Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણદિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ: 5 દિવસના રિમાન્ડ પર સંજય સિંઘ, ઇડીએ કોર્ટને...

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ: 5 દિવસના રિમાન્ડ પર સંજય સિંઘ, ઇડીએ કોર્ટને જણાવ્યું- AAP સાંસદને મળ્યા હતા 2 કરોડ રૂપિયા રોકડા

    કોર્ટમાં રિમાન્ડની માંગ કરતાં ઈડીએ કહ્યું કે, AAP સાંસદને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે બાબતની પુષ્ટિ તેમના જ સહયોગી અને આ કેસમાં આરોપી દિનેશ અરોડાએ કરી હોવાનું એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંઘને પાંચ દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઇડીએ તેમને દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. આખરે કોર્ટે સુનાવણીને અંતે 5 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. હવે 10 ઓક્ટોબરે ફરી તેમને કોર્ટમાં રજૂ કરાશે. ત્યાં સુધી તેઓ ઇડીની કસ્ટડીમાં જ રહેશે. 

    મંગળવારે (4 ઓક્ટોબર, 2023) ઇડીની ટીમ AAP સાંસદના ઘરે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ, સંજય સિંઘને કસ્ટડીમાં લઈને તેમની પણ પૂછપરછ કરી હતી. લગભગ 10 કલાક પૂછપરછ કર્યા બાદ સાંજે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ઇડીએ ગુરૂવારે (5 ઓક્ટોબર, 2023) સંજય સિંઘને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગ કરી હતી. એજન્સીએ પૂછપરછ અને તપાસ માટે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. 

    કોર્ટમાં રિમાન્ડની માંગ કરતાં ઈડીએ કહ્યું કે, AAP સાંસદને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે બાબતની પુષ્ટિ તેમના જ સહયોગી અને આ કેસમાં આરોપી દિનેશ અરોડાએ કરી હોવાનું એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું. ઇડીએ કોર્ટમાં કહ્યું કે, સંજય સિંઘના નિવાસસ્થાને 2 કરોડની ડિલીવરી કરવામાં આવી હતી, જે બાબતની પુષ્ટિ દિનેશ અરોડાએ તેમની સાથે કરી હતી અને સાંસદે પણ પૈસા મળી ગયા હોવાનું જણાવ્યું હતું. 

    - Advertisement -

    ઇડી અનુસાર, સંજય સિંઘને બે હપ્તામાં કુલ 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાંથી 2 કરોડ રૂપિયા રોકડા સોંપવામાં આવ્યા હતા. એજન્સીએ કહ્યું કે, સંજય સિંઘ અને દિનેશ અરોડાની સાથે પૂછપરછ કરવાની છે તેમજ તેમનાં ડિજીટલ ઉપકરણો બતાવીને પણ પૂછપરછ કરવી જરૂરી છે. 

    સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે લેવડદેવડની વાતો ઓક્ટોબર, 2021ની છે અને પુરાવા હતા તો ધરપકડ કરવામાં આટલું મોડું કેમ થયું? જેના જવાબમાં ઇડીએ જણાવ્યું કે, દરોડા દરમિયાન મળેલા પુરાવા અને નવાં તથ્યોના આધારે પુષ્ટિ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. 

    બીજી તરફ, સંજય સિંઘના વકીલે દલીલ કરતાં દિનેશ અરોડાનાં નિવેદનની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે, તેઓ વારંવાર પોતાનાં નિવેદનો બદલી રહ્યાં છે. તેમણે રિમાન્ડનો પણ વિરોધ કર્યો અને દાવો કર્યો કે જે વ્યક્તિ સામેલ જ ન હોય તેને શા માટે કસ્ટડીમાં રાખવા જોઈએ? જોકે, કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખી અને એજન્સીની માંગ પર રિમાન્ડ મંજૂર કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે દિનેશ અરોડા દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડના મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્ય આરોપીઓ પૈકીનો એક છે. જે દિલ્હીમાં રેસ્ટોરન્ટ ચલાવે છે અને ઇડી અનુસાર, સંજય સિંઘ અને મનિષ સિસોદિયાનો નજીકનો માણસ છે.

    દિનેશ અરોડાને આ કેસનો અગત્યનો ચહેરો માનવામાં આવે છે. ઇડીએ ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે અરોડાએ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી, જેમાં સંજય સિંઘ પણ હાજર હતા. અરોડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સૌથી પહેલાં એક કાર્યક્રમમાં સંજય સિંઘને મળ્યો હતો, ત્યારબાદ સિસોદિયાના સંપર્કમાં આવ્યો. ચાર્જશીટ અનુસાર, સંજય સિંઘના આદેશ પર દિનેશ અરોડાએ દિલ્હીમાં આગામી ચૂંટણીને લઈને પાર્ટી માટે ફંડ એકઠું કરવા માટે રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી અને તેણે 32 લાખ રૂપિયાનો ચેક પણ સિસોદિયાને સોંપ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં