Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીની મનપા ચૂંટણીમાં પાર્ટીને ન મળી એકેય બેઠક, પણ કર્ણાટકમાં ભાજપની હાર...

    યુપીની મનપા ચૂંટણીમાં પાર્ટીને ન મળી એકેય બેઠક, પણ કર્ણાટકમાં ભાજપની હાર પર ખુશીઓ મનાવતા જોવા મળ્યા અખિલેશ યાદવ: ટ્વિટર પર લોકોએ મજાક ઉડાવી 

    એક તરફ પોતાની પાર્ટીએ ચૂંટણીમાં આટલું કંગાળ પ્રદર્શન કર્યું હોવા છતાં આ ગમ વિસરવા માટે યુપીના પૂર્વ સીએમ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. 

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે આજે ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થયાં. મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ચારેકોર ભગવો લહેરાવ્યો છે, બીજી તરફ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ થોડીઘણી બેઠકો જીતી છે તો કોંગ્રેસનાં સૂપડાં સાફ થઇ ગયાં છે. 

    મહાનગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 17 બેઠકો પર જીત મેળવી છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી ખાતું પણ ખોલી શકી ન હતી. એક તરફ પોતાની પાર્ટીએ ચૂંટણીમાં આટલું કંગાળ પ્રદર્શન કર્યું હોવા છતાં આ ગમ વિસરવા માટે યુપીના પૂર્વ સીએમ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. 

    અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું, ‘કર્ણાટકનો સંદેશ એ છે કે ભાજપની નકારાત્મક, સાંપ્રદાયિક, ભ્રષ્ટાચારી, અમીરોન્મુખી, મહિલા-યુવા વિરોધી, સામાજિક-ભાગલા અને ખોટા પ્રચારવાળી વ્યક્તિવાદી રાજનીતિનો ‘અંતકાળ’ શરૂ થઈ ગયો છે.’ તેઓ આગળ લખે છે, ‘આ નવા સકારાત્મક ભારતનો મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને વૈમનસ્ય વિરુદ્ધ કડક જનાદેશ છે.’

    - Advertisement -

    યુપીમાં ખાતું પણ ન ખોલી શકેલા અખિલેશ યાદવ કર્ણાટક ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધનો જનાદેશ શોધવા જતાં સોશિયલ મીડિયા પર લોકોએ ખિલ્લી ઉડાવી હતી અને યુપીનાં પરિણામો યાદ કરાવ્યાં હતાં. 

    અવિનાશ શ્રીવાસ્તવે અખિલેશને પૂછ્યું કે શું તેમને યુપીનો શું સંદેશ છે તે ખબર પડી છે કે નહીં?

    એક વ્યક્તિએ લખ્યું કે, સંદેશ તો ઉત્તર પ્રદેશે પણ આપ્યો છે, તેની પર તેમણે કશુંક બોલવું જોઈએ. 

    અન્ય એક યુઝરે અખિલેશને ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ ગણાવ્યા અને કહ્યું કે, તેઓ કર્ણાટક વિશે વાત કરવાનું માંડી વાળીને યુપી વિશે કંઈ બોલે, જ્યાં તેમની પાર્ટીએ ખરાબ પ્રદર્શન કર્યું છે. 

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, આટલું બધું જ્ઞાન આપવા પહેલાં મેયરની એક બેઠક તો જીતવી જોઈતી હતી. 

    ઉત્તર પ્રદેશ મૂકીને કર્ણાટક પર ધ્યાન આપતા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં વીરેન્દ્ર તિવારી નામના વ્યક્તિએ લખ્યું કે, કર્ણાટકમાં સપાનો મુખ્યમંત્રી બનવા પર હાર્દિક અભિનંદન, યુપીની ચૂંટણી તો આમ જ હતી, તેનું કોઈ મહત્વ નથી. 

    અન્ય એક યુઝરે કટાક્ષ કરીને હવે અખિલેશ યાદવ યુપી છોડીને કર્ણાટકમાં ચૂંટણી લડવા જશે તેમ લખ્યું હતું. 

    ઘણા લોકોએ અખિલેશ યાદવને યુપીનાં પરિણામો જોઈ લેવા માટે સલાહ આપી હતી તો ઘણાએ આ પરિણામો શૅર કરીને તેમની મજાક પણ ઉડાડી હતી.  

    ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ બે તબક્કામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાની 17માંથી તમામ 17 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે 199 નગરપાલિકાઓમાંથી 98 પર ભાજપ, 39 પર સપા અને 17 પર બસપાની જીત થઇ છે. જ્યારે 544 નગર પંચાયત બેઠકોમાંથી 205 પર ભાજપની જીત થઇ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં