Saturday, March 7, 2026
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસના વસોયા પૈસાના જોરે ખરીદી રહ્યા છે અમારા કાર્યકર્તા': AAPએ લગાવ્યા આરોપ,...

    ‘કોંગ્રેસના વસોયા પૈસાના જોરે ખરીદી રહ્યા છે અમારા કાર્યકર્તા’: AAPએ લગાવ્યા આરોપ, સ્ટિંગ ઑપરેશનના દાવા સાથે ગોપાલની પ્રાંત અધિકારીને ત્યાં દોટ; લલીતે કહ્યું- નાટક કરી રહ્યો છે ઇટાલિયા

    AAPના નેતાઓનો આરોપ છે કે, કોંગ્રેસના નેતાઓએ AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ખરીદવા માટેનો પ્રયાસ કર્યો છે અને તેમની પાસે તેના વિડીયો પણ છે. વધુમાં વિસાવદરની એક માત્ર શયોના હોટેલના સીસીટીવ તપાસ સુધી વાત પહોંચી ગઈ છે.

    - Advertisement -

    વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકની (Assembly Seat) પેટાચૂંટણીને (By-Election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, (BJP) કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે ફરીથી AAP કોંગ્રેસ સામસામે આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. AAPના નેતા મનોજ સોરઠિયાએ (Manoj Sorathiya) કોંગ્રેસના નેતા નેતા લલીત વસોયા (Lalit Vasoya) પર રૂપિયાથી AAPના કાર્યકર્તાઓને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઑપરેશન ઑપરેશનના દાવા સાથે પ્રાંત કચેરી ભણી દોડ મેલી છે.

    AAPના મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, તેમના વિસાવદર તાલુકાના AAPના મહામંત્રી હરદેવભાઈને ફોન કરીને પૈસાની લાલચ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, તેઓ કહે તે પ્રમાણે કરવાનું છે. વધુમાં સોરઠિયાએ કહ્યું કે, AAPના ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને તેમના બધા કાર્યકર્તાઓએ આ ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ નેતાની હોટેલ શયોના ગોલ્ડમાં કોંગ્રેસ નેતાઓ બેસીને પૈસાની વહેંચણી કરી રહ્યા હતા. 

    કોંગ્રેસે ₹2 લાખ આપીને AAP અને ઇટાલિયા વિરુદ્ધ બોલવા કહ્યું હોવાના આરોપ

    મનોજ સોરઠિયાએ આ મામલે વધુ કહ્યું હતું કે, AAPના મહામંત્રી હોટેલમાં પહોંચ્યા તો કોંગ્રેસ નેતાઓએ તેમને ₹2 લાખની ઓફર આપી હતી અને કહ્યું હતું કે, AAPમાંથી રાજીનામું આપીને તેમના માટે કામ કરવાનું છે. સોરઠિયાએ દાવો કર્યો કે, હોટેલની તે રૂમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નેતા લલીત વસોયા બેઠા હતા. તેમના મતે, તેમની હાજરીમાં જ પૈસાની લેવડદેવડ થઈ હતી અને વારાફરતી તમામ કાર્યકર્તાઓને બોલાવીને પૈસા આપવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    બીજી તરફ આ મામલે કોંગ્રેસ નેતા લલીત વસોયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, “અમે ગરીબ પાર્ટી અને તેના નાના ઉમેદવાર છીએ. અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદી શકીએ એટલી ત્રેવડ નથી. તે બધા જ લોકો જાણે છે અને ગુજરાતની જનતા પણ જાણે છે. ગોપાલ ઇટાલિયા આવા બધા નાટકો કરવા માટે જાણીતા છે. જે હોટલમાં હું નાહવા માટે ગયો હતો, ત્યાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના કાર્યકર્તાઓ અને નેતાઓએ રૂમ બુક કરાવ્યા છે.” 

    તેમણે વધુમાં કહ્યું છે કે, “ગોપાલ ઇટાલિયા ખોટા નાટકો કરે છે અને સિનસપાટા કરે છે. હરદેવભાઈ સાથે મારે કોઈ ઓળખાણ નથી કે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. આરોપો તો ગમે તે માણસ ગમે તે પ્રકારના લગાવી શકે તેમ છે.” વધુમાં લલીત વસોયાએ કહ્યું છે કે, “આમ આદમી પાર્ટીને કહો વિડીયો વાયરલ કરે. મારી પાસે બધા જવાબ છે.” આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પણ કહ્યું છે કે, તે વિસ્તારમાં એક જ હોટેલ છે અને તે ભાજપના આગેવાનની હોટેલ છે. તે જ હોટેલમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓએ ધામા નાખ્યા છે. 

    સ્ટિંગ ઑપરેશનના દાવા સાથે પ્રાંત કચેરી પહોંચી ગયા ઇટાલિયા

    વધુમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે, તેમણે આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કર્યું છે અને તે વિડીયો તેમના ફેસબુક એકાઉન્ટમાં પણ ઉપલબ્ધ છે. વધુમાં ગોપાલ ઇટાલિયા ₹2 લાખની રોકડ લઈને પ્રાંત કચેરી પહોંચી ગયા છે અને ફરિયાદ નોંધાવી રહ્યા છે. ઇટાલિયાની સાથે મનોજ સોરઠિયા અને પ્રવીણ રામ પણ પ્રાંત કચેરી પહોંચ્યા છે. તેમણે પ્રાંત કચેરીને મૌખિક ફરિયાદ કર્યાં બાદ લેખિતમાં અરજી પણ આપી છે. 

    AAPના નેતાઓનો આરોપ છે કે, કોંગ્રેસના નેતાઓએ AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ખરીદવા માટેનો પ્રયાસ કર્યો છે અને તેમની પાસે તેના વિડીયો પણ છે. વધુમાં વિસાવદરની એક માત્ર શયોના હોટેલના સીસીટીવ તપાસ સુધી વાત પહોંચી ગઈ છે. હાલ આ મામલે પ્રાંત અધિકારી દ્વારા સીસીટીવી ચેક કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં