Sunday, April 21, 2024
More
  હોમપેજદેશચંદ્રવિજય બાદ હવે સૂર્યનો સાક્ષાત્કાર: આદિત્ય-L1 પ્રક્ષેપણ માટે તૈયાર, ગણતરીની મિનિટો બાકી;...

  ચંદ્રવિજય બાદ હવે સૂર્યનો સાક્ષાત્કાર: આદિત્ય-L1 પ્રક્ષેપણ માટે તૈયાર, ગણતરીની મિનિટો બાકી; જાણો તમામ અપડેટ

  ISRO 2 સપ્ટેમ્બરના રોજ દેશના પહેલા સૂર્ય મિશન આદિત્ય-L1નું મંડાણ કરશે. સવારે 11.50 કલાકે રોકેટ મારફતે સ્પેસ ઓબ્ઝર્વેટરીને આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવશે.

  - Advertisement -

  ISROના ચંદ્રયાન-3 મિશનની ભવ્ય સફળતા બાદ હવે ભારત સૂર્ય તરફ ડગ માંડવા માટે તૈયાર છે. શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) ISRO ચીફ એસ.સોમનાથ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ મંદિરે જઈને ભગવાનના દર્શન કરી ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. સાથે ઘણાં મંદિરોમાં મિશનની સફળતા માટે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 11.50 કલાકે આદિત્ય-L1 મિશન લૉન્ચ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશવાસીઓમાં પણ ઉત્સાહ અને આતુરતા છે.

  ભારતીય સ્પેસ એજન્સી ISRO 2 સપ્ટેમ્બરના રોજ દેશના પહેલા સૂર્ય મિશન આદિત્ય-L1નું મંડાણ કરશે. સવારે 11.50 કલાકે રોકેટ મારફતે સ્પેસ ઓબ્ઝર્વેટરીને આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવશે. સૂર્યયાનને પીએસએલવી-C57 રોકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ એ ચાર મહિનાની સફર ખેડીને L1 પોઈન્ટ પર પહોંચશે.

  ચંદ્રયાન મિશન કરતાં આ મિશન અલગ છે. ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચ્યું હતું પણ સૂર્ય સુધી જવું શક્ય નથી. આદિત્ય-L1 વાસ્તવમાં એક સ્પેસ ઓબ્ઝર્વેટરી છે, જે સૂર્યની નજીક જઈને તેનો અભ્યાસ કરશે અને માહિતી પૃથ્વી સુધી મોકલશે. સૂર્યની અસર સૌરમંડળના તમામ ગ્રહો પર વધતા-ઓછા પ્રમાણમાં થાય છે. પૃથ્વી માટે તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, જેથી તેનો અભ્યાસ કરવો જરૂરી છે. 

  - Advertisement -

  આદિત્ય-L1 સૂર્ય અને પૃથ્વીની વચ્ચે રહીને સૂર્યનો અભ્યાસ કરશે. બંને વચ્ચે કુલ અંતર 15 કરોડ કિલોમીટર છે. આદિત્ય-L1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર હશે. જે પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરના 1 ટકા છે. જેથી આદિત્ય-L1 ન તો સૂર્ય પર જશે કે ન તેની વધુ નજીક જશે.

  ઇસરોએ આ મિશન માટે તમામ તૈયારીઓ કરી દીધી છે અને હવે ગણતરીની મિનિટ બાકી છે. બરાબર 11:50ના ટકોરે રોકેટ લૉન્ચ કરી દેવામાં આવશે. જે માટે રોકેટ લૉન્ચિંગ પેડ પર ગોઠવાઈ પણ ગયું છે.

  આદિત્ય-L1 લૉન્ચિંગ ક્યાં જોઈ શકાશે?

  ISRO દ્વારા આદિત્ય-L1 મિશન લોન્ચિંગનું જીવંત પ્રસારણ બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ISRO દ્વારા પોતાની વેબસાઇટ પર આદિત્ય-એલ1 લોન્ચિંગને શ્રીહરિકોટા સ્થિત સેન્ટરથી દર્શકોને બતાવવા માટે વ્યૂ ગેલેરીની સીટો બુક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ISROની ઓફિશિયલ વેબસાઇટ, યુટ્યુબ ચેનલ અને ફેસબુક એકાઉન્ટ પર જઈને પણ જીવંત પ્રસારણ જોઈ શકાશે. આ સિવાય ડીડી નેશનલ પર પણ લાઈવસ્ટ્રીમ જોઈ શકાશે. લાઈવસ્ટ્રીમ 2 સપ્ટેમ્બરે સવારે 11.20 કલાકે શરૂ થશે.

  ક્યાં ઉપકરણોનો થયો છે ઉપયોગ?

  વિજિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC): આ ઉપકરણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (બેંગલોર) દ્વારા બનાવવામાં આવ્યું છે. તે સૂર્યના કોરોના અને ઉત્સર્જનમાં થતાં પરિવર્તનનો અભ્યાસ કરશે.

  સોલર અલ્ટ્રા-વોયલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT): આ ઉપકરણ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (પૂણે) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લેશે.

  સોલેક્સ અને હેલ1ઓએસ: સોલર લો-એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર(SOLEX) અને હાઇ-એનર્જી L1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS) બેંગલોરમાં યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે. તે સૂર્યના એક્સ-રેનો અભ્યાસ કરશે.

  એસપેક્સ અને પાપા: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (અમદાવાદ)એ આદિત્ય સોલર વિન્ડ પાર્ટીકલ એક્સપેરિમેન્ટ (SPEX) વિકસાવ્યું છે અને ફિઝિકલ લેબોરેટરી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (તિરુવંતપુરમ) દ્વારા પ્લાઝમા એનાલાઈજર પેકેજ ફોર આદિત્ય (પાપા) વિકસાવવામાં આવ્યું છે. તેનું કામ સૌર પવનનો અભ્યાસ કરવાનું અને ઊર્જાના વિસ્તરણને સમજવાનું છે.

  મેગ્નેટોમીટર (મેગ): આ ઉપકરણ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ લેબોરેટરી (બેંગલોર) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે L1 ભ્રમણકક્ષાની આસપાસના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપવાનું કામ કરશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં