Friday, June 9, 2023
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટધો ડાલા!: રસાકસીભરી મેચ બાદ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સમરાંગણ; અફઘાનોએ પાકિસ્તાનીઓને...

  ધો ડાલા!: રસાકસીભરી મેચ બાદ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સમરાંગણ; અફઘાનોએ પાકિસ્તાનીઓને દોડાવી દોડાવીને માર્યા

  ગઈકાલ રાત્રીની રસાકસીભરી મેચ બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ફેન્સ વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની અંદર હિંસક ઝઘડો થયો હતો.

  - Advertisement -

  રમતને રમતની રીતે લેવી જોઈએ અને રમતમાં હાર-જીત ચાલતી રહેતી હોય છે આવું આપણે ઘણી વખત મોટાં ગજાના ક્રિકેટરો પાસેથી સાંભળતા હોઈએ છીએ, પરંતુ ફેન્સમાં આ પ્રકારની ભાવના ક્યારેક જ જાગૃત થતી હોય છે. ગઈકાલે રાત્રે એશિયા કપની પાકિસ્તાન વિ. અફઘાનિસ્તાનની મેચ છેક છેલ્લી ઓવરે પરિણામ લાવી શકી હતી. પરંતુ ત્યારબાદ જે બન્યું એ ખરેખર શરમજનક હતું. અફઘાનિસ્તાનની હાર બાદ તેના ફેન્સ ગુસ્સામાં એટલા બધા આક્રમક બની ગયા હતા કે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની અંદર અને બહાર તેમણે પાકિસ્તાની સપોર્ટર્સની સારીપેઠે ધોલાઈ કરી દીધી હતી.

  પહેલા બેટિંગ કરતાં સુંદર શરૂઆત મળવા છતાં અફઘાનિસ્તાન 20 ઓવર્સમાં ફક્ત 129 રન્સ જ બનાવી શક્યું હતું. પરંતુ લડાયક રમત માટે જાણીતા અફઘાનિસ્તાને સુંદર બોલિંગ કરીને પાકિસ્તાનને સમગ્ર મેચમાં દબાણ હેઠળ રાખ્યું હતું અને છેલ્લી ઓવરમાં જ્યારે પાકિસ્તાનને જીતવા માટે 11 રન જોઈતા હતા અને તેની ફક્ત એક જ વિકેટ પડવાની બાકી હતી ત્યારે ફઝલહક ફારૂકીના પહેલા જ બે બોલમાં દસ નંબરે બેટિંગ કરવા આવેલા નસીમ શાહે બે સિક્સર ફટકારી દેતાં પાકિસ્તાનનો ચમત્કારિક વિજય થયો હતો.

  આમ અફઘાનિસ્તાનના મોઢાંમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હતો અને એવું લાગ્યું હતું કે અફઘાનિસ્તાનના ફેન્સ જેઓ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની અંદર બેઠાં હતાં તેઓ આ આઘાત પચાવી શક્યા નહીં અને સ્ટેડિયમની અંદર રહેલા અને વિજય મનાવી રહેલા પાકિસ્તાનીઓ પર તેમણે પહેલાં તો સ્ટેડિયમની ખુરશીઓ ઉખાડીને ફેંકવાનું શરુ કરી દીધું હતું. આ અંગેનો એક વિડીયો પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વિટ કર્યો હતો અને તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટના અધિકારી શફીક સ્ટાનકઝાઈને ક્વોટ કરીને પોતાના ફેન્સને હાર કેમ પચાવવી તે શીખવાડવાનું કહ્યું હતું.

  - Advertisement -

  ફક્ત શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની અંદર જ નહીં પરંતુ બહાર પણ અફઘાનીઓએ પાકિસ્તાનીઓ પર કોઈજ દયા દાખવી ન હતી. જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે એક વિડીયો ટ્વિટ કર્યો હતો જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે શારજાહની સડકો પર અફઘાનિસ્તાન ટીમના સમર્થકો હિંસક બની ગયા હતા અને તેમણે એક પાકિસ્તાનીને ભારે ટ્રાફિક વચ્ચે અત્યંત ખરાબ રીતે માર્યો હતો.

  મેચ દરમ્યાન પણ બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ગુસ્સો આસમાને જોવા મળ્યો હતો. જ્યારે આસિફ અલી એક મહત્વના સમયે આઉટ થયો હતો અને ડગ આઉટ તરફ જઈ રહ્યો હતો ત્યારે અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહમદે તેને કશું કહ્યું હોય એમ લાગ્યું હતું. આસિફ અલી પરત ફર્યો હતો અને તેણે ફરીદ અહમદ તરફ પોતાનું બેટ પણ ઉગામ્યું હતું. આ બંને વચ્ચેની બોલાચાલી કોઈ હિંસકરૂપ ન લઈલે તે રોકવા અમ્પાયરો વચ્ચે પડ્યા હતા. આસિફ અલીના ડગ આઉટ તરફ ફરીથી જવા બાદ પણ ફરીદ અહમદ તેને ગુસ્સામાં જોઈ રહ્યો હોવાનું પણ જોવા મળ્યું હતું.

  એક ક્રિકેટ મેચ બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સમર્થકો એકબીજા સાથે હિંસક બન્યા હોય તેવો આ પહેલો પ્રસંગ નથી. 2019ના વર્લ્ડ કપની હેડીન્ગલે ખાતેની મેચ બાદ પણ આ બંને જૂથો સામસામે આવી ગયા હતા અને હિંસા આચરી હતી. આ મેચ પણ અફઘાનિસ્તાન પાકિસ્તાન સામે અત્યંત રસાકસીભરી સ્થિતિ બાદ હારી ગયું હતું.

  જો કે અત્યારસુધી ગઈ રાત્રીની હિંસાના જે કોઇપણ વિડીયો મળ્યા છે તે એક તરફી છે. આ ઝઘડાની શરૂઆત કયા પક્ષે કરી તે અંગે અન્ય કોઈજ પુરાવા હજી સુધી મળ્યા નથી તે અહીં નોંધનીય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં