T20 વર્લ્ડ કપ જીત્ય બાદ ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાં બેરીલ નામના ચક્રવાતમાં ફસાઈ છે. ભયંકર વાવાઝોડાને પગલે એરપોર્ટ બંધ કરીને તમામ ફલાઈટો રદ કરી દેવામાં આવી છે. જેના પગલે ભારતીય ક્રિકેટ ટીમ, BCCIના અધ્યક્ષ સહિતના અધિકારીઓ અને કેટલાક ભારતીય મીડિયાકર્મીઓ પણ બાર્બાડોસમાં ફસાઈ ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમને 1 તારીખે સ્થાનીય સમયાનુસાર 11 વાગ્યે (ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યે) બાર્બાડોસથી ન્યુયોર્ક માટે રવાના થવાનું હતું.
ન્યુયોર્કથી તેમને કનેક્ટિંગ ફ્લાઈટ પકડીને દુબઈ અને દુબઈથી ભારત આવવાનું હતું. જોકે ભીષણ વાવાઝોવા વચ્ચે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ટીમને બાર્બાડોસમાં જ રહેવા મજબૂર થવું પડ્યું છે. નોંધનીય છે કે એટલાન્ટીક મહાસાગરમાં ઉત્પન થયેલું વાવાઝોડું બેરીલ હવે લેવલ-4નું વાવાઝોડું બની ચુક્યું છે, જેના પગલે 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર બાર્બાડોસમાં અન્ય સ્થાનો સાથે-સાથે તે હોટલ પણ વાવાઝોડાથી પ્રભાવિત થઇ છે, જ્યાં ભારતીય ટીમ રોકાઈ છે.બીજી તરફ BCCI પણ ભારતીય ટીમ અને પોતાના અધિકારીઓને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
અહેવાલો અનુસાર વધુ ચિંતાજનક બાબત તે છે કે ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાં જે હોટલમાં રોકાઈ છે, તે હોટલ દરિયાકાંઠે આવેલી છે. BCCIના સેક્રેટરી જય શાહ પણ ટીમ ઇન્ડિયા સાથે આ જ હોટલમાં ફસાયા છે અને તેઓ સતત ભારતીય ક્રિકેટ ટીમને તેમના પરિવાર સાથે હેમખેમ સ્વદેશ લાવવા પ્રયત્નશીલ છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCI એક સ્પેશ્યલ ફ્લાઈટ દ્વારા ટીમ ઇન્ડિયાને બાર્બાડોસથી દિલ્હી લાવવા પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ખરાબ હવામાનના કારણે તે પણ શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે લગભગ 17 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. આ પહેલા વર્ષ 2007માં ભારતને આ સિદ્ધિ મળી હતી. ત્યારે હવે વર્ષ 2024માં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. જોકે જીત મળ્યા બાદ તરત જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ T20 ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.