गई है। चाहे जम्मू-कश्मीर में JKNC के देशविरोधी और आरक्षण विरोधी एजेंडे का समर्थन करना हो, या फिर विदेशी मंचों पर भारत विरोधी बातें करनी हो, राहुल गाँधी ने देश की सुरक्षा…
— Amit Shah (@AmitShah) September 11, 2024
તેમણે એમ પણ લખ્યું હતું કે ભાષાથી ભાષા, પ્રદેશથી પ્રદેશ અને ધર્મથી ધર્મના ભેદભાવની વાત રાહુલ ગાંધીની વિભાજનકારી વિચારસરણી દર્શાવે છે. વધુમાં તેમણે કહ્યું કે, “દેશમાંથી અનામત નાબૂદ કરવાની વાત કરીને રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો દેશની સામે લાવી દીધો છે. મનમાં રહેલા વિચારો અને વિચારસરણી હંમેશા કોઈને કોઈ માધ્યમથી બહાર આવે જ છે.”
તેમણે આગળ કહ્યું કે, “હું રાહુલ ગાંધીને જણાવી દેવા માંગું છું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ સ્પર્શી શકશે નહીં અને દેશની એકતા સાથે કોઈ રમત રમી શકશે નહીં.”
‘રાહુલની વાતો પાયાવિહોણી..’
રાહુલ ગાંધીના નિવેદનો માટે રક્ષામંત્રી રાજનાથ સિંઘે પણ તેમની અકારી ટીકા કરી હતી અને રાહુલની વાતોને પાયાવિહોણી કહી હતી. રાજનાથ સિંઘે X પર પોસ્ટ કરી હતી.
लोकसभा में नेता प्रतिपक्ष श्री राहुल गांधी अपने विदेश दौरे के दौरान जिस तरह की भ्रामक, निराधार और तथ्यहीन बातें कर रहे हैं, वह बेहद शर्मनाक और भारत की गरिमा को ठेस पहुँचाने वाली हैं। उन्होंने कहा है कि भारत में सिख समाज को गुरद्वारों में पगड़ी पहनने की इजाज़त नहीं है, उन्हें…
— Rajnath Singh (@rajnathsingh) September 11, 2024
રક્ષામંત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે, “લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જે પ્રકારની ભ્રામક, પાયાવિહોણી અને તથ્યહીન વાતો કહી રહ્યા છે તે અત્યંત શરમજનક છે અને ભારતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં શીખ સમુદાયને ગુરુદ્વારામાં પાઘડી પહેરવાની મંજૂરી નથી, તેમને તેમના સંપ્રદાય મુજબ વર્તન કરવાથી રોકવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે પાયાવિહોણું અને સત્યથી વિપરીત છે.”
આગળ તેમણે શીખ સમુદાય માટે આપેલા રાહુલના નિવેદન અંગે કહ્યું હતું કે, “ભારતની સંસ્કૃતિના રક્ષણમાં શીખ સમુદાયની મહાન ભૂમિકાને સમગ્ર દેશ જાણે છે અને તેનું સન્માન પણ કરે છે. તેમના વિશે આવા ઉપજાવી કાઢેલાં નિવેદનો કરવાં એ વિપક્ષના નેતાને શોભતું નથી.” PM મોદીએ અનામત વ્યવસ્થાને મજબૂત કરી છે એમ કહેતા રક્ષામંત્રીએ કહ્યું હતું કે, “NDA સરકાર અનામત નાબૂદ કરવા માંગે છે તેવો રાહુલનો દાવો પણ સંપૂર્ણપણે પાયાવિહોણો છે.”
‘ખોટી રજૂઆતોથી દૂર રહે રાહુલ…’
આગળ તેમણે કહ્યું હતું કે, “એ જ રીતે, ભારત-ચીન સરહદ વિવાદને લઈને તેણે અમેરિકાની ધરતી પર જે પ્રકારના દાવા તેમણે કર્યા છે તે પણ ભ્રામક અને તથ્યોવિહોણા લાગે છે. એમ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી મોહબ્બતની દુકાન ચલાવતાં-ચલાવતાં જુઠ્ઠાણાંની દુકાન ખોલીને બેસી ગયા છે.”
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાહુલ ગાંધીએ શીખ ધર્મ અંગે અનામત અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. ઉપરાંત તેઓ ચીનનું સમર્થન કરતા પણ જોવા મળ્યા હતા. આ નિવેદનોના પગલે પછીથી રાહુલ ગાંધીએ ઘણા વિવાદોનો સામનો પણ કરવો પડ્યો. આમ જોવા જઈએ તો રાહુલ જેટલી વાર વિદેશ યાત્રા પર જાય છે ત્યારે વિદેશોની ધરતી પર ભારત વિશે એલફેલ બોલતા જ દેખાય છે.