અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા કરી નાંખવામાં આવી છે. ઇન્ડિયાનામાં પર્ડ્યુ યુનિવર્સીટી કેમ્પસમાં મંગળવારે (4 ઓક્ટોબર 2022) એક ભારતીય મૂળના 20 વર્ષીય વિદ્યાર્થી વરૂણ છેડાની હત્યા કરી નાંખવામાં આવી હતી. ભારતીય વિદ્યાર્થીની હત્યા મામલે તેના કોરિયન રૂમમેટને હિરાસતમાં લેવામાં આવ્યો છે.
વરૂણ ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. મંગળવારે રાત્રે તેનો મૃતદેહ યુનિવર્સીટીના એક હોલમાંથી મળી આવ્યો હતો. તેની હત્યા ઇમારતના પહેલા માળે આવેલા તેના રૂમમાં થઇ હોવાનું અનુમાન છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વરૂણ છેડાનું મોત જીવલેણ ઘાના કારણે થયું હતું.
રિપોર્ટ અનુસાર, મૃતક વરૂણના મિત્રે કહ્યું હતું કે, મંગળવારે તે મિત્રો સાથે ઓનલાઇન વાતચીત કરી રહ્યો હતો અને ગેઇમ રમી રહ્યો હતો. ત્યારે અચાનક તેમને કોલ પર ચીસો સંભળાઈ હતી. જોકે, તેના મિત્રો સમજી શક્યા ન હતા કે ત્યાં શું થઇ રહ્યું છે. ત્યારબાદ બુધવારે સવારે વરૂણના મૃત્યુ અંગે જાણવા મળ્યું હતું.
પોલીસે આ અંગે જાણકારી આપતાં કહ્યું છે કે, તેમને મંગળવારે મોડી રાત્રે આ બાબતની જાણકારી મળી હતી. જે જાણકારી વરૂણના કોરિયન રૂમમેટ જિમી શાએ જ આપી હતી. જોકે, પોલીસે તેને જ કસ્ટડીમાં લઇ લીધો હતો અને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. તેણે જ હત્યા કરીને પોલીસને જાણ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ મામલે યુનિવર્સીટી તરફથી ચેરમેન મિચ ડેનિયલ્સે કહ્યું કે, વરૂણનું મોત દુઃખદ છે, જે કલ્પનામાં પણ આવતું નથી એવું ઘટી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકામાં ભારતીયોની હત્યા થઇ હોવાના બે કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલાં કેલિફોર્નિયામાં એક ભારતીય શીખ પરિવારના ચાર સભ્યોનું અપહરણ કરી લીધા બાદ તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી, જેમાં એક આઠ મહિનાની બાળકી પણ સામેલ હતી.
બે ભાઈઓ, એક મહિલા અને એક બાળકી એમ ચાર વ્યક્તિઓને બંદૂકની અણીએ બંધક બનાવવામાં આવ્યા હતા અને વારાફરતી કારમાં લઇ જવામાં આવ્યા હતા. પહેલાં તેમના ગુમ થયાના સમાચાર મળ્યા હતા, પરંતુ આજે સવારે મૃતદેહો પણ મળી આવ્યા હતા.
આ મામલે પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી હતી. જોકે, હત્યા પાછળનો મકસદ આ લખાય રહ્યું છે ત્યાં સુધી જાણી શકાયો નથી.