અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ પોલીસને જોઇને પોતે પ્રદર્શનકરી હોવાનું નકારી દે છે, બાદમાં પોલીસના જતાની સાથે જ તે પોતાનો ઈન્ટરવ્યૂ લઈ રહેલી મહિલા પત્રકાર સામે ‘અરવિંદ કેજરીવાલ જિંદાબાદ’નો નારો લગાવે છે.
આ વિડીયોમાં પત્રકાર તે વ્યક્તિની આ પ્રકારની હરકત જોઇને અચરજમાં મુકાઈ જાય છે, ત્યારે જ કેજરીવાલ સમર્થક તેને કહે છે કે પોલીસ તેની ધરપકડ ન કરે એટલે તે ખોટું બોલ્યો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેવામાં ઑપઇન્ડિયાએ આ વ્યક્તિને શોધીને તેની સાથે વાતચીત કરી. દરમિયાન તેણે પોતાના વિડીયો વાયરલ થવા સિવાય પણ ઉમર ખાલીદ, લિકર પોલીસી કૌભાંડ, ધરણા પ્રદર્શન જેવા અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શરૂ થઈ ચર્ચા
સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ dev_bhumi_nutrition નામના યુઝરે શનિવારે (23 માર્ચ 2024) શેર કર્યો હતો. વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘જેવા ગુરુ તેવા જ કેજરીવાલના ચેલા’ સાથે જ હસતા ઈમોજી સાથે ‘બિલકુલ ફ્રોડ’ લખવામાં આવ્યું હતું. આ હેન્ડલ પર આ વિડીયોને અત્યાર સુધી 38 હજાર લોકો જોઈ ચુક્યા છે. આ વિડીયોની શરૂઆતમાં એક મહિલા પત્રકાર લાલ કપડા પહેરેલા એક વ્યક્તિ સાથે વાત કરી રહી છે. તેમની પાછળ દિલ્હી પોલીસના એક કર્મચારીને ઉભા જોઈ શકાય છે.
વિડીયોમાં જે વ્યક્તિ છે તે પત્રકારને કહે છે કે તે નોઈડાનો રહેવાસી છે અને કોઈ અંગત કામ માટે અહીં આવ્યો છે. તેમને પૂછવામાં આવે છે કે તેમના હાથમાં ‘મેં ભી કેજરીવાલ’નું પોસ્ટર કેવી રીતે આવ્યું? આના પર તેનુ કહેવુ છે કે તે જમીન પર પડેલુ પોસ્ટર એક મહિલાને આપી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ પોલિસની નજર તેના પર પડી અને તે તેને પોતાની સાથે લઈ આવ્યા.
આ સાંભળીને પોલીસકર્મી તેને જવાનું કહે છે અને મહિલા પત્રકાર પણ કહે છે કે ચાલો- “મેં તમને બચાવી લીધા.” ત્યાર બાદ તે વ્યક્તિ ત્યાં ઉભો રહીને પોલીસને જતા જોવે છે અને ત્યાંથી જેવો પોલીસકર્મી જતો રહે છે કે તે મહિલા પત્રકારના માઇકમાં ‘કેજરીવાલ ઝિંદાબાદ’ કહે છે. દરમિયાન તે પોતાને અરવિંદ કેજરીવાલનો કટ્ટર સમર્થક પણ ગણાવે છે. જ્યારે મહિલા પૂછે છે કે તેમણે આવું શા માટે કર્યું, ત્યારે તે કહે છે કે તે પોલીસ દ્વારા ધરપકડ કરાવવા નહતો માંગતો.
AAP પાર્ટીના સમર્થકના આ કૃત્ય પર લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ભૂપેન્દ્રએ યુવકને કેજરીવાલનો કટ્ટર શિષ્ય ગણાવ્યો હતો. pnky_schoolvlogs નામના હેન્ડલથી ‘જૈસા ગુરુ વૈસા ચેલા’ લખવામાં આવ્યું છે.
પકડીને જંગલમાં છોડી દેતી પોલીસ
ઑપઇન્ડિયાએ વીડિયોમાં દેખાતા વ્યક્તિ ને શોધી કાઢ્યો હતો. આ વ્યક્તિનું નામ રામ ગુપ્તા છે, જે નોઈડાનો રહેવાસી છે. રામ ગુપ્તા 10 વર્ષ પહેલા મીડિયા કર્મી હોવાનો દાવો કરે છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં રામ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમને ડર હતો કે પોલીસ તેને પકડી લેશે અને જંગલમાં ક્યાંક દૂર છોડી દેશે. જ્યારે અમે દિલ્હીના જંગલો વિશે પૂછ્યું, ત્યારે રામ ગુપ્તાએ બવાના જેવા સરહદી વિસ્તારોનો ઉલ્લેખ કર્યો. રામ ગુપ્તા પોતાને આમ આદમી પાર્ટી તરફથી ભાવિ રાજ્યસભાના સાંસદ પણ માને છે. હાલ તેઓ પાર્ટીના ખેડૂત મોરચાની જવાબદારી સંભાળી રહ્યા છે. આપ નેતાએ એમ પણ કહ્યું હતું કે કેજરીવાલના સમર્થનમાં પ્રદર્શન કરવા માટે 40 લોકોનું એક જૂથ તેમની સાથે ગયું હતું, તેમની ચતુરાઈના કારણે પોલીસે એક પણ વ્યક્તિને ન પકડ્યો હોવાનો તેમનો દાવો છે.
પોતાને આર્થિક રીતે નબળા ગણાવતા રામ ગુપ્તાએ કહ્યું કે જો દિલ્હી પોલીસ તેમને ક્યાંક દૂર છોડીને જતી રહી હોત તો તેમની પાસે પરત ફરવાનું ભાડું પણ નહતું. જ્યારે અમે આર્થિક રીતે નબળા રહેવા પાછળનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે તેમની પાર્ટીના મોટાભાગના લોકોને ભિખારી ગણાવ્યા હતા. જ્યારે અમે અરવિંદ કેજરીવાલ, સંજય સિંઘ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કરોડો રૂપિયાના કૌભાંડોના આરોપો પર સવાલ ઉઠાવ્યા, ત્યારે તેમણે તેને માત્ર ‘સત્યથી પર આરોપો’ ગણાવ્યા હતા. રામ ગુપ્તાના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટીને કોઇ દાન પણ આપતું નથી.
બિહાર સુધી સપ્લાય થાય છે દિલ્હીનો દારુ
આપ નેતા રામ ગુપ્તાએ પોતાની પાર્ટીના ટોચના નેતાઓ સામે પોતાના અંદાજમાં દારૂના કૌભાંડને જસ્ટિફાઈ કર્યું હતું. તેમણે કહ્યું, “કળયુગમાં દારૂ સૌથી મોટો પ્રસાદ હોય છે.” તેમણે અમને પૂછ્યું કે કયા રાજ્ય અને વ્યક્તિ દારૂનું સેવન કરતા નથી. જ્યારે અમે બિહારમાં દારૂબંધીનો ઉલ્લેખ કર્યો ત્યારે રામ ગુપ્તાએ દાવો કર્યો હતો કે બિહારમાં એવો કોઈ જિલ્લો કે મકાન નથી કે જ્યાં સાંજે બોટલ ખોલવામાં ન આવતી હોય. રામ ગુપ્તાએ આશંકા વ્યક્ત કરી હતી કે બની શકે છે કે બિહારમાં દિલ્હીથી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો હોય.
વિડીયોમાં કરેલી હરકતને છત્રપતિ શિવાજીની શિક્ષા કહી
પોલીસ સામે જૂઠું બોલીને ધરપકડ ટાળવા અંગે અમે રામ ગુપ્તાને ફરી પૂછપરછ કરી તો તેમણે તેને છત્રપતિ શિવાજી મહારાજની ટેક્નિક ગણાવી હતી. તેમણે પોતાના પ્રદર્શનને શિવાજી મહારાજના તે સમય સાથે જોડ્યો હતો જ્યારે તેઓ આગ્રાના કિલ્લા પરથી ટોકરામાં બેસીને ઔરંગઝેબની કેદમાંથી છટકી ગયા હતા. જો કે, જ્યારે અમે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ઔરંગઝેબમાં પણ માને છે, ત્યારે તેમણે તેને સાચું માન્યું ન હતું કે ન તો તેમણે તેના પર કોઈ વિગતવાર ખુલાસો આપ્યો હતો. પોતાની વાતચીતમાં રામ ગુપ્તાએ અનેક વખત ‘તાનાશાહ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ઉમર ખાલીદ અને કન્હૈયા કુમાર અપરાધી નથી
જ્યારે અમે રામ ગુપ્તાને પૂછ્યું કે તેઓ આમ આદમી પાર્ટી દ્વારા ઉમર ખાલિદ અને કન્હૈયા કુમાર જેવા લોકોને કેમ સપોર્ટ કરે છે, તો તેમણે પોતાનો પક્ષ મુક્ય્હો હતો. રામ ગુપ્તાએ ઉમર ખાલિદ અને કન્હૈયા કુમારને અપરાધી માનવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે બંનેને આરોપી ગણાવ્યા હતા. સાથે જ રામ ગુપ્તાનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ બધાને સાથે લઇને ચાલી રહ્યા છે. રામ ગુપ્તાએ માત્ર આરોપોના આધારે કોઈને પણ અપરાધી માનવાનો ઈનકાર કરી દીધો હતો.
અમારી પાર્ટી ખેડૂત આંદોલનમાં સક્રિય
રામ ગુપ્તાએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટીએ ખેડૂત આંદોલનમાં હંમેશા સક્રિય ભૂમિકા નિભાવી છે. તેમણે ભગવંત માનને અનેકવાર ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મધ્યસ્થી ગણાવ્યા હતા. રામ ગુપ્તાનો એ પણ દાવો છે કે આ નીતિઓને અનુસરીને આમ આદમી પાર્ટીએ 2 રાજ્યોમાં સરકાર બનાવી છે અને ટૂંક સમયમાં જ બીજા અનેક રાજ્યોમાં જીત મેળવવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના દિલ્હી દારૂ કૌભાંડના આરોપીઓમાં સંજય સિંઘ અને મનીષ સિસોદિયા સાથે અરવિંદ કેજરીવાલનું પણ નામ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તપાસમાં નામ આવ્યા બાદ આ ત્રણેયને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વારંવાર સમન્સ મળવા છતાં અરવિંદ કેજરીવાલ ED સમક્ષહાજર નહોતા થઈ રહ્યા. ગુરુવારે (22 માર્ચ) કેજરીવાલની ધરપકડ પછી, તેમના સમર્થકો શનિવારે (23 માર્ચ 2024) દિલ્હીમાં છુટ્ટાછવાયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.