મીડિયા સંસ્થા ‘ઇકોનોમિક ટાઇમ્સે’ તાજેતરમાં એક લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં ભારતીય અર્થવ્યવસ્થા વિશે વાત કરવામાં આવી છે અને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે આવનાર સમયમાં આર્થિક મોરચે સ્થિતિ થોડી તંગ જોવા મળી શકે છે. મૂળ મુદ્દો એ નથી, મૂળ વાત એ છે કે આ અનુમાન પુરુષોની ચડ્ડીના કથિત રૂપે ઘટતા વેચાણને લઈને લગાવવામાં આવ્યું છે. જે માટે અમેરિકન ઈકોનોમિસ્ટ એલન ગ્રીનસ્પાન દ્વારા અપાયેલી એક થિયરી ધ્યાને લેવાઈ છે.
ઇકોનોમિક ટાઈમ્સના આ લેખનું શીર્ષક છે- ‘ઘટી રહ્યું છે પુરુષોના અન્ડરવેરનું વેચાણ, શું ઈકોનોમીને લાગશે ઝાટકો?’ લેખમાં યુએસ ફેડરલ રિઝર્વના એલન ગ્રીનસ્પાનને ટાંકવામાં આવ્યા છે જેમણે કહ્યું છે કે પુરુષોના અન્ડરવેરના વેચાણનો આંકડો એક અગત્યનો સૂચક છે.
ETના લેખમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીનસ્પાન માને છે કે અન્ડરવેર પુરુષોનું સૌથી પ્રાઇવેટ કપડું હોય છે અને છુપાયેલું હોય છે. જેથી જ્યારે વોલૅટ પર માર પડવાનું શરૂ થાય ત્યારે તેઓ નવી ચડ્ડી ખરીદવાનું બંધ કરી દે છે. જેના થકી આવનાર સમયમાં મંદી કે આર્થિક સુસ્તીના સંકેત મળે છે.
જોકે, ETએ જે હમણાં કર્યું તે ‘ધ પ્રિન્ટ’ના સંસ્થાપક શેખર ગુપ્તા વર્ષો પહેલાં કરી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણી પછી જ્યારે મોદી ફરી વડાપ્રધાન બન્યા ત્યારે શેખર ગુપ્તાના ધ પ્રિન્ટે ભારતીય અર્થવ્યવસ્થા ડામાડોળ હોવાનું સાબિત કરવા માટે પુરુષોના અન્ડરવેરના મેન્યુફેક્ચરર અને રિટેલર્સનો સંપર્ક કરીને એક લેખ લખ્યો હતો, જેનું શીર્ષક આવું હતું- Indians are not buying underwear. That’s how bad the economy is. (ભારતીયો અન્ડરવેર (પણ) ખરીદીદી રહ્યા નથી. એટલી ખરાબ છે અર્થવ્યવસ્થા.)
જોકે, ‘ધ પ્રિન્ટ’ના ચડ્ડીના વેચાણ પરના આ ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ’ના થોડા સમય પહેલાં ETએ આવો જ એક વધુ આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમાં પણ એ જ એલન ગ્રીનસ્પાનને ક્વોટ કરવામાં આવ્યા હતા.
એલન ગ્રીનસ્પાન અને અન્ડરવેરના વેચાણનું ટ્રેકિંગ
ગ્રીનસ્પાન વર્ષોથી દુનિયાના અર્થતંત્ર વિશે અનુમાનો લગાવવા માટે પુરુષોના અન્ડરવેરનું ટ્રેકિંગ કરતા રહે છે. અનેક રિપોર્ટ્સ મળી જશે જેમાં તેમણે આ પ્રકારની વાતો કહી હોય.
માર્ચ 2022માં ગ્રીનસ્પાનને ટાંકીને CNNએ એક રિપોર્ટ છાપ્યો હતો, જેમાં પણ લથડતી અર્થવ્યવસ્થા માટે પુરુષોના અન્ડરવેરને જવાબદાર ગણાવાયાં હતાં.
માર્ચ 2016માં ગ્રીનસ્પાને ફરી પુરુષોના અન્ડરવેર વિશે અભ્યાસ કરીને તારણ કાઢ્યું કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે, કારણ કે પુરુષોના અન્ડરવેરનું વેચાણ વધ્યું છે.
દરમ્યાન, ઓક્ટોબર 2009નો NYMagનો એક લેખ પણ સામે આવ્યો જેમાં ગ્રીનસ્પાનની આ અન્ડરવેર થિયરીની ટીકા કરવામાં આવી હતી. જેની પરથી ખ્યાલ આવે છે કે આ થિયરી નવી નથી અને 70ના દાયકામાં તેમણે આ થિયરી મૂકી હતી. એનો અર્થ એ થાય કે તેઓ 40 વર્ષથી તેઓ અન્ડરવેરના વેચાણનું ટ્રેકિંગ કરતા આવ્યા છે.