કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress president Mallikarjun Kharge) તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) વિશે ખૂબ જ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે યોગી આદિત્યનાથની તુલના ‘આતંકવાદી’ સાથે કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ (BJP) આ મામલે ખૂબ જ વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના પૂર્વ નેતા અને સંભલના કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krushnam) પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ખડગે હિંદુ નથી લાગી રહ્યા, સાચો હિંદુ ક્યારેય સંતનું અપમાન ન કરે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે, “મલ્લિકાર્જુન ખડગે નામથી તો હિંદુ લાગી રહ્યા છે, પરંતુ તેમના કર્મો હિંદુ જેવા નથી. તેમનું કામ જોઈને લાગી નથી રહ્યું કે, તેઓ હિંદુ હોય. તેમણે તે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ કોણ છે. કોઈ પણ હિંદુ સંત-મહાત્માનું અપમાન ન કરી શકે. જે રીતે તેઓ નિવેદનો આપી રહ્યા છે, તેનાથી તેમ લાગી રહ્યું છે કે તેમને સનાતનથી ચીડ ચડી રહી છે. મને નથી લાગતું કે, સનાતનથી ચીડ કે વેર રાખનાર કોઈ પણ વ્યક્તિને ભારતમાં રાજકારણ કરવાનો કોઈ અધિકાર હોવો જોઈએ.”
#WATCH | Sambhal, UP: On Congres president Mallikarjun Kharge's statement, Acharya Pramod Krishnam says, "From his name. Mallikarjun Kharge seems to be Hindu…But his actions don't make it seem that he is Hindu. He should first say who he is, whether he is Hindu or not. No Hindu… https://t.co/O0VfA41gWZ pic.twitter.com/sR12HMAG1m
— ANI (@ANI) November 11, 2024
યોગી આદિત્યનાથ નેતાની સાથે-સાથે સંત છે, ખડગે રાવણ તરફ જઈ રહ્યા છે: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
આચાર્યએ આગળ કહ્યું કે, “જે સનાતનની વિરુદ્ધ છે , તે ભારત વિરુદ્ધ છે અને જે ભારત વિરુદ્ધ છે તે સનાતનની વિરુદ્ધ છે. તેઓ આવડા મોટા અને વરિષ્ઠ નેતા છે, સનાતન અને ભગવાનું અપમાન કરવું તેમને શોભા નથી દેતું. ભારત એક ઋષિપ્રધાન દેશ છે. હિંદુ સંતોનું અપમાન ન કરે. ભારતના ઋષિમુનીઓ, સાધુઓ, તપસ્વીઓ અને સંતોએ આ દેશના નિર્માણમાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. તો જે હિંદુ હશે તે હિંદુ સંતોનું અપમાન નહીં કરે. યોગી આદિત્યનાથ એક નેતા તો છે જ, સાથે જ તેઓ એક સાધુ છે, સંન્યાસી છે. એમના વિષયમાં આવી હલકી ટીપ્પણી કરવી ખડગેજીને શોભા નથી દેતી.”
તેમણે આગળ જણાવ્યું કે, “અમે સાંભળ્યું છે કે જેમ-જેમ મનુષ્યની ઉમર વધે છે, તેમ-તેમ વ્યક્તિ રામ તરફ આવે છે. ખડગેજીની જેમ-જેમ ઉમર વધી રહી છે, તેઓ રાવણની દિશા તરફ જઈ રહ્યા છે. આ વિપક્ષનું દુર્ભાગ્ય છે. હવે ખબર નહીં આવું તે લોકો શા માટે કરી રહ્યા છે, પરંતુ તેઓ કરી રહ્યા છે. ઉમરના આ પડાવમાં તેમણે સનાતનનો વિરોધ ન કરવો જોઈએ.”
મલ્લિકાર્જુન ખડગેએ સીએમ યોગિની તુલના કરી હતી આતંકી સાથે
નોંધનીય છે કે, ગત 10 નવેમ્બર 2024ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડના રાંચીમાં હતા. અહીં ચૂંટણી માટે યોજાયેલી કોંગ્રેસની એક જાહેરસભામાં તેમણે સંબોધન આપ્યું હતું. તેમના આ સંબોધનમાં જ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ખડગેએ કહ્યું હતું કે, “એક સાચો યોગી ‘કટેગેં તો બટેગેં’ જેવી ભાષાનો ઉપયોગ ન કરી શકે.” તેમણે યોગી આદિત્યનાથને આતંકવાદી સાથે સરખાવતા કહ્યું કે, “આવી ભાષાનો ઉપયોગ આતંકવાદીક કરે.”
#WATCH | Mumbai: At the 'Samvidhan Bachao Sammelan', Congress National President Mallikarjun Kharge says, "Many leaders live in the guise of sadhus and have now become politicians. Some have even become chief ministers. They wear 'gerua' clothes and have no hair on their… pic.twitter.com/wLnFkNNNz7
— ANI (@ANI) November 10, 2024
તેમણે કહ્યું કે, “યોગી મઠ પ્રમુખ છે, ભગવા વસ્ત્રો પહેરે છે, પરંતુ તેનું માનવું ‘મુખમાં રામ, બગલમાં છૂરી’ જેવું છે.” ખડગે આટલે જ ન અટક્યા, તેમણે કહ્યું કે, ભાજપ નક્કી કરી લે કે તેમને યોગીના ‘કટેગેં તો બટેગેં’ અને પીએમ નરેન્દ્ર મોદીના ‘એક હૈ તો સેફ હૈ’ તે બેમાંથી કયું સૂત્ર અપનાવવું છે.” તેમણે એમ પણ કહ્યું કે, જે લોકો ઈચ્છે છે કે દેશ એક થઈને રહે, તેઓ ક્યારેય વિભાજનકારી ટિપ્પણીઓ ન જ કરી શકે.